દરેક વ્યક્તિ 2 મિનિટનો સમય કાઢીને આ આર્ટીકલ વાંચી લેશે તો ખબર પડી જશે કેવી રીતે આવે છે મંદી

0
3548

મિત્રો, આજે અમે તમારા માટે એક સરસ મજાની સ્ટોરી લઈને આવ્યા છીએ, જે મંદી કેવી રીતે આવે છે? એ વિષય પર છે. તમે આ સ્ટોરીને આખી વાંચ્યા પછી તમારા મંતવ્યો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો ચાલો વધુ સમય ન બગડતા સ્ટોરી શરુ કરીએ.

એક નાના એવા શહેરમાં બનવારી લાલ નામના સમોસા વેચવાવાળા વ્યક્તિ ઘણા જ પ્રસિદ્ધ હતા. તે લારી લગાવીને રોજ દિવસમાં ૫૦૦ સમોસા ખાટ્ટી મીઠી ચટણી સાથે વેચતા હતા. રોજ નવા તેલનો ઉપયોગ કરતા હતા અને જો ક્યારેક સમોસા વધતા તો તેના કુતરાને ખવરાવી દેતા. તે વાસી ચટણી કે સમોસાનો ઉપયોગ ક્યારે પણ ન કરતા. તેમની ચટણી પણ ગ્રાહકોને ઘણી પસંદ હતી, જેનાથી સમોસાનો સ્વાદ ઘણો વધી જતો હતો. બધું મળીને તેમની ક્વોલેટી અને સર્વિસ ઘણું જ સારી હતી.

તેમનો છોકરો હાલમાં શહેરમાં પોતાના MBA નો અભ્યાસ પૂરો કરીને આવ્યો હતો. એક દિવસ છોકરાએ કહ્યું, પપ્પા મેં સમાચારમાં સાંભળ્યું છે મંદી આવવાની છે, આપણે આપણા માટે થોડી કોસ્ટ કટિંગ કરીને થોડા પૈસા બચાવવા જોઈએ. તે પૈસાને આપણે મંદીના સમયમાં ઉપયોગ કરીશું.

આ સાંભળી બનવારી લાલ બોલ્યા : દીકરા હું અભણ માણસ છું, મને આ કોસ્ટ કટિંગ વોસ્ત કટિંગ નથી આવડતું. અને ન તો તે મારાથી થશે. દીકરા અમે તમે ભણાવ્યો ગણાવ્યો છે, તો હવે આ બધું તું જ સંભાળ.

એટલે દીકરો બોલ્યો : ઠીક છે પિતાજી, તમે રોજ રોજ આ જે ફ્રેશ તેલ ઉપયોગ કરો છો, તેના બદલે આપણે ૮૦% ફ્રેશ અને ૨૦% પાછળના દિવસનું બળેલા તેલનો ઉપયોગ કરીશું.

બીજા દિવસે સમોસાનો ટેસ્ટ થોડો એવો બદલાયેલો હતો, તેમ છતાં પણ તેના ૫૦૦ સમોસા વેચાઈ ગયા. અને સાંજે દીકરો બોલ્યો, પપ્પા આપણે આજે ૨૦% તેલના પૈસા બચાવી લીધા. પપ્પા આને કહે છે કોસ્ટ કટિંગ.

બનવારી લાલ બોલ્યા : દીકરા મારા અભણ માણસથી આ બધું નથી થતું, આ તો બધું તારા ભણતરની કમાલ છે.

છોકરો : પપ્પા તે બધું તો ઠીક છે, પણ હજુ બીજા પૈસા બચાવવા જોઈએ. એટલે કાલે આપણે ખાટી ચટણી નહિ આપીએ અને બળેલા તેલને ૩૦% ઉપયોગમાં લઈશું.

બીજા દિવસે તેના ૪૦૦ સમોસા વેચાઈ ગયા અને સ્વાદ બદલાઈ જવાને કારણે ૧૦૦ સમોસા ન વેચાયા જે તેણે જાનવરો અને કુતરાને ખવરાવી દીધા.

છોકરો : જોયું પપ્પા મેં કહ્યું હતું ને મંદી આવવાની છે, આજે માત્ર ૪૦૦ સમોસા જ વેચાયા છે.

સમોસા વાળો બોલ્યો : દીકરા હવે તને ભણાવવા ગણાવવાનો થોડો ફાયદો મને થવો જ જોઈએ ને. હવે આગળ પણ મંદીના સમયમાંથી તું જ બચાવ જે.

છોકરો : પપ્પા કાલથી આપણે મીઠી ચટણી પણ નહિ આપીએ, અને બળેલા તેલના ઉપયોગનું પ્રમાણ આપણે ૪૦% કરીશું, અને સમોસા પણ કાલથી ૪૦૦ જ બનાવીશું.

બીજા દિવસે ૪૦૦ સમોસા વેચાઈ ગયા પણ બધા ગ્રાહકોને સમોસાનો સ્વાદ કાંઈક વિચિત્ર એવો લાગ્યો, અને ચટણી ન મળવાને કારણે જ સ્વાદ વધુ બગડી ગયેલો લાગ્યો.

સાંજે છોકરાએ પિતાને કહ્યું, જોયું પપ્પા આજે આપણે ૪૦% તેલ, ચટણી અને ૧૦૦ સમોસાના પૈસા બચાવી લીધા. પપ્પા આને કહે છે કોસ્ટ કટિંગ, અને કાલથી બળેલા તેલનું પ્રમાણ ૫૦% કરી દો, અને સાથે ટીસ્યુ પેપર આપવાના બંધ કરી દો.

બીજા દિવસે સમોસાનો સ્વાદ કાંઈ વધુ બદલાઈ ગયો અને તેના ૩૦૦ સમોસા જ વેચાયા.

સાંજે છોકરો પિતાને કહે : પપ્પા કહ્યું હતું ને તમને કે મંદી આવવાની છે.

બનવારી લાલ બોલ્યા : હા દીકરા તું સાચું કહે છે. મંદી આવી ગઈ છે. હવે તું આગળ જો શું કરવાનું છે? અને આ મંદી સામે કેવી રીતે લડવું?

છોકરો : પપ્પા એક કામ કરીએ, કાલે ૨૦૦ સમોસા જ બનાવીશું. અને આજે ૧૦૦ સમોસા વધ્યા છે, એને કાલે ફરી તળીને નવા સાથે મિક્સ કરીને વેચીશું.

બીજા દિવસે સમોસાનો સ્વાદ વધુ બગડી ગયો, ઘણા ગ્રાહકોએ સમોસા ખાતી વખતે બનવારી લાલને એના વિષે કહ્યું પણ, અને ઘણા ચુપ ચાપ ખાઈને જતા રહ્યા. આજે તેના ૧૦૦ સમોસા જ વેચાયા અને ૧૦૦ વધ્યા.

સાંજે છોકરો બનવારી લાલને : પપ્પા જોયું મેં કહ્યું હતું ને તમને કે હજુ વધુ મંદી આવશે. હવે જુવો કેટલી મંદી આવી ગઈ છે.

સમોસા વાળા : હા દીકરા તું સાચું કહે છે, તું ભણેલો ગણેલો છે સમજુ છે, હવે આગળ કેવી રીતે કરીશું?

છોકરો : પપ્પા કાલે આપણે આજના વધેલા ૧૦૦ સમોસા ફરી તળીને વેચશું અને નવા સમોસા નહિ બનાવીએ.

બીજા દિવસે તેના ૫૦ સમોસા જ વેચાયા અને ૫૦ વધ્યા. ગ્રાહકોને સમોસાનો સ્વાદ ઘણો જ ખરાબ લાગ્યો અને મનમાં વિચારવા લાગ્યા બનવારી લાલ આજકાલ ખરાબ સમોસા બનાવવા લાગ્યો છે, અને ચટણી પણ નથી આપતો કાલથી કોઈ બીજી દુકાન ઉપર જઈશું.

સાંજે છોકરો : પપ્પા, જોઈ મંદી? આજે આપણે ૫૦ સમોસાના પૈસા કેવા બચાવી લીધા. હવે કાલથી ૫૦ વધેલા સમોસા ફરી તળીને ગરમ કરીને વેચશું.

બીજા દિવસે તેની દુકાન ઉપર સાંજ સુધી એક પણ ગ્રાહક ન આવ્યા, અને દીકરાએ કહ્યું જોયું પપ્પા મેં કહ્યું હતું તમને કે હજુ મંદી આવશે. અને જુવો આજે એક પણ ગ્રાહક નથી આવ્યા, અને આપણે આજે ૫૦ સમોસાના પૈસા બચાવી લીધા. એને કહે છે કોસ્ટ કટિંગ.

એટલે બનવારી લાલ સમોસા વાળાએ પોતાના દીકરાને કહ્યું : દીકરા ભગવાનનો આભાર છે તે ભણી ગણી લીધું, નહિ તો આ મંદીનું મારા જેવા અભણને શું ખબર કે કોસ્ટ કટિંગ શું હોય છે. અને હવે એક વાત બીજી સાંભળ દીકરા.

દીકરો : શું?

બનવારી લાલ : તારી ભલી થાય! કાલથી ચુપચાપ વાસણ ધોવા બેસી જજે અહિયાં. આ બધી મંદી તારી પોતાની લાવેલી છે, આજથી મંદીને હું પોતે જોઈ લઈશ.

પછી બનવારી લાલે ફરીથી સમોસાની ક્વોલીટી સુધારી અને સાથે ચટણી આપવાની પણ શરુ કરી દીધી. અને ધીમે ધીમે એમનો ધંધો ફરીથી પહેલા જેવો ચાલવા લાગ્યો.

આ સ્ટોરી સોશિયલ સાઈટ પર મુકાઇ હતી, જેના પર ઘણા લોકોએ કમેન્ટ કરીને પોતપોતાના મંતવ્યો જણાવ્યા હતા. જેમાંથી અમુક અમે તમારી સમક્ષ રજુ કરી રહ્યા છીએ, જે નીચે મુજબ છે.

આ સ્ટોરી પર ચિરાગ ધોરી કહે છે કે, તેજી મંદી ધંધામાં અમુક સમય ગાળે આવે જ. આમાં 500 સમોસા પર ટેક્ષની વાત રહી ગઈ. જો 20 ના સમોસાની પ્લેટ 25ની થાય તો અમુક ગ્રાહકો એમ પણ ઘટી જાય. આવું મોટી વસ્તુમાં વિચારી પણ શકાય.

મુકેશ રાવલ નામના એક યુઝર કહે છે, વાત તો ખરી… તેજી મંદી એ લોકોના માનસમાં હોય છે માનસિક મંદી…. હવે પહેલા જેવુ નથી કે સાર્વત્રિક મંદી આવે…. કોઇ એક ફિલ્ડમાં મંદી તો બીજામાં તેજી.

તો સુકેતુ કછાદીયા પોતાનું મંતવ્ય જણાવતા કહે છે કે, આ બધુ નીતિશાસ્ત્ર વિશે છે, જેનો આપણે આપણી શિક્ષણ પદ્ધતિમાં અભ્યાસ કરતા નથી.

મિતેષ પાઠક નામના યુઝર જણાવે છે કે, આ મસ્ત રમુજી ઉદાહરણ છે. પણ સીરીયસલી આના ઉપરથી કેટલા બધા અર્થ નીકળી જાય છે.

૧. કોસ્ટ કટીંગના નામ ઉપર ક્વોલીટી કોમ્પ્રોમાઈઝ થાય એટલે પતનની પહેલી શરૂઆત.

૨. જેણે ફીલ્ડમાં કામ નથી કર્યું એને સીધો નિર્ણય લેવા ન બેસાડી શકાય.

૩. અધકચરા કે અનુભવ વગરના એમ.બી.એ. ધંધાને નિષ્ફળતા તરફ દોરી જાય છે. અનેક પ્રેક્ટીકલ અનુભવો જોયા છે.

૪. બનવારીલાલે પ્રથમ કામ જ સીધું ડીશ ધોવાનું સોંપવાની જરૂર હતી. જેથી ધંધો પાયાથી શીખવા મળે. (આ તો જોકનું પણ એનાલીસીસ)

તેમજ જયેશ લાડાણી કહે છે કે, આને કહેવાય પગ પર જાતે કુહાડા મારવા.

નરેશ પટેલ ધોરાજીયાનું કહેવું છે કે, સુરતનાં કાપડ ઉદ્યોગને આ વાત લાગુ પડે છે.

પછી પ્રદીપ નગાડીયા જણાવે છે કે, એ ભૂલ બાપની જ હતી કે દીકરાને સીધો જ વહીવટ સોંપી દીધો. આ વાતને સાયપ હાયરે લાગતું વળગતું નથી. ને આપણે રાજકોટમાં ઈસાભાઈ ઘૂઘરાવાળાને ન્યા આ લાગુ પડે ય છે.

એના પર નરેશ પટેલ ધોરાજીયા પ્રદીપ નગાડીયાને કહે છે કે, મન મોટું રાખો. કંઈ બદલવાનું નથી. સમય જતા સમય આવશે, તે પણ નક્કી જ છે.

એટલે પ્રદીપ નગાડીયા નરેશભાઈ સાથે સહમત થતા કહે છે, તમારી વાત બિલકુલ સાચી છે.

તેમજ પથિક પટેલ કહે છે કે, આમ જ મંદી લાવે ને પાસા ભણેસરી ના દીકરા થાય.

મિત્રો, તમે પણ તમારા મંતવ્યો અને સૂચનો કમેન્ટ કરીને જણાવી શકો છો. અને તમને આ સ્ટોરી ગમી હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ.