એક વ્યક્તિએ બનાવી દીધા 1 લાખ પાણી વગરના શૌચાલય, મફતમાં આપે છે ખાતર.

0
312

ખાસ ટેકનીક વિકસાવીને આ વ્યક્તિએ બનાવ્યા 1 લાખ પાણી વગરના શૌચાલય, છે દેશના અસલી હીરો. તમિલનાડુના તિરુચીરાપલ્લી શહેરથી 42 કી.મી. દુર આવેલું છે મુસિરી પંચાયત ટાઉન. આ સ્થળ કાવેરી નદીના કાંઠા ઉપર વસેલું છે, એટલા માટે અહિયાંની જમીન ઘણી ફળદ્રુપ છે. અહિયાં ભૂજળનું સ્તર ઘણું ઉપર છે, જેના કારણે સામાન્ય શૌચાલય એક સમસ્યા છે. સીવેજનુ યોગ્ય રીતે ડિસ્પોઝલ ન થવાથી પાણી પ્રદુષિત થવાનું જોખમ સતત જળવાયેલું રહે છે. એ વાતને ધ્યાનમાં રાખીને સોસાયટી ફોર કમ્યુનીટી ઓર્ગેનાઈઝેશન એંડ પીપલ્સ એજ્યુકેશન (SCOPE) એ મુસિરીમાં ‘ઇકોસન’ શૌચાલય લગાવ્યા.

આ સીસ્ટમમાં કોઈ ફ્લશ કે પછી સીવેજ કે કોઈ પાઈપનું કનેક્શન નથી. જેથી કોઈ પણ પાણીનો સ્ત્રોત કે પછી ભૂજળ પ્રદુષિત નથી થતું. સૌથી પહેલું શૌચાલય વર્ષ 2000 માં કલીપલાયમ ગામમાં બનાવવામાં આવ્યું હતું. વર્ષ 2005 આવતા સુધીમાં તેમણે પોતાની ટેકનીકને સારી રીતે વિકસિત કરી લીધી, અને સાત સૌચાલયોવાળી આ પહેલી સામુહિક શૌચાલય સીસ્ટમ બનાવવામાં આવી, જેમાં પુરુષ અને મહિલાઓ માટે અલગ અલગ શૌચાલય બનાવવામાં આવ્યા.

તમિલનાડુના તિરુચીરાપલ્લીમાં જ SCOPE એ 20 હજારથી વધુ ઇકોસન શૌચાલય લગાવ્યા છે. આ સંગઠનને વર્ષ 1986 માં SCOPE ના ફાઉન્ડર મરાચી સુબ્બારમણે ગ્રામીણ વિકાસને ધ્યાનમાં રાખીને શુર કર્યું હતું. જયારે SCOPE અસ્તિત્વમાં આવ્યું અને તેમણે ગામે ગામ જઈને લોકો સાથે વાત કરી ત્યારે સમજાયું કે, આ વિસ્તારમાં ખુલ્લામાં શૌચની સમસ્યા ઘણી વધુ છે. તે સમયે તેમણે આ શૌચાલય બનાવવાનું શરુ કર્યું. અત્યાર સુધી SCOPE દેશમાં એક લાખથી પણ વધુ શૌચાલય બનાવી ચુક્યા છે. બિહાર, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને આસામ જેવા શહેરોમાં તેમણે ઘણા પ્રોજેક્ટ કર્યા છે.

શું છે SCOPE ના શૌચાલયોની વિશેષતા : 72 વર્ષીય સુબ્બારમણ કહે છે કે ઇકોસન શૌચાલય ડુંગરાળ વિસ્તારો માટે ઘણો સારો વિકલ્પ છે. આ વિસ્તારોમાં સેપ્ટિક ટાંકી બનાવવી ઘણું પડકારરૂપ છે. જે વિસ્તારોમાં પાણીની અછત છે, ત્યાં પણ આ શૌચાલય સારી રીતે કામ કરે છે, કેમ કે તેમાં પાણીની જરૂર નથી પડતી.

તેમણે આગળ જણાવ્યું – આ શૌચાલયના સંપૂર્ણ યુનિટમાં બે પેન છે અને દરેકમાં એક કૈવીટી છે – એક મળ માટે અને બીજી પેશાબ માટે. પેનમાં હાથ ધોવા માટે પણ જગ્યા હોય છે. તે બંને કૈવીટી નીચે અલગ અલગ ખાડા સાથે જોડાયેલી હોય છે. શૌચાલયને જમીન ઉપર બનાવવામાં આવે છે અને યુનિટ્સનો કચરો એકઠો કરવા વાળા ખાડા સાથે જોડવામાં આવે છે.

શૌચાલયનું બેઝ કોંકરીટનું બનાવવામાં આવે છે, જેથી તે ભૂજળના સંપર્કમાં ન આવે. મળ અને પેશાબને શૌચાલય સાથે જોડાયેલી પાઈપના માધ્યમથી અલગ અલગ ખાડામાં એકઠો કરી લેવામાં આવે છે. પછી તેને યુરીયા અને ખાતર બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. મળ માટે કૈવીટીના ઉપયોગ પછી તેની ઉપર રાખ નાખવામાં આવે છે.
મુસિરીમાં તમને પાથરણું બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતું ઘાંસ આરામથી મળી જશે. આ ઘાંસને સળગાવી, તેની રાખને મળ એકઠો કરવા વાળી કૈવીટી ઉપર નાખવામાં આવે છે. આ રાખમાં એંટીબેક્ટીરીયલ ગુણ હોય છે, અને તે ભેજ શોષી લે છે જેથી તેનું ખાતર જલ્દી બને છે.

તે આગળ જણાવે છે કે, આ વિસ્તારમાં ભેજ વધુ છે અને તેના કારણે જ તે 6 થી 12 મહિના પછી જ કૈવીટીને ખોલે છે. જેમાં તેમને ખાતર તૈયાર મળે છે. દર વર્ષે દરેક શૌચાલય લગભગ ૪૦૦ કી.ગ્રા. ખાતર તૈયાર કરે છે, જયારે સામુહિક શૌચાલય 1,177 કી.ગ્રા. ખાતર તૈયાર કરે છે. આ ખાતરને મફતમાં ખડૂતોને ઉપયોગ માટે આપવામાં આવે છે. મુસીરીના ઘણા ખેડૂતો કહે છે કે, પહેલા દર વર્ષે ખાતર અને યુરીયા ઉપર લગભગ 20 હજાર રૂપિયા ખર્ચ કરતા હતા. પરંતુ હવે તેનો ખર્ચ ઘણો ઓછો થઇ ગયો છે.

એક શૌચાલયની કિંમત ૩૦ હજાર રૂપિયા છે, અને સામુહિક શૌચાલયની કિંમત તેનાથી વધારે. સુબ્બારમણ કહે છે, જ્યારે અમે શરૂઆત કરી હતી ત્યારે સામૂહિક શૌચાલયની કિંમત 8 લાખ રૂપિયા હતી. હાલ અમે 15 લાખ રૂપિયા લઈએ છીએ, કેમ કે નિર્માણ સામગ્રીની કિંમતો વધી ગઈ છે. આ કિંમત હજુ વધી શકે છે. તેનો આધાર શૌચાલયના નંબર ઉપર અને સ્ટ્રક્ચરની સાઈઝ ઉપર રહે છે. આ તમામ શૌચાલયોને અલગ અલગ ગ્રામીણ વિકાસ પ્રોજેક્ટસમાં બીજા એનજીઓ, સંગઠન અને સીએસઆર પ્રોજેક્ટસ સાથે મળીને બનાવવામાં આવ્યા છે.

સંસ્થાપક વિષે : સુબ્બારમણે 1975 માં તિરુચીરાપલ્લીના પેરીયાર ઈ.વી.આર કોલેજમાંથી રસાયણ વિજ્ઞાનમાં બીએસસીની ડીગ્રી મેળવી છે. તેના બીજા વર્ષે તેમણે તુમકુરમાં સિદ્ધાર્થ કોલેજ ઓફ એજ્યુકેશનમાંથી બી.એડ. કર્યું. વર્ષ 1976 માં તેમણે ગુંટુરમાં એક એનજીઓ, વિલેજ રિકંસ્ટ્રક્શન ઓર્ગેનાઈઝેશન સાથે કામ શરુ કર્યું. આ સંગઠન ગ્રામીણ વિસ્તારોમાં ઓછા ખર્ચમાં ઘર બનાવે છે. તે જણાવે છે કે, તેમને આ સંગઠનના સંસ્થાપકે ગ્રામીણ વિસ્તારો માટે કામ કરવાની પ્રેરણા આપી. તેમણે 10 વર્ષ સુધી આ કામ કર્યું અને પછી 1986 માં પોતાનું સંગઠન શરુ કર્યું.

SCOPE સંગઠને શરુઆતમાં તમામ પ્રકારની કામગીરી કરી. તેમણે ગામના લોકોને કૃષિ આધારિત વણાટ, સિલાઈ અને પશુપાલન દ્વારા પણ આવક કમાવામાં મદદ કરી. કૃષિ ઉત્પાદનની ગુણવત્તા વધારવા માટે તેમણે એક વિદેશી સંગઠન, એક્શન ફોર ફૂડ પ્રોડક્શન સાથે કામ કર્યું. સેનિટેશનના ક્ષેત્રમાં તેમનું કામ તિરુચીરાપલ્લીના અલગ અલગ ગામોમાં લીચ પીટ ટોયલેટના નિર્માણ સાથે શરુ થયું. આ શૌચાલય પણ પાણી વગર ઉપયોગ કરી શકાતું હતું. તેમાં જમીનમાં એક ગોળ ખાડો ખોદવામાં આવે છે. તેને ખુલ્લામાં શૌચ કરવાની ખોટી ટેવોને રોકવા માટે બનાવવામાં આવ્યા.

ચેન્નઈના એક સેનિટેશન વર્કશોપમાં તેમણે ઇકોસન શૌચાલય વિષે સાંભળ્યું, અને તે બેલ્જીયમના એક એન્જીનીયર પોલ કૈલ્ચર્ટને મળ્યા. તે આગળ જણાવે છે, ‘પોલ તે સમયે તિરુવંતપુરમમાં રહીને ત્યાંના માછીમાર સમુદાય વિષે વાંચી રહ્યા હતા. વર્કશોપમાં તેમણે ઇકોસન શૌચાલયના ફાયદા ઉપર વાત કરી, અને તે રીતે મને વર્ષ 2000 માં ઇકોસન વિષે ખબર પડી.’ તેમણે આ શૌચાલયો બનાવવાનું શરુ કર્યું અને છેવટે કલીપલાયમ ગામમાં પહેલું શૌચાલય બન્યું.

પડકારો અને યોજનાઓ : ભલે SCOPE નું કામ ઘણું પ્રશંસનીય અને સારું છે, પણ તેમણે તેના કામમાં ઘણા પડકારોનો સામનો કર્યો છે. લોકો શૌચાલયનો ઉપયોગ જ કરવા માંગતા ન હતા. લોકો કહેતા હતા કે ખુલ્લામાં શૌચ કરવું વધુ આરામદાયક છે. તે ખુલ્લામાં શૌચ કરવાથી થતી ગંભીર સમસ્યા અને પર્યાવરણ સંબંધી તકલીફો વિષે વિશ્વાસ કરવા માટે તૈયાર જ ન હતા. સુબ્બારમણે કહ્યું – આ પડકારોને પહોંચી વળવા માટે SCOPE એ શૌચાલયનો ઉપયોગ કરવાવાળાને પૈસા આપવાનું શરુ કર્યું. દરરોજ જયારે કોઈ શૌચાલયનો ઉપયોગ કરતા અને તેને એક રૂપિયો આપવામાં આવતો.

તે બધું 4 વર્ષ સુધી ચાલ્યું અને પછી તેમણે જોયું કે શૌચાલય આવવાવાળા લોકોની સંખ્યા વધી રહી છે. તેમણે ચાર વર્ષમાં લગભગ 48,000 રૂપિયા ખર્ચ કર્યા. તેમના આ પ્રોજેક્ટને નેધરલેંડના એક એનજીઓ વેસ્ટને સ્પોન્સર કર્યો.
તેમણે ગામોમાં જાગૃકતા અભિયાન પણ ચલાવ્યા, જેથી ગામના લોકો પોતે શૌચાલયનો ઉપયોગ કરવા આવ્યા.
આ રીતના પડકારો હોવા છતાં પણ SCOPE એ યુનિસેફ જેવા સંગઠનો સાથે ઘણા રાજ્યોમાં કામ કર્યું છે.

યુનિસેફ અમારી સાથે ગ્રામીણ વિકાસના પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યું હતું. તેમને ખબર હતી કે અમે સેનિટેશનના ક્ષેત્રમાં પણ કામ કરી રહ્યા છીએ. તેમણે અમારી સાથે આસામ, કેરલ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં કામ કર્યું. તેમણે આગળ જણાવ્યું, 2018 માં પુર પછી તેમણે કેરલમાં 100 ઇકોસન શૌચાલય બનાવ્યા છે. માત્ર યુનિસેફ સાથે તેમણે અત્યાર સુધી 28 હજાર શૌચાલયનું નિર્માણ કર્યું છે.

આગળ વાત કરતા તે જણાવે છે કે, આપણાં દેશમાં મળનું યોગ્ય રીતે ડીસ્પોઝલ થવું ઘણું જરૂરી છે. જયારે લોકોએ તેમની સેપ્ટિક ટાંકીને સાફ કરવાની હોય છે, તો તેઓ તેને કોઈ ખુલ્લી જગ્યા ઉપર કે પછી કોઈ પાણીના સ્ત્રોતમાં ડીસ્પોઝ કરે છે. તેનાથી ન માત્ર પર્યાવરણ ઉપર પરંતુ આપણા માનવ જીવન ઉપર પણ ઘણી ખરાબ અસર પડે છે.
તેઓ જળ પ્રબંધન પ્રશાસન પાસે આશા રાખે છે કે, તે દેશભરમાં મળના નિકાલ માટે ટ્રીટમેંટ પ્લાંટસ બનાવે. તેનાથી પર્યાવરણને પણ નુકશાન નહિ થાય, અને પાણી પણ પ્રદુષિત નહિ થાય. છેલ્લે બસ એટલું જ કહીશ, મારો ઉદેશ્ય મારા દેશને 100% ખુલ્લામાં શૌચમાંથી મુક્ત બનાવવામાં યોગદાન આપવાનો છે.

સંપાદન – અર્ચના ગુપ્તા.

મૂળ લેખ : અંગ્રિકા ગોગાઈ.

આ માહિતી ધ બેટર ઈન્ડિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.