ઘરે બનાવો રાજસ્થાનનું પ્રખ્યાત પાપડનું શાક, જાણો તેને બનાવવાની સૌથી સરળ રીત.

0
355

હોટલ જેવું સ્વાદિષ્ટ રાજસ્થાની પાપડનું શાક ઘરે બનાવો એ પણ એકદમ સરળ રીતે. રાજસ્થાનનું ખાન-પાન આખા દેશમાં પ્રચલિત છે. પાપડનું શાક રાજસ્થાનની ફેમસ વાનગી છે. અહીંના લોકો તેને હોંશે હોંશે ખાય છે. આ એક અલગ પ્રકારનું શાક છે, જે સામાન્ય રીતે દરેકને પસંદ આવે છે. પાપડના શાકની સૌથી ખાસ વિશેષતા એ છે કે, તેને ઓછા સમયમાં ઝટપટ તૈયાર કરી શકાય છે. ઘરમાં મહેમાનોના આવવા પર પણ તેને તરત બનાવી શકાય છે. તેનો તીખો અને ચટપટો સ્વાદ દરેકને જરૂર પસંદ આવશે.

પાપડના શાકની રેસિપી : પાપડનું સ્વાદિષ્ટ શાક હોટલ અને ઢાબામાં સરળતાથી મળી જાય છે, પણ તમે ઈચ્છો તો તેને ઘરે પણ બનાવી શકો છો. જાણો પાપડનું શાક ઘરે બનાવવાની સૌથી સરળ રેસિપી.

જરૂરી સામગ્રી :

2 અડદની દાળના પાપડ,

1/2 કપ ડુંગળીની પેસ્ટ,

1/2 કપ ટામેટાની પેસ્ટ,

2 ટામેટા,

1 ચમચી ધાણા પાવડર,

1 ચમચી લાલ મરચું પાવડર,

1 ચમચી હળદર,

2 ચમચી દહીં,

1 ચમચી ગરમ મસાલો,

1/2 નાની ચમચી હિંગ,

1 ચમચી જીરું,

3 ચમચી તેલ,

1 તેજપત્તા,

1 ચમચી રાઈ.

બનાવવાની રીત :

કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ, હિંગ, જીરું અને તેજપત્તા નાખીને તેને શેકી લો.

પછી તેમાં ડુંગળીની પેસ્ટ નાખીને સાંતળી લો. ત્યારબાદ તેમાં ટામેટાની પેસ્ટ નાખીને 2-3 મિનિટ સુધી સારી રીતે પકવી લો.

હવે તેમાં ધાણા પાવડર, હળદર, ગરમ મસાલો અને લાલ મરચું પાવડર નાખીને સારી રીતે મિક્સ કરીને 5 મિનિટ સુધી ગેસ પર રહેવા દો. મસાલા શેકાવામાં થોડો સમય લાગશે. ત્યાં સુધી એક સાઈડમાં પાપડ તળી લો.

મસાલો તૈયાર થતા જ તેમાં થોડું પાણી નાખીને 1-2 મિનિટ સુધી પકવો. હવે તળેલા પાપડને તોડીને ગ્રેવીમાં મિક્સ કરી લો. તો તૈયાર છે તમારું પાપડનું શાક. તેને ગરમાગરમ સર્વ કરો.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.