દેશના આ જવાને એકલે હાથે 11 પાકિસ્તાનીઓનો ખાત્મો બોલાવી દીધો હતો, જાણો એની શૌર્ય ગાથા ગિરીશ લાખણકીયાની કલમે

0
650

ઘણી વાર સાંભળ્યું અને જોયું પણ છે કે આઝાદી બલિદાન માંગે છે. આજે જ્યારે લોકશાહીનો પવિત્ર તહેવાર ભારત દેશનો સ્વાતંત્ર્ય દિન આવી રહ્યો છે, ત્યારે વાત માંડવી છે એક એવા યુવાનની કે જેણે વિષમ પરિસ્થિતિમાં પણ અપ્રતિમ સાહસ, શૌર્ય અને દેશ પરત્વે પોતાના સમર્પણનું પ્રદર્શન કરતાં દેશને ઊની આંચ આવવા નહોતી દીધી.

નામ છે ગ્યાન બહાદુર તમાંગ. ૨ જુલાઈ, ૧૯૯૯ તેઓની ગુરખા રાઈફલ રેજીમેન્ટને કારગીલના પોઈન્ટ ૪૮૧૨ કબજે કરવાનું મિશન સોંપાયું હતું, જ્યાં પાકિસ્તાને અણહકનો કબજો જમાવ્યો હતો. આ રેજીમેન્ટ તાજેતરમાં જ સિયાચીન ગ્લેસિયર વિસ્તારમાં સામેલ કરવામાં આવી હતી, તેથી તેઓ આ સમગ્ર વિસ્તારથી અજાણ હતા. છતાં તેઓ મક્કમતાપૂર્વક આગળ વધી રહ્યા હતાં. સખત અંધારામાં કાતિલ ઠંડી વચ્ચે દુશ્મનના ભયંકર ગોળીબારને કારણે તમાંગ પોતાની ટૂકડીથી અલગ પડી ગયો.

દુશ્મનના ગોળીબારમાં ઘાયલ થવાથી તેના ગળામાંથી લોહી વહી રહ્યું હતું. તેની પાસે હથિયારમાં એક રાઈફલ, ટાંચું એમ્યુનિશન અને એક ગુપ્તી જ હતા. આવી હાલતમાં તે ક્રાઉલિંગ કરતો આગળ વધી રહ્યો હતો. અચાનક તેની નજર ત્રણ પાકિસ્તાની સૈનિક પર પડી. તેઓ એક શહીદ થયેલા ભારતીય સૈનિકને ગાળો આપી રહ્યા હતા. આથી તેનું લોહી ઉકળી ઉઠ્યું અને ગોળીઓનો વરસાદ વરસાવી ત્રણેયને ત્યાં જ ઢાળી દીધાં. એ આખી રાત્રી ઠંડીમાં તમાંગ ઝઝૂમ્યો. બીજે દિવસે અચાનક જ બે દુશ્મને તેને પડકાર્યો. હવે તેની પાસે હથિયારમાં ફક્ત ગુપ્તી હતી.

તેણે પ્રથમ તો શરણાગતિ સ્વીકારતો હોય એવો ડ્હોળ કર્યો, અને જેવા એ બે નજીક આવ્યા કે તરત બંન્નેને ગુપ્તીથી વેતરી નાંખ્યા. આ જોઈ બીજા પાકિસ્તાનીઓએ જોરદાર ગોળીબાર શરૂ કરી દીધો. તેનાથી બચતાં તેણે બીજા ત્રણને યમસદન પહોંચાડી દીધાં. છેક પાંચમાં દિવસે એક નાળામાંથી તેને પાણી પીવાં મળ્યું. આમ સંખ્યાબંધ જખમો, ખોરાક અને પાણી વિના પોતાના સાહસનો પરિચય આપતા તેણે પાંચ દિવસમાં એકલે હાથે કુલ ૧૧ પાકિસ્તાનીઓનો ખાત્મો બોલાવી દીધો.

અંતે છઠ્ઠા દિવસે તેના સાથી જવાનોની તેના પર નજર પડી, ત્યારે તાવ, ડિહાઈડ્રેશન અને લોહીથી લથબથ હાલતમાં તે શહીદ થયો. પરંતુ તેના અદમ્ય સાહસ અને સમર્પણને લીધે ભારતીય સેનાને કાલુભાર અને પોઈન્ટ ૪૮૧૨ જેવા મહત્વના વિસ્તાર હાંસલ કરવામાં સફળતા મળી હતી.

આજે જ્યારે આપણે ૭૩ મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ, ત્યારે ભારત માતાના આવા વીર સપૂતોને સ્મરણાંજલી અર્પતા આભારની લાગણી સાથે ગદગદ થઈ જવાય છે. આવા વીરોને લાખ લાખ વંદન કે, જેમના લીધે ભારત માતાનો પાલવ સલામત છે.

કેટલાક ખંધા રાજકારણીઓ આવા સપૂતોને પાગલ ગણે છે, ખરી વાત છે એમની. દેશ માટે ફના થઈ જવાનું આવું પાગલપણું “કહેવાતા ડાહ્યા” માણસોમાં ક્યાં હોય છે.

જય હિંદ…. વંદેમાતરમ્….

– ગિરીશ લાખણકીયા

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.