આ રીતથી ઘરે જ પનીર બટર મસાલા બનાવીને ખવડાવો, બધા આંગળી ચાટતા રહી જશે, જાણો એની રેસિપી

0
1537

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા રસોઈ વિશેષ લેખમાં સ્વાગત છે. મિત્રો, હાલના સમયમાં જયારે કોઈ ગુજરાતી પરિવારમાં કોઈ ખાસ અવસર હોય, કે બહાર જમવાં જવાનું હોય અથવા તો લગ્ન પ્રસંગ હોય તો પંજાબી પકવાનને વધુ પસંદ કરવામાં આવી રહ્યું છે. તમે પણ જોયું હશે જે મોટાભાગના લગ્નમાં જમણવારમાં એક પંજાબી પકવાન તો હોય જ છે. અને સ્ટોરાંમાં જમવા જવાનું થાય ત્યારે પણ ગુજરાતી લોકો પંજાબી શાક મંગાવતા હોય છે. અને લોકોને બધા પંજાબી શાકમાંથી વધારે કોઈ શાક ખાવાની મજા પડતી હોય, તો એ છે પનીરનું શાક.

પંજાબી શાકમાં ઘણા બધા પ્રકારની વેરાયટી જોવા મળે છે. અને એ બધામાંથી એકની રેસિપી આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ. તો આજની રેસિપી છે પનીર બટર મસાલાની, જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.

જરૂરી સામગ્રી :

200 ગ્રામ પનીર,

બે નંગ ટામેટાં,

બે નંગ સમારેલી ડુંગળી,

બે સુકા લાલ મરચાં,

એક ચમચી હળદર,

ચપટી હિંગ,

3-4 નંગ લવિંગ,

4-5 નંગ મરી,

એક તમાલપત્ર,

બે ચમચી લાલ મરચું પાઉડર,

બે ટુકડાં તજ,

ચપટી કસુરી મેથી,

એક ચમચી દૂધની મલાઈ,

ચાર ચમચી બટર,

એક ચમચી તેલ,

મીઠું સ્વાદ અનુસાર.

પનીર બટર મસાલા બનાવવાની રીત :

આ ખાસ શાક બનાવવા માટે આપણે સૌથી પહેલા એની ગ્રેવી બનાવીશું. તો એની ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલા એક પેન લઈને તેમાં બટર અને તેલ નાખીને એને ગરમ કરો. તે ગરમ થઈ જાય એટલે તેમાં હળદર, હિંગ, તમાલપત્ર, લવિંગ, મરી અને તજ નાખીને એને શેકી લો. તે શેકાય એટલે તેમાં સમારેલી ડુંગળી અને સમારેલા ટામેટાં ઉમેરીને એને ચડવા દો. એ બધું સારી રીતે ચડી જાય એટલે તેમાં મીઠુ અને લાલ મરચું પાઉડર ઉમેરીને એને મિક્સ કરી લો. હવે આ મિશ્રણ ચડી જાય એટલે ગેસને બંધ કરીને તેને ઠંડુ થવા મૂકી દો.

જયારે એ મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેમાંથી બધા ખડા મસાલા કાઢીને મિક્સરની મદદથી એની પેસ્ટ બનાવી લો. ત્યારબાદ એક પેનમાં થોડુ તેલ અથવા બટર લઈ તેમાં પનીરના ટુકડાં નાખીને એને ફ્રાય કરી લો. પનીરના ટુકડાં થોડા લાઈટ બ્રાઉન રંગના થાય એટલે તેને પ્લેટમાં કાઢી લો. હવે ફરી એક પેનમાં તેલ અને બટર લઈ તેને ગરમ થવા દો. તે ગરમ થઈ જાય એટલે પહેલા બનાવી એ ગ્રેવીને તેમાં ઉમેરી દો. ગ્રેવી થોડી ચડી જાય એટલે તેમાં પનીરના ટુકડાં અને લાલ મરચું પાઉડર ઉમેરી મિક્સ કરી લો.

એ મિક્સ થઈ જાય એટલે તેમાં ક્રીમ અથવા મલાઈ અને કસુરી મેથી ઉમેરીને એને પણ મિક્સ કરી લો. તો તૈયાર છે તમારા પનીર બટર મસાલા. આ પનીર બટર મસાલાને પરાઠાં અને છાશ સાથે ગરમાગરમ સર્વ કરો. તમારા ઘરના સભ્યો આંગળી ચાટતા રહી જશે. લેખ ગમ્યો હોય તો લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ.