બાળકોને ભીખ આપીને ઉપકાર કરતા હોય એ વાંચી લે અમદાવાદની હમણાંની ઘટના

0
1142

આપણે ઝડપથી વિકસતા દેશમાં રહીએ છીએ. પણ થોડા થોડા સમયે આપણા દેશમાં એવા બનાવો બનતા રહે છે, જેને લીધે આપણે શરમ અનુભવવી પડે છે. એવો જ એક બનાવ ગુજરાતના અમદાવાદ શહેરમાંથી સામે આવ્યો છે, જે બાળકો પર થતા અત્યાચારને દર્શાવે છે. અને એના વિષે જાણ્યા પછી તમને પણ ખુબ ગુસ્સો આવશે. મિત્રોમ હાલમાં જ શહેરના જુદા-જુદા વિસ્તારમાં બાળકો પાસે ભીખ મંગાવતી અને ચોરી કરાવતી મહિલા સહિત 2 લોકોની મહિલા ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

મળેલી જાણકારી અનુસાર પોલીસે વટવામાં આવેલા એક મકાનમાં રેડ પાડી હતી. અને ત્યાંથી 17 બાળકોને રેસ્કયુ કરાવ્યા હતા. જેમાં 5 છોકરા અને 12 છોકરીઓનો સમાવેશ થાય છે. એ બાળકોને અલગ અલગ સંસ્થાઓમાં મોકલી આપવામાં આવ્યા છે, અને આ મામલે મહિલા આરોપી આનંદી અહાનંદ સલાટ અને તેના સાગરીત સંપત તનિકા સલમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપી મહિલાની ચુંગલમાંથી છોડવાયેલી 10 વર્ષની બાળકીએ જણાવ્યું હતું કે, તેઓ મારી પાસે કામ કરાવતા અને ભીખ પણ મંગાવતા હતા. અને જો હું એમનું કામ ન કરું તો તેઓ મને મારતા હતા અને આંખમાં મરચું પણ નાખતા હતા.

અને ત્યાંથી છોડાવાયેલા દરેક બાળકોના શરીર ઉપર મારના અથવા દાઝેલાના નિશાન પણ મળી આવ્યા છે. આ બાળકો પોલીસ સામે કંઈ બોલી ન શકે એટલા માટે આરોપીઓ એ તમામ બાળકોને પોલીસ માર મારશે તેમ કહીને ડરાવતા હતા.

પહેલા પણ આનંદી પકડાઈ ચુકી છે :

પોલીસનું માનવું છે કે, આ રેકેટમાં અન્ય લોકોની પણ સંડોવણી છે. અને આગામી દિવસોમાં શહેરમાં બાળકો પાસે ભીખ મંગાવતા લોકોનું મોટું રેકેટ બહાર આવે એવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, મહિલા આરોપી આનંદી સલાટ પાસેથી અગાઉ પણ બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ત્યારે એફિડેવિટ કરી તેમને છોડાવવામાં આવ્યા હતા.

બાળકોની ઉંમર 8 મહિનાથી લઈ 20 વર્ષ સુધી :

એ તો તમે જાણતા જ હશો કે શહેરમાં ચોરીના કેટલા બનાવો બનતા હોય છે. અને એમાં આવા રેકેટ ચલાવવાવાળા લોકો પણ અલગ અલગ જગ્યાએ નાના બાળકો અને સગીર પાસે ચોરી કરાવતા હોય છે. 9 મહિના પહેલા પણ વટવા પોલીસે ચોરીના ગુનામાં બે સગીરાઓની ધરપકડ કરી હતી. અને બંને સગીરાની કાઉન્સેલિંગ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, વટવા વિસ્તારમાં આનંદી સલાટ નામની મહિલા તેમની પાસે ચોરી કરાવે છે અને ભીખ પણ મંગાવે છે. તે અનેક બાળકોને ભીખ માંગવા મોકલે છે અને મજૂરી કરાવે છે.

પછી મહિલા ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તપાસ શરૂ કરી હતી. અને બુધવારે મોડી રાત્રે મહિલા ક્રાઈમ બ્રાન્ચની ટીમે વટવામાં આવેલા માનવનગર સોસાયટીના એક મકાનમાં દરોડો પાડ્યો હતો. જેમાં 8 મહિનાથી લઈ 20 વર્ષ સુધીના 17 બાળકો મળી આવ્યા હતા.

બાળકોના ડીએનએ ટેસ્ટ કરાશે :

ત્યાંની મહિલા ક્રાઈમ બ્રાન્ચની એસીપી મીની જોસેફે મીડિયા સાથેની વાતચીતમાં એવું જણાવ્યું હતું કે, આરોપી મહિલા મજબુર બાળકો પાસે ચોરી અને ભીખ મંગાવતી હતી. હાલમાં 17 બાળકો તેની પાસેથી મળી આવ્યા છે. તે જણાવી રહી છે કે, આ બાળકો તેના અને તેની પૌત્ર-પૌત્રી, તેમજ સંબંધીના છે, પરંતુ હાલ એ બાબતે તપાસ ચાલુ છે. અને બાળકોના જન્મ અંગેના કોઈપણ પુરાવા મળ્યા નથી. આ કામમાં તેનો અન્ય એક સાગરીત સંપત તેની મદદ કરતો હતો. આ બાળકો આરોપીના પરિવારના છે કે, કેમ તેની તપાસ કરવા માટે બાળકોના ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવશે.

જાણકારી માટે જણાવી દઈએ કે, મહિલા ક્રાઈમ બ્રાન્ચની છ ટીમો વટવા પિકનિક હાઉસ પાસે આવેલી માનવનગર સોસાયટીના મકાનમાં રેડ કરવા ગઈ હતી. એમાંથી ત્રણ ટીમોએ એ ઘરને 50 મીટર દૂરના મેદાનમાંથી ઘેરી લીધું હતું. જ્યારે બાકીની ત્રણ ટીમોએ ઘરમાં રેડ કરી હતી, અને ત્યારે પાંચ બાળકો સાથે આરોપી આનંદી સલાટ પણ ઘરમાં મળી આવી હતી. પોલીસને વધુ બાળકો હોવાની ચોક્કસ માહિતી મળી હોવાથી અન્ય ટીમો મેદાનથી દૂર ઉભી હતી ત્યાં ઝાડની નીચેથી વધુ બાળકો મળ્યા હતા. જેની પૂછપરછ કરતા તે આ જ પરિવારના હોવાનું જાણવા મળ્યું હતું. જો કે આ રેડ દરમિયાન એક બાળક ભાગી જવામાં સફળ રહ્યું હતું.