ગુજરાતના ઓમકારનાથ વિષ્ણુ મંદિરમાં ભગવાન વિષ્ણુ સ્વયંમ્ પ્રગટ થયા હતા, જાણો આ મંદિર વિષે.

0
217

આપણી ઘરોહર આપણી સંસ્કૃતિ, લેખ 136 તા 6/1/22.

ઓમકારનાથ વિષ્ણુ મંદિર, શુકલતીર્થ, ભરુચ જિલ્લો, ગુજરાત.

ભગવાન વિષ્ણુ અહીં સ્વયંમ્ પ્રગટ થયા હતા.

શુકલતીર્થમાં સર્વશ્રેષ્ઠ પુણ્ય હોવાને કારણે તેના શુભ દર્શનથી પૃથ્વી પરના અન્ય તીર્થો કરતાં ૧૬ માં ભાગની કળા બરાબર પણ નથી. શુક્લતીર્થના દર્શન માત્રથી જ બ્રહ્મહત્યાનું પાપ નાશ પામે છે. શુકલતીર્થમાં માં નર્મદા સર્વ પાપોનો નાશ કરનારી છે. શુક્લતીર્થ મોક્ષ આપનાર તીર્થ છે. શુકલતીર્થ ગામના પૂર્વ વિભાગમાં સ્વયંભૂ ઓમકારનાથ ભગવાન વિષ્ણુનું પૌરાણિક મંદિર આવેલું છે. મંદિરમાં ભગવાન વિષ્ણુ સ્વયં બિરાજમાન છે.

પુરાણોમાં દર્શાવ્યા મુજબ ગિરજાપતિને સંતુષ્ટ કરવા માટે ભગવાન વિષ્ણુએ આ સ્થાન પર એક હજાર વર્ષ સુધી મહાન તપ કર્યું. આહાર પણ છોડી દઈને માત્ર વાયુનું ભક્ષણ કરીને આ તીર્થમાં તેઓ રહ્યા. તેમની તપસ્યાથી દેવોના દેવ મહાદેવ પ્રસન્ન થઈ પ્રત્યક્ષ થયા હતા.

ભગવાન વિષ્ણુ આ સ્થાનમાં સ્વયં પ્રગટ થયાના પુરાવાઓ પુરાણોમાં વર્ણવવામાં આવ્યા છે. પવિત્ર ધામ શુકલતીર્થમાં પુરાણકાળમાં ઘણા ઋષિમુનિઓ જપ, તપ, યજ્ઞ અને હોમ, હવન કરતા હતા. ત્યારે આ ક્ષેત્રમાં માં નર્મદાનું વિકરાળ સ્વરૂપ ઋષિમુનિઓના ધર્મકાર્યમાં વિક્ષેપ નાખતું હતું, અને ઋષિમુનીઓની બધી પૂજા સામગ્રી પોતાના જળ સાથે વહાવી જતા હતા.

અનેકવાર આનું પુનરાવર્તન થતાં ઋષિ-મુનિઓએ સર્વઅર્થ આપનાર, વિભુ, જગતના નાથ, પાલનહાર, ભગવાન વિષ્ણુની આરાધના કરી. ઋષિ મુનિઓની આ પ્રાર્થનાથી સ્વયં ભગવાન વિષ્ણુ ઓમકારના હું કાર સાથે પ્રગટ થયા. ભગવાન વિષ્ણુના પ્રત્યક્ષ થવાથી અને એમના કહેવાથી માં નર્મદા એક કોષ દૂર ખસી ગયા હતા. આમ આ સ્થાન ઋષિ મુનિઓ માટે સ્નાન, જપ, તપ, યજ્ઞ કરવા માટે સર્વશ્રેષ્ઠ બન્યું.

ભગવાન વિષ્ણુ ઓમકારના હું-કાર સાથે પ્રગટ થયા તે દિવસ કાર્તિકી સુદ પૂર્ણિમાનો હતો. તેથી આ દિવસ તેમના પ્રાગટ્ય દિવસ તરીકે ગણાય છે. ભગવાન ઓમકારનાથની દિવ્ય પ્રતિમા દર્શનાર્થીઓને એક અલૌકિક અનુભૂતિ કરાવે છે. ભગવાન ઓમકારનાથના દિવસની ત્રણે સંધ્યાએ દર્શન કરતા તેનો અલગ અલગ સ્વરૂપે દર્શન થાય છે. સવારમાં ભગવાન બાલ્યાવસ્થા રૂપે, મધ્યાને તરુણાવસ્થા રૂપે અને સંધ્યાકાળે વૃદ્ધાવસ્થાના રૂપમાં ભક્તજનનોને તેમના દર્શન થાય છે. આવું અનેક દર્શનાર્થીઓએ અનુભવ્યું છે.

ભગવાન વિષ્ણુ અહીં ચતુર્ભુજ સ્વરૂપે બિરાજે છે. ભગવાન વિષ્ણુની પૂર્ણ કદની પ્રતિમા ઘણી વિશિષ્ટતાઓ ધરાવે છે. વિષ્ણુના ઘણા ઓછા મંદિર હોય છે. અને જ્યાં છે ત્યાં ભગવાન વિષ્ણુ શ્યામ વર્ણના છે, જ્યારે શુકલતીર્થમાં ભગવાન શ્વેત સ્વરૂપે બિરાજે છે. ભગવાન ઓમકારનાથના મસ્તકની ડાબી બાજુએ પ્રજાપિતા બ્રહ્માજી, મસ્તકની જમણી બાજુએ મહાદેવ શંકરજી બિરાજે છે. જમણા હાથમાં ગદા અને પદ્મ છે. ડાબા હાથમાં સુદર્શન ચક્ર અને દક્ષિણાવર્તી શંખ છે.

ભગવાન વિષ્ણુની છાતીના ઉપરના ભાગમાં શ્રીલાંછન અને મધ્ય ભાગે ભૃગુલાંછન રહેલા છે. ડાબા હાથની હથેળી પાસે રાધિકાજી અને જમણા હાથની હથેળી પાસે વેદવ્યાસજી છે. ડાબા પગની બાજુમાં સુકદેવજી, જમણા પગની બાજુએ લક્ષ્મીજી રહેલા છે. ભગવાન ઓમકારનાથની પ્રતિમા ઉપર શેષનાગ આખા શરીર ઉપર વીંટળાયેલા છે તથા નાગની ફણા ભગવાનના મસ્તકની પાછળના ભાગે દેખાય છે. પ્રતિમાની નીચેના ભાગમાં તેમના દ્વારપાળ જય અને વિજય ભગવાનની સુરક્ષા સાથે આજ્ઞાની રાહ જોતા ઊભા છે.

ઓમકારનાથના મંદિરની સામે ગરુડજી બિરાજે છે. તેમની સાથે હનુમાનજી પણ પોતાનું સ્થાન ધરાવે છે. ઓમકારનાથના ડાબી બાજુએ માતા લક્ષ્મીજી વિરાજે છે અને જમણી બાજુ ભગવાન સૂર્યનારાયણ તેમના સાત ઘોડાના રથ સાથે પ્રકાશ આપી રહ્યા છે.

આ પૌરાણિક મંદિરના નિર્માણનો પણ એક ઇતિહાસ છે. આ મંદિરનું બાંધકામ તે સમયના તાંબેકર રાજાએ કરાવ્યું હતું. આ એ જ તાંબેકર રાજા કે જેમણે શુકલતીર્થ મંદિરની સાથે ડાકોર મંદિરનું પણ નિર્માણ કરાવ્યું હતું. ત્યારથી આ મંદિર સમય આંતરે સમારકામ તથા રંગરોગાણ દ્વારા નીત નવીન ઓપ પામતું રહ્યું છે.

છેલ્લે ૨૦૦૪ માં મંદિરનું સમારકામ તથા ભગવાન વિષ્ણુની પ્રતિમાને પણ નવો ઓપ આપવામાં આવ્યો છે. અહી ઓમકારનાથ વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના અવિરત ચાલતી રહી છે. સવંત ૧૦૧૧ માં મીનળદેવીએ આ તીર્થક્ષેત્રનો યાત્રા વેરો માફ કરાવ્યો હતો. ઓમકાર સ્નાન કરીને, ઓમકારનાથના દર્શન કરી, પૂજા, સ્તુતિ અને શાસ્તાંગ પ્રણામ કરવાથી સર્વ દેવોને નમસ્કાર કર્યાનું પુણ્ય મળે છે.

કહેવાય છે કે જેટલા તુલસી પત્રો અને પુષ્પો ભગવાન વિષ્ણુની પૂજામાં અર્પણ કરાય છે કેટલા હજાર વર્ષો સુધી મનુષ્યને વિષ્ણુલોકમાં સ્થાન મળે છે. પિતૃતર્પણ માટે ઓમકાર તીર્થમાં સ્નાન કરી પિતૃ શ્રાદ્ધ કરનારના પિતૃ સો વર્ષ સુધી સંતુષ્ટ થાય છે. શંખ, ચક્ર, ગદા અને પ્રજ્ઞા જેણે ધારણ કર્યા છે તેવા ઓમકારનાથ ભગવાન વિષ્ણુના દર્શન માત્રથી બ્રહ્મહત્યાનું પાપ ધોવાઇ જાય છે.

(મુકુંદરાય ધારૈયાએ શેર કરેલી પોસ્ટ.)