એકવાર આ રાજસ્થાની દાળઢોકળી ખાસો તો ખાતા જ રહી જશો જાણી લો રેસિપી

0
3105

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે અમારા દ્વારા જણાવાયેલી રસોઈની રેસીપીઓમાં એક રેસીપી વધારે ઉમેરી છે. અને એ છે રાજસ્થાની દાળ ઢોકળી. આપણને ગુજરાતી લોકોને તો દાળ ઢોકળી ઘણી જ ભાવે છે.

મોટાભાગના ગુજરાતી ઘરોમાં મહિનામાં બે વાર તો દાળ ઢોકળી બનતી જ હોય છે. અને મોટે ભાગે આપણે આપણી ટ્રેડીશનલ દાળ ઢોકળી જ બનાવીએ છે. પણ આજે અમે તમારા માટે એમાં એક નવી વેરાયટી લઈને આવ્યા છીએ. આજે અમે તમને રાજસ્થાની દાળ ઢોકળી બનાવવાની રેસીપી જણાવીશું.

આ રેસીપી જાણ્યા પછી તમે પણ ઘરે રાજસ્થાની દાળ ઢોકળી બનાવીને ઘરના સભ્યોને નવી વેરાયટી ખવડાવી શકશો. તો આવો તમને જણાવીએ કે રાજસ્થાની દાળ ઢોકળી કેવી રીતે બનાવાય છે.

રાજસ્થાની દાળ ઢોકળી માટે જરૂરી સામગ્રી :

ઢોકળી માટે :

ઘઉંનો લોટ – 1 કપ

ઘી – 1 ટીસ્પૂન

ગરમ મસાલો – 1/2 ટીસ્પૂન

જીરું – 1/2 ટીસ્પૂન

લાલ મરચું પાઉડર – 1 ટીસ્પૂન

મીઠું સ્વાદ અનુસાર

પાણી જરૂરિયાત પ્રમાણે

દાળ માટે :

તુવેરની દાળ – 1/2 કપ

ગરમ મસાલો – 1/2 ટીસ્પૂન

રાઈ – 1/2 ટીસ્પૂન

મગની દાળ – 1/2 કપ

ઘી – 1 ટેબલસ્પૂન

જીરું – 1/4 ટીસ્પૂન

ટામેટું – 1

હળદર – 1/2 ટીસ્પૂન

ડુંગળી – 1

લાલ મરચું પાઉડર – 1/2 ટીસ્પૂન

મીઠું સ્વાદ અનુસાર

રાજસ્થાની દાળ ઢોકળી બનાવવાની રીત :

પહેલા ઢોકળી કઈ રીતે બનાવવી એ જાણી લો. એના માટે સૌથી પહેલા ઘઉંનો લોટ લઈને એને એક મોટા વાસણમાં ચાળી લો. ત્યારબાદ તેમાં લાલ મરચું, ગરમ મસાલો, મીઠું અને જીરૂં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો. હવે તેમાં ઘી ગરમ કરીને ઉમેરો. અને એને સારી રીતે મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરીને ઢોકળી માટેનો લોટ બાંધી લો. ત્યારબાદ હાથ વડે નાના આકારની ઢોકળી તૈયાર કરો.

આપણે ગુજરાતી ઢોકળી માટે મોટી રોટલી વણીને એને ચપ્પુથી આકાર આપીએ છીએ. પણ અહીં એવું નથી કરવાનું. અહીં તમારે એકદમ નાની પૂરી માટેના લુઆ બનાવવાના છે. એને થોડી ગોળ એકદમ નાની પુરી જેવી બનાવી એમાં અંગૂઠાની મદદથી વચ્ચે નાનો ખાડો કરવાનો છે. રાજસ્થાનીઓ આ રીતે ઢોકળી બનાવે છે. હવે આ ઢોકળીને ઢાંકીને મૂકી દો.

હવે વારો આવે છે દાળનો. તો એના માટે બનાવવાના લગભગ બે કલાક પહેલા જ જરૂરી દાળ લઈને એને પલાળવા મૂકી દો. ત્યારબાદ તેને નીતારીને હળદર અને થોડું મીઠું ઉમેરીને પાણીમાં બાફી લો. આ દાળ સારી રીતે બફાય જાય એટલે તેને વલોવી લો. હવે તેને વઘારવાની છે. એના માટે એક જાડા તળિયાવાળી તપેલી અથવા તો કડાઈ લઈને એમાં ઘી ગરમ કરવા મુકો.

ઘી ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ અને જીરું નાખો. રાઈ ફૂટવા લાગે એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટાં ઉમેરીને એને સારી રીતે સાંતળો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ તેમાં બાફેલી દાળ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

ત્યારબાદ તેમાં ગરમ મસાલો અને લાલ મરચું પાઉડર નાખી એને ઉકળવા દો. હવે તેમાં તૈયાર કરેલી ઢોકળી ઉમેરીને ચઢવા દો. એના તમારે 15 થી 20 મિનિટ સુધી ઉકળવા દેવાની છે. ઢોકળી ઉમેરો ત્યારે ધ્યાન રાખો કે ઢોકળીને એક એક કરીને ઉમેરવી જોઈએ. આમ કરવાથી તે ચોંટટી નથી. ઢોકળી પણ સારી રીતે ચઢી જાય એટલે ગેસ બંધ કરીને તેને ઉતારી લો. તમે એને પીરસો ત્યારે એના પર કોથમીર અને ડુંગળી નાખી શકો છો.