પાટીદાર સમાજની 3 દીકરીએ હાંસલ કરી આ સિદ્ધિ, તેમના વિષે જાણીને ગર્વ થશે, વુમન પાવર.

0
167

એ તો તમે જાણો જ છો કે હવે દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ આગળ આવી રહી છે. શિક્ષણ હોય, સ્પોર્ટ્સ હોય, દેશની સેવા હોય કે અન્ય કોઈ પણ ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાની ભૂમિકા સારી રીતે ભજવી રહી છે. એવામાં પાટીદાર સમાજની ત્રણ દીકરીઓએ પણ પોતાના પરિવાર, સમાજ અને રાજ્યનું નામ રોશન કર્યું છે.

જણાવી દઈએ કે, હાલમાં જ વડોદરા શહેરમાં યોજાયેલા પાટીદાર સમાજના વિદ્યા રત્ન એવોર્ડ સમારોહમાં ત્રણ યુવતીઓ આવી હતી, જેમના વિષે જાણીને તમને પણ ગર્વ થશે. જણાવી દઈએ કે, પટેલ સમાજની ત્રણ યુવતીઓ જેમના નામ હેતલ પટેલ, અર્પિતા પટેલ અને ફાલ્ગુની પટેલ છે, તેમની ડીવાયએસપીની પોસ્ટ માટે સીધી ભરતી થઈ છે.

પટેલ સમાજની આ ત્રણેય યુવતીઓ હવે કરાઈ કેમ્પ ખાતે કમાન્ડો ટ્રેઇનિંગમાં વ્યસ્ત છે. મળતી જાણકારી અનુસાર, અર્પિતા પટેલ મુળ વિજાપુરના વતની છે, અને તે ટૂંક સમયમાં આણંદમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવશે. અર્પિતાના જણાવ્યા અનુસાર, ’24 કલાકની નોકરી અને કોઈપણ સ્થળ પર પોસ્ટિંગ તેમના માટે પણ પડકાર હતો, પણ આ સિદ્ધિ મેળવવી તેમના વ્યક્તિત્વના ઘડતર માટે પણ અગત્યનું હતું.’

ફાલ્ગુની પટેલ રાધનપુર, પાટણના વતની છે. તે શિક્ષકમાંથી ડીવાયએસપી બન્યા છે. લગ્ન પછી તે પ્રાંતિજ પાસેના પોગલુ ગામમાં રહે છે. તેમણે પ્રાથમિક શાળામાં ટીચર તરીકે સાડા છ વર્ષ સુધી કામ કર્યું છે. તેમના જણાવ્યા અનુસાર, બાળકોને કાબુમાં રાખવા કરતા, અસામાજિક તત્વોને કાબુમાં રાખવા તેમના માટે વધુ ટેમ્પટિંગ છે. તે જયારે ભણાવતા હતા ત્યારે તેમને લાગતું હતું કે, આ તેમની મંઝિલ નહિ હોઈ શકે. ફાલ્ગુની પટેલના પતિ પણ શિક્ષક છે અને તેમને પરિવારનો પણ ખુબ સપોર્ટ મળ્યો છે.

હેતલ પટેલનું પોસ્ટિંગ સુરતમાં થશે. તેમને નાનપણથી જ મિલીટરીનું ક્ષેત્ર ઘણું આકર્ષતું હતું. આથી તે ક્લાસ 2 ઓફિસરમાંથી ડીવાયએસપી બન્યા. તેમને પણ તેમના પરિવારનો ફૂલ સપોર્ટ મળ્યો છે. આ કારણે તેમનો આત્મવિશ્વાસ બમણો થઇ ગયો. અને તેમણે પડકારોને જ પોતાના જીવનની સીડી બનાવી દીધી.