આખા દેશને રડાવતી ‘ડુંગરી’ એ બદલી નાખ્યું દેવાદાર ખેડૂતનું નસીબ, પહેલા હતો કંગાળ હવે બન્યો માલામાલ

0
573

ડુંગરીના વધતા ભાવે સમાજમાં અમીરી-ગરીબીની પરિભાષા બદલી નાખી છે, તો ત્યાં ડુંગરીના વધતા ભાવે કરોડો ગ્રાહકોની આંખોમાંથી આંસુ કાઢ્યા છે. પણ ડુંગરીના વધતા ભાવ કર્ણાટકના એક ખેડૂત માટે જેકપોટ બની ગયા છે, અને એમનું નસીબ બદલી નાખ્યું છે.

200 રૂપિયે કિલોનો આંકડો સ્પર્શતી કિંમતની ડુંગરીના કમાલે ફક્ત મહિનામાં દેવાદાર ખેડૂતને માલામાલ કરી દીધો છે. ડુંગરીની આ લોટરીએ ખેડૂતને ન ફક્ત કરોડપતિ બનાવ્યો છે, પણ એની આસપાસના વિસ્તારમાં તે સેલિબ્રિટી બની ગયો છે.

જી હા, ચિત્રદુર્ગ જિલ્લાના ડોડડાસિદ્દવાવનહલ્લીના રહેવાસી મલ્લિકાર્જુનના નસીબે અચાનક એવું પડખું ફેરવ્યું કે, મહિનાની અંદર દેવામાં ડૂબેલો મલ્લિકાર્જુન કરોડપતિ બની ગયો. એટલું જ નહિ, આસપાસના ખેડૂતો માટે મલ્લિકાર્જુન હવે આદર્શ બની ગયો છે, અને લોકો એમની પાસે ખેતીના ગુણ શીખવા આવવા લાગ્યા છે.

એવું અમે એટલા માટે કહી રહ્યા છીએ, કારણ કે ખેતીમાં ભારે દેવાના ભાર નીચે દબાયેલા મલ્લિકાર્જુને આ વર્ષે ભારે દેવું કરીને ડુંગરીની ખેતી કરી હતી. એમને આશા હતી કે, જો ડુંગરી સારી પાકી અને સારી કિંમત મળી તો એમને 5-10 લાખ રૂપિયા નફો થઈ જશે, એનાથી તે પોતાનું દેવું ચૂકતે કરી દેશે.

42 વર્ષના મલ્લિકાર્જુન કહે છે કે, એમણે દેવું લઈને ડુંગરીની ખેતી કરી હતી. આ એમના માટે અત્યારસુધીનું સૌથી મોટું જોખમ હતું. જો આ વખતે પાક ખરાબ થઈ જાત અથવા ભાવ પડી જતે, તો હું ખરાબ રીતે ફસાઈ જતે, પણ આ ડુંગરીએ હવે મારા પરિવારનું નસીબ બદલી નાખ્યુ છે.

240 ટન ડુંગરીએ બદલી નાખ્યું એમનું નસીબ : જણાવી દઈએ કે, મલ્લિકાર્જુને 240 ટન ડુંગરીનો બમ્પર પાક પકવ્યો છે. એવામાં જયારે ડુંગરીની કિંમત લગભગ 200 રૂપિયા પ્રતિ કિલો છે, તો એમણે ઘણો નફો મેળવ્યો છે. જયારે તેમણે 15 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, ત્યારે તેમણે આશા કરી હતી કે, 5-10 લાખ રૂપિયાનો લાભ થશે. પણ ડુંગરીના વધેલા ભાવે એમને ઘણો વધારે લાભ અપાવ્યો, અને હવે તે બીજા ખેતર ખરીદવા માંગે છે.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.