ગુજરાતના માથે ‘મહા’ સંકટ, 5 નવેમ્બરથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે થઈ આ આગાહી

0
423

ગુજરાતમાં ચોમાસુ પૂરું થયા પણ થોડા થોડા સમયે વરસાદ પડી રહ્યો છે. હાલમાં જ દિવાળી પર ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેને લીધે લોકોના તહેવારના રંગમાં ભંગ પડ્યો હતો, અને ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી. એવામાં ફરીથી વાવાઝોડા સાથે વરસાદ થશે એવી આગાહી કરવામાં આવી છે, જે ચિંતાનો વિષય બની ગઈ છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, ‘મહા’ નામનું વાવાઝોડું ગુજરાત વાસીઓને પરેશાન કરે તેવી સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર મહા વાવાઝોડું હાલ સીવિયર સાઇક્લોનક બની રહ્યું છે. એ કારણસર 5 અને 6 નવેમ્બરની આસપાસ ગુજરાતમાં(ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને દરિયા કિનારાના વિસ્તારોમાં) ફરી એક વાર ચોમાસા જેવો માહોલ સર્જાઈ શકે છે. અને શનિવારે 2 તારીખે અમદાવાદ અને રાજ્યમાં અન્ય સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

મિત્રો, હવામાન વિભાગે હાલમાં કરેલી આગાહી અનુસાર, આખા દક્ષિણ ગુજરાતમાં અને સાથે સાથે દમણ અને દાદરા નગર હવેલીમાં, તેમજ સૌરાષ્ટ્રમાં બોટાદ, દ્વારકા, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ અને અમરેલીમાં ભારે વરસાદ પડશે. બીજા વિસ્તારોની વાત કરીએ તો આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, અમદાવાદ સહિતના વિસ્તારમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી છે.

હવે જો મહા વાવાઝોડાની વાત કરીએ તો, એના કારણે 6 અને 7 નવેમ્બરના રોજ ગુજરાતના કેટલાક ભાગોમાં 60 થી 70 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે શુક્રવારે આ બાબતે આગાહી કરી હતી. એ અનુસાર પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલું આ વાવાઝોડું છેલ્લા 6 કલાકમાં 24 કિલોમીટરની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.

આ વાવાઝોડું ગુરુવારે 13 કિલોમીટરની ઝડપે આગળ વધતું હતું. એટલે હવે તેની ઝડપમાં સીધો બે ગણો વધારો થયો છે. અને આગામી દિવસોમાં આ ઝડપમાં વધારો થાય તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 6 અને 7 નવેમ્બર દરમિયાન આ વાવાઝોડાની અસર ગુજરાત પર દેખાશે. જો કે આ સિસ્ટમની અસર શરૂ થઈ ગઈ છે. અને 2 નવેમ્બરે સવારથી વલસાડ અને ઉમરગામથી સુરત સુધીના પટ્ટા ઉપર વાદળ છવાયા હતા. તેમજ સુરતમાં હળવો વરસાદ પણ પડ્યો હતો.

આ સિસ્ટમને કારણે તાપી અને નર્મદા નદીના ઉપરવાસના વિસ્તારોમાં પણ ફરીથી વરસાદ પડવાની શક્યતા છે. આથી આ બંને ડેમમાં આવનારા અઠવાડિયા સુધી પાણીની આવક શરુ રહેવાની સંભાવના છે. જાણકારી માટે જણાવી દઈએ કે, હવામાનના જાણકાર એવા અંબાલાલ પટેલે પણ આ બાબતે આગાહી વ્યક્ત કરી છે. એમની આગાહી મુજબ, તારીખ 6, 7 અને 8 નવેમ્બર દરમિયાન દરિયો તોફાની બનશે. આ કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે.

જણાવી દઈએ કે, અમદાવાદ સહિત ઉત્તર-મધ્ય ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે. એ પછી 10 નવેમ્બરે હવામાનમાં પલટો આવે અને દક્ષિણ-પૂર્વીય તટિય, ઓડિશા વગેરે ભાગોમાં વરસાદ પડી શકે છે. અંબાલાલ અનુસાર, 6,7 અને 8 નવેમ્બર દરમિયાન ગુજરાતના દરિયાકિનારાના ભાગોમાં વાયુ વાહક નક્ષત્ર નારીમાં ગ્રહો હોવાથી સખત પવન ફૂંકાવાની શક્યતાઓ છે.

મિત્રો, મહા વાવાઝોડુ ગુજરાતમાં આવવાની શક્યતા હોવાથી ગાંધીનગરમાં શુક્રવારના રોજ વેધર વોચ ગ્રૂપની બેઠક યોજાઈ હતી. એમ એવું જણાવવામાં આવ્યું હતું કે, કેન્દ્ર સરકારની એડવાઇઝરીની રાહ જોવાઈ રહી છે. અને એ પછી જ ચક્રવાતની દિશા સ્પષ્ટ થઈ શકશે. મહા વાવાઝોડા પહેલા કયાર નામનું વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉત્તર-દક્ષિણ દિશામાં ઓમાન તરફ ફંટાઈ ગયું હતું.

અને હવે મહાને ધ્યાનમાં રાખીને અગમચેતીના પગલાંના ભાગરૂપે રાજ્યના રાહત કમિશનર તરફથી, તમામ જિલ્લા કલેક્ટરો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સાગરકાંઠાના જિલ્લાઓમાં તંત્ર ગોઠવવા માટે જરૂરી કાર્યવાહી શરૂ કરવાની સૂચના આપવામાં આવી હોવાની જાણકારી મળી છે.

છેલ્લા અપડેટ મુજબ મહા વાવાઝોડું ગોવાથી ૩૫૦ અને વેરાવળથી ૬૫૦ કિલોમીટર દૂર છે. અને આ સિસ્ટમ 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સમુદ્રમાં આગળ વધી રહી છે. હવામાન વિભાગ અનુસાર આ સિસ્ટમ 3 નવેમ્બરની રાત સુધીમાં ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરતું દક્ષિણ ગુજરાત તટથી આગળ જશે. તે 4 નવેમ્બર સુધી આગળ જવાની ગતિમાં રહ્યા બાદ આ વાવાઝોડું દક્ષિણ ગુજરાત તટ તરફ પાછું વળશે.

આ કારણે આગામી 24 કલાકમાં અને 6 નવેમ્બર પછી ફરીથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠા સહિતના રાજયના અલગ અલગ વિસ્તારોમાં ગાજ વીજ સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.