આ છે ભારતની 20 કુદરતી અજાયબીઓ, દાવો છે કે તમે આના વિષે ભૂગોળની ચોપડીમાં પણ નહિ વાંચ્યું હોય.

0
2267

જ્યારે પણ આપણે કુદરતી અજાયબીઓ વિષે વિચાર કરીએ છીએ, ત્યારે સામાન્ય રીતે આપણા ધ્યાનમાં ગ્રાન્ડ કેન્યન, ગ્રેટ બેરિયર રીફ, માઉન્ટ એવરેસ્ટ અને એમેઝોન રેઈનફોરેસ્ટ એવા નામ આવે છે. જો કે, આપણા ઘરની નજીક આપણા દેશમાં જ ઘણી બધી કુદરતી અજાયબીઓનો ખજાનો પણ છે.

ભૌગોલિક વૈવિધ્યતાના સંદર્ભમાં વિશ્વના સૌથી વધારે વિવિધતા ધરાવતા દેશો માંથી એક ભારત છે. ભારત પાસે કુદરતી અજાયબીઓની આશ્ચર્યજનક શ્રેણી છે. કેટલાક ખૂબ જાણીતા અને જોવાલાયક છે, જ્યારે અન્ય ઓછા શોધાયેલા રત્નો છે. જો કે, તેમની પાસે એક વસ્તુ સામાન્ય છે, અને એ વસ્તુ છે કે તેઓ તમારા મનને શાંતિ આપશે અને તમે કુદરતના ખોળે સમય પસાર કરી શકશો.

આજે અમે તમારા માટે ભારતના એવા ફરવાલાયક સ્થળો વિષેની માહિતી લાવ્યા છીએ, જે હકીકતમાં ઘણા સુંદર છે પણ એના વિષે આપણને શાળાની કોઈ ચોપડીમાં જાણકારી મળતી નથી. જો તમે આ જગ્યાઓ પર ફરવા જાવ તો તમને ફરી ઘરે જવાનું મન નહિ થાય. તો આવો તમને એ સ્થળો વિષે જણાવીએ.

1. લોનર ક્રૈટર લેક, મહારાષ્ટ્ર (Lonar crater lake, Maharashtra) :

આ દુનિયાનું સૌથી મોટું વાટકાના આકારનું બનેલું તળાવ છે. આ સુંદર તળાવનો નજારો તમને મહારાષ્ટ્રમાં જોવા મળશે. ક્રૈટર એક એવો ખાડો હોય છે, જે આંતરિક વિસ્ફોટથી બને છે. આ લોનર ક્રૈટર લેક 50,000 વર્ષ જૂનું છે. અને તે ઉલ્કાના અથડાવાથી બન્યું હતું. અને તળાવની ચારેય તરફ લીલું ઘાસ હોવાને કારણે આ જગ્યા શાંત અને મનને સુકુન આપવા વાળી લાગે છે.

અહીંનું ખારું પાણી એ વાતનું પ્રતીક છે કે ક્યારેક અહિંયા સમુદ્ર હતો. આ તળાવ બન્યું એ સમયે લગભગ દસ લાખ ટનની ઉલ્કા પૃથ્વી સાથે અથડાય હતી. લગભગ 1.8 કિલોમીટર વ્યાસના આ તળાવની ઊંડાઈ લગભગ 500 મીટર છે.

તે પૃથ્વી પર તેના પ્રકારનું એકમાત્ર તળાવ છે. 50,000 વર્ષ પહેલા જ્યારે એક વિશાળ ઉલ્કા પૃથ્વી પર લગભગ કલાકના 90,000 કિ.મી.ની ઝડપે ક્રેશ થઈ ગઈ ત્યારે આ તળાવ બન્યું હતું. સમય જતા જંગલ નિર્માણ અને પાણીના બારમાસી પ્રવાહે આ ક્રેટરને એક શાંત, નીલમ લીલા તળાવમાં રૂપાંતરિત કર્યું.

આજે, આ તળાવ (મહારાષ્ટ્રના બુલધના જીલ્લામાં આવેલું) એક વન્યજીવન અભયારણ્ય છે, જે એક અનન્ય ઇકોલોજી છે. તે આસપાસના ફ્લેટ લેન્ડસ્કેપથી ખૂબ જ અલગ છે. તેનું પાણી પૃથ્વી પર અન્યત્ર ભાગ્યે જ જોવા મળતા સૂક્ષ્મજીવોને સપોર્ટ કરે છે, જ્યારે તેની આસપાસના ભાગમાં વિશિષ્ટ ખનિજોના ટુકડાઓ જેવા કે માસ્કેલેનાઇટના ટુકડાઓ મળી આવે છે.

2. બોર્રા કેવ્સ, આંધ્ર પ્રદેશ (Borra Caves, Andhra pradesh) :

ભારતની આ ગુફાને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. દુનિયાની આ સૌથી મોટી ગુફાની ઊંડાઈ 260 ફૂટ છે. આ ગુફાની ઉપરથી મિનરલ રિચ વોટર નીકળે છે, જેને જોઈને દરેક વ્યક્તિ ચક્તિ રહી જાય છે. એના સિવાય આ એક ગુફામાં જ તમે અલગ અલગ રંગોનો અદભુત સંગમ જોઈ શકો છો.

મોટાભાગના લોકોએ તેમના સમગ્ર જીવનમાં વાસ્તવિક ગુફા ક્યારેય જોઈ નથી. જેઓ કુદરતી શક્તિઓના અદભૂત પ્રદર્શન દ્વારા કાયમી રૂપે એના તરફ આકર્ષિત રહે છે, એમના માટે બોરા ગુફાઓ ફરવા માટે સારી જગ્યા છે. બોરા ગુફાઓ જે આંધ્રપ્રદેશની આરાકુ ખીણની અનંતગિરી ટેકરીઓમાં સ્થિત છે, એની ખડક રચનાઓ એ વાતના પુરાવા છે કે, પાણી ચૂનાના પત્થરને મળે ત્યારે અદ્ભુત વસ્તુઓ જોવા મળી શકે છે.

ભારતની સૌથી ઊંડી ગુફાઓ પૈકી, બોર્રા ગુફા ગોસ્તાહાણી નદીની કારસ્તિક ક્રિયા(karstic action) દ્વારા લાખો વર્ષો પહેલા બની હતી, અને તેમાં કેટલીક અદભૂત સ્પીલોથેમ્સ (પાણીમાંથી ખનિજોના નિવારણ દ્વારા ગુફામાં બનેલી રચના) પણ છે. સ્થાનિક આદિવાસીઓ પણ અનેક દંતકથાઓને આ ગુફા સાથે જોડે છે.

રસપ્રદ વાત એ છે કે, આ ગુફા માનવશાસ્ત્રીય સંશોધન માટે પણ ખૂબ મૂલ્યવાન છે. ખોદકામ દ્વારા અહીંથી મધ્ય પેલિઓલિથિક સંસ્કૃતિના પથ્થર સાધનો શોધવામાં આવ્યા છે, જે 30,000 થી 50,000 વર્ષ પહેલાંના વિસ્તારમાં માનવ વસાહતની પુષ્ટિ કરે છે.

3. નિઘોજના પૉટહોલ્સ (Riverine Potholes of Nighoj) :

નિજૉજના ગામમાં તમને પૉટહોલ્સ જોવા મળશે. જણાવી દઈએ કે, પૉટહોલ્સ એટલે વરસાદ/નદીના પાણીની અસરથી પથ્થરમાં થયેલો ખાડો. અહી તમને ચીઝના કદાવર ટુકડા જેવી પથ્થરોની બનેલી આ રચના જોવા જેવી છે, જેને સ્થાનિક લોકો દ્વારા કુંડ કહેવામાં આવે છે. અને તે હજારો વર્ષોથી કુક્ડી નદીના પાણીના પ્રવાહને કારણે બન્યા છે. આમાંના કેટલાક પથ્થરો 40 ફૂટ ઊંડા છે.

પુણેથી લગભગ બે કલાક દૂર નિજૉજની મુલાકાત લેવા માટે શિયાળો અથવા ઉનાળો સારો સમય છે, કારણ કે આ સમયે નદીમાં ખૂબ વધારે પાણી નથી હોતું. આ ભૂસ્તરશાસ્ત્રીય અજાયબીની મુલાકાત પણ મોરાચી ચિંચોલીની મુલાકાત સાથે જોડી શકાય છે, જે એક અનન્ય ગામ છે જેના ઇકો ફ્રેન્ડલી નિવાસીઓ સેંકડો મોર સાથે રહે છે.

4. ગાંડીકોટાની ખીણ (Gandikota Canyon) :

યુએસએમાં આવેલી ભવ્ય ગ્રાન્ડ કેન્યનની યાદ અપાવે એવી ભવ્યતા વાળી આંધ્રપ્રદેશના કુદ્દાપહ જિલ્લામાં ગાંડીકોટામાં 300 ફુટ ઊંડી ખીણ આવેલી છે. એને ગાંડીકોટા કેન્યન કહેવાય છે. આ ખીણ પણ હજાર વર્ષથી વધુ જૂની હોવાનું મનાય છે.

13 મી સદીના ગાંડીકોટાના લાલ રેતીના પથ્થરના બનેલા કિલ્લા અને ખીણ ફરવા લાયક જગ્યા છે. લોકો આ કેન્યનની ભવ્યતાની ખરેખર પ્રશંસા કરે છે. પેનેર નદીની વહેંચણીના ન ભુલાય એવા દૃશ્યો જોવા માટે લોકો કોઈ પણ રીતે ખીણની ટોચ સુધી પહોંચે છે.

5. લોકતક લેક, મણિપુર (Loktak Lake, Manipur) :

લોકતક લેક ઉત્તરપૂર્વીય ભારતમાં સૌથી મોટુ કુદરતી તાજા પાણીનું તળાવ છે. લોકતક તળાવ ‘ફૂમડી’ નામના અનન્ય પારિસ્થિતિક તંત્રનું ઘર છે. લઘુ ટાપુઓની જેમ આ ફૂમડી વિવિધ સ્વરૂપોમાં જોવા મળે છે, જે સુશોભિત તાજા પાણીના તળાવમાં તરે છે. અને તે તેની આસપાસ રહેતાં અન્ય જીવો માટે લાઇફલાઇન છે.

લોકતક તળાવને વધુ વિશેષ બનાવે છે એની દક્ષિણ પશ્ચિમ ભાગમાં આવેલ કીબુલ લામાજા રાષ્ટ્રીય ઉદ્યાન. તે વિશ્વનું એક માત્ર ફ્લોટિંગ રાષ્ટ્રીય ઉદ્યાન છે અને તે ભયંકર મણિપુરી હરણ સાંગાયનું ઘર છે. જૈવ વિવિધતા ધરાવતું આ સ્થળ 233 જળચર વનસ્પતિઓ, પક્ષીઓની 100 થી વધુ પ્રજાતિઓ અને 425 પ્રાણીઓની જાતિઓનું પણ ઘર છે.

ઉત્તર-પૂર્વ ભારતના આ સૌથી ઊંચા તળાવની સુંદરતા જોઈને દરેક વ્યક્તિ ચક્તિ થઇ જાય છે. આને દુનિયાનું એક માત્ર તરતું તળાવ પણ કહેવામાં આવે છે. કારણ કે અહીં નાના નાના દ્વીપ પાણીમાં તરે છે.

6. હોજેનાક્કલ ધોધ (Hogenakkal Falls) :

કર્ણાટક અને તમિળનાડુની વચ્ચેની એક ખીણમાંથી પસાર થતી કાવેરી નદી 150 ફૂટની ઊંચાઈએથી ધોધ બનાવે છે, જે એક શક્તિશાળી સ્પ્રે જેવો લાગે છે. એને લીધે ધોધના પાણીના છાંટા ધુમાડા જેવા લાગે છે. આજુ બાજુના વિશાળ કાળા ગ્રેનાઈટ ખડકોથી ઘેરાયેલા હોજેનાક્કલ ધોધ એક વિશાળ ધોધ નથી પણ નાના નાના ધોધની શ્રેણી છે, જે આગળ જઈને ટેકરીઓ તરફ વધતા પ્રવાહમાં ભળી જાય છે. અહીનો નજારો ઘણો જ સુંદર અને રમણીય છે.

7. લિવિંગ ટ્રી રૂટ બ્રિજ, ચેરાપુંજી (Living Root Bridges) :

ભારતનું સૌથી સુંદર વંડર એટલે કે સૌથી સુંદર નવાઈ પમાડે એવો જનારો જોવા માટે તમે સીધા ચેરાપુંજી જતા રહો. અહીંની સુંદરતા જોઈને તમને તમારી આંખો પર વિશ્વાસ નહિ થાય. અહીં 30 મીટર લાંબો પુલ છે જે રબરના ઝાડના વળતા મૂળથી બનાવ્યો છે. અને આને નદીની ઉપર બનાવવામાં આવ્યો છે. આની મદદથી તમે આરામથી નદી પાર કરી શકો છો.

8. માર્બલ રોક્સ, જબલપુર (Marble Rocks of Bhedaghat) :

આમ તો જબલપુરમાં ફરવા માટે ઘણી બધી જગ્યાઓ છે, પરંતુ અહીંના ભેડાઘાટના માર્બલ રોક્સ પહાડોની સુંદરતા જોઈને તમે પણ આશ્ચર્યચક્તિ રહી જશો. 3 કિમિ સુધી ફેલાયેલા આ પહાડોની ચારેય તરફ નર્મદા નદી વહે છે. આ પહાડ પર સુરજનો પ્રકાશ પડતા આ માર્બલ સફેદ પાઈનએપ્પલની જેમ ચમકવા લાગે છે, અને પાણીનો રંગ પણ બદલાય જાય છે. અને રાત્રીના સમયે આની સુંદરતા ઘણી વધી જાય છે.

9. સંગેટસર તળાવ (Sangetsar Lake) :

અરુણાચલ પ્રદેશમાં આવેલું અને ભૂકંપને કારણે રચાયેલું સંગેટસર તળાવ તેની સુંદરતા માટે જાણીતું છે. 1971 માં આવેલા ભૂકંપને કારણે શૉક-ટેસન ગામ તળાવમાં પરિવર્તિત થયું હતું. આથી સ્થાનિક લોકો દ્વારા આ તળાવનું નામ ખરેખર શો-નગા-સેઇર તરીકે ઉચ્ચારવામાં આવે છે.

અભિનેત્રી માધુરી દીક્ષિત અહીં કોયલા ફિલ્મ માટે શુટિંગ કરવા આવી હતી, તે પછી આ તળાવ માધુરી લેક તરીકે પણ ઓળખાય છે. આ તળાવની મુલાકાત લેવા માટે તાવંગના જીલ્લા કમિશનર (ડી.સી.) ની ઑફિસ તરફથી વિશેષ પરવાનગી લેવી જરૂરી છે.

10. વેલી ઓફ ફ્લાવર્સ, ઉત્તરાખંડ અને કાસ પ્લાટેઉ, મહારાષ્ટ્ર (Valley of Flowers and Kaas Plateau) :

વિશ્વની સૌથી સુંદર ફૂલોની ખીણ જૂન અને ઑક્ટોબરની વચ્ચે ઉત્તરાખંડના નંદા દેવીમાં જોવા મળે છે. અહીં ઘાસના મેદાનોમાં ફૂલોની 500 થી વધુ પ્રજાતિઓનો એક ભવ્ય કુદરતી શો જોવા મળે છે. અને હવે આ સ્થળ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં શામેલ છે. 1930 માં ત્રણ બ્રિટીશ પર્વતારોહકોએ આની શોધ કરી હતી.

હવે વાત કરીએ કાસ પ્લાટેઉની તો તે મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં આવેલું છે. જણાવી દઈએ કે પ્લાટેઉ એટલે પહાડ પરની સપાટ જમીન. અહીં ફોલોના વિશાળ બગીચા આવેલા છે. અને તે સપ્ટેમ્બર અને ઑક્ટોબરની શરૂઆતના મહિનામાં જોવા મળે છે. અહીં ફૂલોની રસપ્રદ અને અલગ અલગ જાતના રંગીન ફૂલો જોવા મળે છે. તો પછી જ્યારે તમે આ બે રાજ્યોમાં મુસાફરી કરી રહ્યા હો, ત્યારે તમારા પ્રવાસમાં આ સ્થાનો ઉમેરવાનો વિચાર જરૂર કરજો.

11. હાઇડ એન્ડ સીક બીચ (Hide and Seek Beach) :

ઓડિશાના બાલાસોર જિલ્લામાં સ્થિત સુંદર ચાંદીપુર બીચ એ એક એવી ઘટનાનું ઘર છે, જે વિશ્વના ભાગમાં ભાગ્યે જ જોવા મળે છે. અહીં દરરોજ દરિયાકાંઠો દેખાય છે અને પછી અદૃશ્ય થઈ જાય છે, અને પછી પાછો આવે છે.

અહીનો દરિયા કિનારો છપો દાવ (Hide and Seek) ની રમત રમે છે. અને એ પણ એક દિવસમાં બે વખત. તે જ કારણ છે કે આ બીચ અનન્ય પ્રજાતિઓ જેવી કે ઘોડાની નાળ જેવા આકારના કરચલા અને લાલ કરચલાનું ઘર છે. તમારી આંખોની આગળથી સમુદ્રને અદૃશ્ય થઈ જતા જોવાનો એક વાસ્તવિક અનુભવ તમને અહીં મળે છે.

12. મેગ્નેટિક હીલ (Magnetic Hill) :

લદ્દાખની મેગ્નેટિક હિલ એક એવું રહસ્યમય સ્થળ છે, જ્યાં ગુરુત્વાકર્ષણના નિયમો લાગુ પડતા નથી એવું લાગે છે. આ જગ્યા વર્ષોથી મુલાકાતીઓને આકર્ષી રહી છે. આ સ્થળ સમુદ્ર સપાટીથી 14,000 ફૂટની ઉંચાઈ પર, અને લેહ-કારગીલ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર લેહથી આશરે 30 કિમી દૂર આવેલું છે. અહીં ગાડીને ન્યુટ્રલ ગિયરમાં મુકવામાં આવે તો ગાડી આપમેળે 10 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉપરની તરફ ચડવા લાગે છે.

આ વિચિત્ર ઘટનાનું કારણ વાસ્તવમાં ઓપ્ટિકલ ભ્રમણા સિવાય બીજું કાંઈ નથી, કે ઉતાર પરનો માર્ગ વાસ્તવમાં એક ચઢાવ માર્ગ છે. રસપ્રદ વાત એ છે કે ભૂજની કાલો ડુંગર ટેકરીઓ પર પબ આ પ્રકારની સમાન ઘટના જોવા મળી શકે છે.

13. યાના રોકસ (Yana Rocks) :

યાના એ કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લાના જંગલોમાં સ્થિત એક ગામ છે, જે અસામાન્ય પથ્થર રચનાઓ જેવી કે કાર્સ્ટ અથવા એસ્ટરોઇડ માટે જાણીતું છે. તે પશ્ચિમ ઘાટની સહ્યાદ્રી પર્વતમાળામાં, કારવાર બંદરથી આશરે 60 કિલોમીટર (37 માઇલ), સિરસીથી 40 કિલોમીટર (25 માઇલ) અને કુમતાથી 31 કિલોમીટર (19 માઇલ) દૂર છે. ગામની નજીકના બે અનન્ય રોક આઉટકોર્પ્સ છે, જે એક પ્રવાસી આકર્ષણ છે.

યાના ‘ભૈરવશ્વરવા શિખરા’ અને ‘મોહિની શિખરા’ (“શિખરા” નો અર્થ “ટેકરી”) તરીકે ઓળખાય છે. આ વિશાળ ખડકો કાળા સ્ફટિકીય કાર્સ્ટ ચૂનાના પત્થરથી બનેલા છે. ભૈરવશ્વરવા શિખરાની ઊંચાઇ 120 મીટર (390 ફીટ) છે, જ્યારે મોહિની શિખારાની ઊંચાઈ 90 મીટર (300 ફીટ) છે.

ભૈરવશ્વરવા શિખરની નીચે ગુફા મંદિર છે. જેને કારણે યાનાને તીર્થ સ્થળ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યાં સ્વયંભુ (“સ્વયં પ્રગટ થયું” અથવા “જે પોતે બનાવેલ છે”) લિંગ છે. અને ત્યાં છત પરથી પાણીના ટીપા પડે છે જે સીધા શિવલિંગ પર જ પડે છે. જે આ સ્થળની પવિત્રતામાં ઉમેરો કરે છે.

14. ક્રેમ લિયાત પ્રહ કેવ (Krem Liat Prah Cave) :

મેઘાલયના જૈતિયા હિલ્સની દક્ષિણ ઢોળાવની પાસે હજારો ગુફાઓ અને ફાટ (crevice) છે, અને તે બઘી હજુ સુધી શોધવામાં આવી નથી. અહીં ભારતની સૌથી લાંબી ગુફા છે ક્રેમ લિયાત પ્રહ કેવ, જે 2006 માં મળી આવી હતી. તે આશરે 34 કિલોમીટર લાંબી હોવાનું માનવામાં આવે છે. જે એની નજીકની ગુફાઓ સાથે કનેક્ટ થઈ જાય, તો તેની લંબાઈ અનેક ગણી વધી શકે છે. આ ગુફાની શોધખોળ એ એક રોમાંચક અનુભવ છે, જે તમે ભૂલી શકશો નહીં.

15. રિવર્સ ઝરણું (Reverse Waterfall at Sinhagad) :

ચોમાસાની સિઝન દરમિયાન ફક્ત સિંહગઢ કિલ્લાની પાસે જ એક વિપરીત ધોધ જોવા મળે છે. તે એક દુર્લભ ગુરુત્વાકર્ષણ-વિરોધી ઘટના છે. ભારે ચોમાસા દરમિયાન અહીં જળાશયનું નિર્માણ થાય છે, અને જે ઝરણું વહે છે, એનું પાણી પવનના ઊંચા દબાણને કારણે ઉપરની તરફ વહે છે. અહીંની મુલાકાત કરવા પર વોટરફૉલની ટોચ પર ઊભા રહીને વિશિષ્ટ આનંદપ્રદ અનુભવ મળે છે (રક્ષક રેલિંગની પાછળ).

16. કાદવ જ્વાળામુખી (Mud Volcanoes) :

કાદવના જ્વાળામુખી ડિપ્રેસ્યુરાઇઝ્ડ પોર વોટરના ઉત્સર્જન દ્વારા અને કુદરતી ગેસના ભૂગર્ભ પદાર્થોના ભૂગર્ભમાં ક્ષીણ થઈ જવાથી બને છે. ઉપલબ્ધ રેકૉર્ડ્સ મુજબ, બારાટાંગ દ્વીપ પર પહેલી વાર કાદવ જ્વાળામુખીનો વિસ્ફોટ માર્ચ 1983 માં નીલમબુર ગામમાં જોવા મળ્યો હતો. 2004 – 05 માં આ પ્રદેશમાં ભૂકંપ પ્રવૃત્તિમાં વધારો થવાને લીધે, કાદવ જ્વાળામુખી ફાટી નીકળ્યા હતા.

17. ઉમંગોટ રિવર (Umngot River) :

ઉમંગોત નદી મેઘાલયમાં આવેલી છે. આ નદી દેશની સૌથી સાફ નદી છે. અહીં નદીમાં તળિયે રહેલા પથ્થરો પણ તમને સ્પષ્ટ દેખાઈ આવે છે. આ નદીમાં જયારે નાવડી તરે છે ત્યારે એવું લાગે છે કે જાણે કાચ પર નાવડી તરી રહી હોય. આ નદીનું પાણી એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે.

18. સેંટ મેરી આઇલેન્ડ (St Mary’s Island) :

સેન્ટ મેરી આઇલેન્ડ કર્ણાટકના માલપના કિનારે આવેલું છે. આ પ્રાચીન ટાપુ પર કેરાલાની મુસાફરી દરમિયાન વાસ્કો દ ગામા રોકાયા હતા એવું માનવામાં આવે છે. 1979 માં, તેને ભારતના ભૂસ્તરશાસ્ત્રીય સર્વે દ્વારા રાષ્ટ્રીય ભૂસ્તરશાસ્ત્રીય સ્મારક જાહેર કરવામાં આવ્યું હતું.

અહીંના મોટા મોટા પથ્થર કોઈ પહાડ માંથી નહિ પણ જ્વાળામુખીને કારણે બન્યા છે. એકદમ શાંત વાતાવરણ વાળા આ દ્વીપ પર તમે નારિયેળના ઝાડની સુંદરતા જોઈ શકો છો. નારિયેળના ઝાડ હોવાને કારણે અને કોકોનટ આઇલેન્ડ પણ કહેવામાં આવે છે.

19. બેલમ કેવ્સ, આંધ્ર પ્રદેશ (Belum Caves) :

આંધ્ર પ્રદેશના કુન્નુલ જિલ્લામાં બેંગ્લોરથી લગભગ 275 કિ.મી. દૂર ભારતની સૌથી લાંબી ગુફાઓ બેલમ ગુફાઓ આવેલી છે. આ ગુફાઓને સંસ્કૃત શબ્દ બીલમ (છિદ્ર) પરથી નામ મળ્યું છે. એડવેંચરના શોખીન લોકો માટે આ ઘણી ખાસ જગ્યા છે. 3229 મીટર લાંબી બેલમ કેવ્સને દુનિયાની સૌથી સુંદર ગુફાનું સ્થાન આપવામાં આવ્યું છે.

અહીં તમને હવાના ઝરુખા, ગ્લેશિયર અને પાણીના નાળા જોવા મળશે. પ્રવાસીઓ માટે આ ગુફાને લગભગ 1.5 કિલોમીટર સુધી ખોલવામાં આવી છે. જટિલ રચનાઓ અને શિલ્પો જેવા કે, સિમધ્વારમ, વુદલામરી અને થાઉઝન્ડ હૂડ કુદરત દ્વારા રચિત બેલમ ગુફાઓના આકર્ષણમાં વધારો કરે છે.

20. બરેન આઇલેન્ડ (Barren Island) :

અંડમાન સમુદ્રના બેરેન આઇલેન્ડ પ્રકૃતિની ઝળહળતાને સૌથી વધુ પ્રાથમિકતા આપે છે. ભૌગોલિક રીતે સક્રિય ભારતીય અને બર્મીઝ પ્લેટોના ક્રોસ પર સ્થિત આ ટાપુ 1.8 મિલિયન વર્ષ જૂના છે, અને તેમના સ્થળાંતર પર કાચબા અને રીફ શાર્ક્સ જેવા વિશાળ દરિયાઈ જીવો માટે રહેવાનું સ્થાન પૂરું પાડે છે. ટાપુના સાંકડા દરિયાકિનારા પરની રેતી ઘેરો જાંબલી-કાળો રંગ ધરાવે છે. આ સ્થળોએ ઝાડવા ઢોળાવવાળી જમીન દ્વારા સમુદ્ર સુધી પહોંચે છે.

આ માહિતી ધ બેટર ઇન્ડિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે