પતંજલિને મળી કોરોનિલ વેચવાની પરવાનગી, ઇમ્યુનીટી બુસ્ટરના રૂપમાં આયુષ મંત્રાલયે આપી પરવાનગી

0
232

આયુષ મંત્રાલયે પતંજલિને કોરોનિલ વેચવાની આપી પરવાનગી, ઇમ્યુનીટી બુસ્ટરના રૂપમાં કરી શકશે વેચાણ

પતંજલિને છેવટે લાંબા વિવાદ પછી કોરોનિલ વેચવાની પરવાનગી મળી ગઈ છે. કેંદ્રીય આયુષ મંત્રાલયે બુધવારે કહ્યું કે, પતંજલિ કોરોનિલને વેચી શકે છે, પણ ફક્ત ઇમ્યુનિટી બુસ્ટરના રૂપમાં.

પતંજલિ આયુર્વેદ લિમિટેડે બુધવારે કહ્યું કે, તેમના અને મંત્રાલય વચ્ચે હવે કોઈ મતભેદ નથી. જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે જ્યાં સુધી આયુષ મંત્રાલય કોરોનિલની તપાસ કરે, ત્યાં સુધી પતંજલિને કોરોનિલ નહિ વેચવા માટે કહ્યું હતું.

યોગ ગુરુ રામદેવે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, કોરોનિલના કામ પર આયુષ મંત્રાલયે અમારા પ્રયત્નોનો પ્રશંસા કરી છે. તેની સાથે જ બાબા રામદેવે જણાવ્યું કે, ક્લિનિકલ ટ્રાયલ અને રજીસ્ટ્રેશન બંને પ્રક્રિયામાં નિયમોનું પાલન કરવામાં આવ્યું છે. કોરોનિલ 23 જૂને લોન્ચ કરવામાં આવી હતી. દાવો કરવામાં આવ્યો હતો કે, તેનાથી 7 દિવસની અંદર 100 ટકા રિકવરી થઈ જશે. કોરોનાની દવાના રૂપમાં લાવવામાં આવેલી કોરોનિલ પર તરત જ વિવાદ શરૂ થઈ ગયો હતો.

બાબા રામદેવે જણાવ્યું કે, આયુષ મંત્રાલયે કહ્યું છે કે, પતંજલિએ કોવિડ – 19 ના મેનેજમેન્ટ માટે પૂરતું કામ કર્યું છે, એટલે તે સારી પહેલ છે. પતંજલિએ સાચી દિશામાં કામ કરવાનું શરૂ કર્યું છે.

મંત્રાલયે પુષ્ટિ કરી છે કે, પતંજલિ કોરોનિલ વેચી શકે છે, પણ દવાના રૂપમાં નહિ. આયુષ મંત્રાલયે તેને ફક્ત ઇમ્યુનીટી બુસ્ટરના રૂપમાં વેચવાની પરવાનગી આપી છે, ન કે કોવિડ-19 ના એક ઔષધીય ઈલાજના રૂપમાં.

બાબા રામદેવે જણાવ્યું કે, તેમણે કોરોના પર ક્લિનિકલ કંટ્રોલનું ટ્રાયલ કર્યું છે. ક્લિનિકલ ટ્રાયલના જે પણ માપદંડ છે, તે અંતર્ગત અમે રિસર્ચ કરી છે. અત્યાર સુધી કોરોના પર ક્લિનિકલ ટ્રાયલ થયા છે. તેના સિવાય 10 થી વધારે બીમારીઓ પર અમે ટ્રાયલ શરૂ કરી રહ્યા છીએ, અને તેમાં 3 લેવલ પાર કરી ચુક્યા છીએ. તેમાં હાઇપરટેંશન, અસ્થમા, હાર્ટ, ચિકનગુનિયા જેવા રોગો શામેલ છે, જેના પર ટ્રાયલ કરી રહ્યા છીએ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.