મોર્ડર્ન માં-બાપે ભોગવવા પડ્યા સંસ્કારના અભાવે માઠા પરિણામો. વાંચો આખી વાર્તા.

0
957

નમસ્કાર મિત્રો, આજે અમે તમારા માટે જયદીપ રામાણી દ્વારા લિખિત એક વાર્તા લઈને આવ્યા છીએ જેનું શીર્ષક છે “કપાતર.” મોર્ડન બનતા જમાનામાં જે માં-બાપ પોતાના બાળકોને જરૂરી સંસ્કાર નથી આપતા, એમણે સમય જતા કેવા પરિણામ ભોગવવા પડે છે, એ વાત આ વાર્તા દ્વારા સ્પષ્ટ થાય છે.

પ્રેરણા : આજે આધુનિકતા પાછળ આંધળા થયેલા માં-બાપ સંતનોને મોજશોખ કરાવે છે, પરંતુ સંસ્કાર આપવાનું ભૂલી જાય છે અને પછી માઠા પરિણામો ભોગવવા પડે છે. તો આવો શરુ કરીએ આજની વાર્તા “કપાતર.”

અલ્પેશભાઈ પટેલ. અમદાવાદના એક પ્રખ્યાત બિલ્ડર. ખુબ જ સુખી આ પરિવાર હતો. અઢળક મિલકત, આલીશાન બંગલો, નોકર-ચાકર, ફાર્મ હાઉસ, રેસ્ટોરેંટ, મોલ જેવી કેટલીય અબજો રૂપિયાની સંપત્તિના તેઓ અધિપતિ હતા. લક્ષ્મીજીએ જાણે કંકુ પગલા એમના નસીબમાં પાડ્યા હોય, એમ પેઢીઓથી આ પરિવાર સુખસાહ્યબી અને ભોગ-વિલાસમાં રાચતો હતો. પણ કહેવાય છે ને કે, આજે રૂપિયાથી બધું જ ખરીદી શકાય છે, પરંતુ સંસ્કારો ખરીદી શકાતા નથી. સંસ્કારો સિવાય બધું જ રૂપિયાના રાજમાં છે.

અલ્પેશભાઈની પત્ની અલ્પાબેન પટેલ. આ સફળ બિલ્ડરની સફળતાનું રહસ્ય. આવેલી લક્ષ્મીને ટકાવી રાખવી એ ઘરની સ્ત્રીના હાથમાં હોય છે, અને આ વાત અલ્પાબેન ખૂબ જ સારી રીતે જાણતા હતા. આ લાવી આપેલી લક્ષ્મીને વધારીને એનો સદુપયોગ તેમણે કર્યો હતો. અમદાવાદમાં જેમની કીર્તિની વાહ વાહ થતી હોય, એવો આ સુખથી સંપન્ન પરિવાર. અલ્પેશભાઈને ત્રણ સંતાનો હતા, જેમાં બે દીકરા અને એક દીકરી અનુક્રમે મયંક, મિહિર અને મિત્તલ.

અને શ્રીમંત પરિવારમાં જન્મેલા આ ભાગ્યશાળી સંતાનોએ ક્યારેય, ગરીબી શું હોય? એ જાણ્યું પણ નહોતું. મોંઘી ક્લબ પાર્ટી, મોંઘા રેસ્ટોરેંટ, બ્રાન્ડેડ કપડા અને પર્ફ્યુમ, મોંઘી ગાડીઓ, આ બધાની કિંમતે બાળકોએ પોતાનું અમૂલ્ય બાળપણ વેચ્યુ. એક બાપની ફરજ છે પોતાના બાળકોની જરૂરિયાત પૂરી કરવાની. પણ એથી વિશેષ એમની ફરજ છે બાળકોના જીવન ઘડતરની અને એમને સંસ્કારો પુરા પાડવાની.

વહેતા પાણીની જેમ સમય વીતતો ગયો, હવે બાળકો કિશોર બન્યા. પૈસા અને ભોગવિલાસમાં ઉછરેલા આ બાળકો પાસે સંસ્કાર સિવાય દરેક વસ્તુ હતી. એમની પાસે મોંઘા મોબાઈલ તો હતા, પણ આ મોબાઈલથી કોઈને ખબર અંતર પૂછવાની ટેવ નહોતી. એમની પાસે બ્રાન્ડેડ કપડા તો હતા, પણ રસ્તા પર રખડતા ગરીબ, નાના બાળકોને દાન કરવાની દયા નહોતી. કહેવાય છે કે અત્યારનો યુગ “પ્રેક્ટીકલ યુગ” છે. અને જરૂરી છે પ્રેક્ટીકલ જ્ઞાન, પણ જો એ સંસ્કારો પર હાવી થઈ જાય, તો પછી વિકૃતિ છે. જોતજોતામાં ત્રણેય સંતાનો સેટ થઈ ગયા.

અલ્પેશભાઈના જીવનની વસંત સમેટાઈ ગઈ ને પાનખરની શરૂઆત થઈ ગઈ. પાનખરની શુષ્ક ડાળી બની ગયેલા આ માતા-પિતા હવે બાળકોને કાંટાની જેમ ખૂંચતા હતા. કાલ સુધી મીઠી મધ જેવી લાગતી અલ્પાબેનની વાતો આજે કડવું ઝેર લાગવા માંડી. એક દિવસ મોટા દીકરા મયંકે વિચાર કર્યો કે, જ્યાં સુધી આ બંગલો ને બીજી મિલકત મારા બાપના નામે છે, મારે એમને સાચવવા પડશે. એકવાર મિલકત હાથે લાગી જાય તો પછી………

આવો જ વિચાર ચાલતો હતો ને એટલામાં જોરજોરથી રાડો પાડવાનો અવાજ આવ્યો. જઈને જોયું તો અલ્પેશભાઈ જમીન પર ફસડાઈ પડ્યા હતા, આંખો ઉંધી થઇ ગઈ હતી મોઢામાંથી ફીણ નીકળતું હતું, શરીર ઠંડુ પડી ગયું હતું ને પરસેવે રેબઝેબ…. ડોક્ટરી સારવાર મળે એ પહેલા તો અલ્પાબેનના કપાળમાંથી ચાંદલો હંમેશા માટે ભૂંસાઈ ગયો. અલ્પેશભાઈના અવસાન બાદ વિધિઓ તો પૂરી થઈ. ‘વીમા’ ની ભારી રકમ અલ્પા બેનના હાથમાં હતી. આ સમયે માં નો આધાર બનવાને બદલે મોકાનો લાભ ઉઠાવવાનું મયંકે વિચાર્યુ.

બીજી તરફ મિહિર પણ પોતાનું ભણતર પતાવી વિદેશથી પરત ફર્યો હતો. એણે પણ આ રીતનો જ વિચાર કર્યો હતો. અલ્પેશભાઈના મૃત્યુને હજી માંડ પાંચ મહિના થયા હશે, અને હજુ તો અલ્પાબેનની આંખોમાંથી આંસુ પણ સુકાયા નહોતા, ને ત્યારે આ સત્તાની લોભામણીમાં રાચતા બન્ને ભાઈઓએ મિલકત હડપવાનું વિચાર્યું. એક દિવસ રાત્રે જમી-પરવારીને મયંક એની માં ના રૂમમાં ગયો. પહેલા થોડી સાહજિક વાતો થઇ પછી તેને મુખ્ય મુદ્દો ઉપાડ્યો ને વાતના કેન્દ્રમાં હવે મિલકત હતી.

મયંકે કહ્યું, “લુક મોમ, ડેડના ગયા પછી હવે આપણા બિઝનેસની તમામ જવાબદારી મારા માથે છે. મિહિર તો હજુ પાપા પગલી ભરે છે, માટે હવે ક્યાં રોકાણ કરવું, ક્યાં વેચાણ કરવું, એ બધું હવે મારે વિચારવાનું છે. આપણા બિઝનેસને હજુ વધારવા માટે મેં પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. માટે મારી પાસે મિલકત હોવી જરૂરી છે. અત્યારે ડેડના ગયા પછી આ મિલકત તમારા નામે છે. જો તમે એ મને આપો તો હું આપણા બિઝનેસને આગળ વધારવા કંઈક કરી શકું.”

અલ્પાબેન હજુ કંઈ કહે એની પહેલા એમની નજર રૂમના દરવાજા પર પડી, ત્યાં મિહિર ઉભો હતો. આજે વર્ષો બાદ આ વધુ એક પરિવારમાં મહાભારત સર્જાયું. મિહિરે મહેણા મારતા કહ્યું, “વાઉ માય બિગ બ્રો! તમે તમારું મસ્ત સેટ કરી નાખ્યું છે ને કંઈ. વેઇટ વેઇટ આ બિઝનેસના ફ્યૂચર પ્લાન્સ છે, કે તમારા પોતાના…. ખરી પટ્ટી પડાવી છે ભાભીએ……”

સામે ફરી પ્રહાર થયો અને જોતજોતામાં ચર્ચા ઉગ્ર બનવા માંડી. ઘરના બાકીના સભ્યો ભેગા થઈ ગયા. કરોડોની મિલકત માટે આજે બે “કુતરાઓ” રઘવાયા થયા હતા. અંતે અલ્પાબેને બંનેને છોડાવ્યા ને કહ્યું આ નિર્ણય મારો છે, અને બિઝનેસના વિકાસ માટે મને લાગે છે કે, મારે મયંકને મિલકત આપવી પડશે. અલ્પાબેન મયંકના હાથ માંથી પેપર્સ લઈ પોતાના રૂમમાં જઈને તપાસવા માંડ્યા. એટલામાં મિહિરથી ના રહેવાયું ને એ ફરી કંઈક બોલ્યો.

આ બાજુ અલ્પાબેને વિચાર કર્યો કે, હું વચ્ચેનો રસ્તો શોધુ. એમણે વિચાર્યુ કે થોડી મિલકત મયંકને આપુ અને બાકીની રહેવા દઉં. તેઓ મનોમન ખુશ હતા કે મિહિરને એમની કેટલી ચિંતા છે, તેઓ પાછા ગયા અને આ બાજુ જોયું તો કૌરવ-પાંડવોનું યુદ્ધ શરૂ થઈ ગયું હતું. બસ ફરક એટલો હતો કે, પેલું ધર્મયુદ્ધ હતું અને આ અધર્મયુદ્ધ હતું. બંને ભાઈઓ વચ્ચે દલીલો ઉપર દલીલો થતી હતી ને એમાં ઉશ્કેરાયેલા મિહિરથી બોલાઈ ગયું, હા જા લઈ લે બધું. બધું તારા નામે કરી લે એટલે પછી આખી જિંદગી ડોશી મારા માથે પડે.

દરવાજે ઉભા રહેલા અલ્પા બેનના હાથમાં રહેલી ફાઈલો ધબાક દઈને પડી. તેઓ ડઘાઈ જ ગયા. બે ક્ષણ માટે સન્નાટો છવાઈ ગયો. થોડી સેકન્ડ પછી આ સ્મશાન જેવી શાંતિમાં ભંગ પડ્યો. બ્રહ્માસ્ત્રની જેમ શબ્દનું તીર અલ્પાબેનના હૃદયને ચીરીને આરપાર નીકળી ગયું. ડૂમો ભરાઈ ગયો અને તે જમીન પર ફસડાઈ પડ્યા. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે બધું જ ન્યોછાવર કરવા જતા માં ઉપર જાણે અવિશ્વાસનું વાદળ ફાટયુ.

એમણે જોયું કે, મિલકત માટે રઘવાયા થયેલા આમારા બંને દિકરાઓએ એક જ ઝાટકે મારી મમતાની નિલામી કરી નાખી? મનોમન તેઓ તૂટી ગયા. પણ અલ્પાબેન ડગે એમ નહોતા. ટુટેલા નહીં પણ મજબૂત સ્ત્રી તરીકે, લાચાર નહીં પણ એક વિચારલક્ષી સ્ત્રી તરીકે તેમણે વર્તવાનું હતું. એમના ચહેરા પરની દુઃખની રેખા રૌદ્રમાં ફેરવાઈ ગઈ ને આજ સુધી વહાલથી હોઠ ચૂમતા એ ગાલ ઉપર સટ્ટાક દઈને ઝાપટનો અવાજ આવ્યો. એમના રૂપને જોઈ બધા છકી ગયા! બસ એક નજર સાથે ચર્ચા સમાપ્ત થઈ. બધી જ પ્રોપર્ટી હાથમાંથી લઇ અલ્પાબેન જતા રહ્યા.

બંને ભાઈઓ આખી રાત સૂઈ ન શક્યા. અલ્પાબેન હવે શું નિર્ણય લેશે? મિહિરને માફ કરશે? મિલકત તેમને આપશે? એ વિચારોએ આખી રાત પથારીમાં તરફડિયાં માર્યા. બીજે દિવસે સવારે બધા ડ્રોઇંગરૂમમાં ભેગા થયા. હવે અલ્પાબેન આવ્યા. એમની આંખોમાં મમતાને બદલે અડગતા હતી. મક્કમ ચાલ સાથે મક્કમ વિચારોને પરિવારજનો તાકી જ રહ્યા. અલ્પાબેને વિદેશ ભણતી મિત્તલને બોલાવી. બિઝનેસ આખો મિત્તલને સોંપી દીધો અને એક સામાન્ય ઘર અને બે ત્રણ દુકાનો પોતાના નામે કરી, જેના ભાડાથી એમનું ઘડપણ નીકળી જાય. બસ એટલી મિલકત એમણે રાખી.

અલ્પેશભાઈના વીમાના પૈસા અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં અપાઇ ગયા. બિઝનેસ અને બંગલો મિત્તલના નામે કરી થોડી મિલકત બંને ભાઈઓને આપી. બાકી બધી જ મિલકતોની ચેરિટી કરી દેવામાં આવી. લોભમાં બંને ભાઈઓએ બધું જ ગુમાવ્યું. સબંધો અને મિલકત બંને ગુમાવવાનો વારો આવ્યો. મિત્તલે બંને ભાઈઓ સાથે સબંધ તોડી નાખ્યા. અલ્પાબેન એકલવાયુ જીવન જીવતા અને સત્સંગ કરતા. બાળકોને સંસ્કાર ન આપ્યા, એ વાત એમને આખા ઘડપણમાં બળતરા આપતી રહી.

પણ હજી ઈશ્વરે કસોટી કરવાની બાકી રાખી હતી. મિત્તલને બધો જ કારભાર સોંપી અલ્પાબેને બહુ મોટી ભૂલ કરી. મિત્તલને બધું જ આપી તેઓ નિશ્ચિંત થઈ ગયા હતા. પણ એમને શું ખબર કે, મિત્તલ દેવાળું ફૂંકશે. દિવસે ને દિવસે ધંધામાં પડતી થવા માંડી. દારૂ અને સટ્ટા પાછળ આંધળી મિત્તલે વર્ષોની બાપદાદાની મહેનતને દાવ ઉપર લગાવવા માંડી. આધુનિકતાના આંધળા અનુકરણને લીધે “પટેલ એન્ડ સન્સ” નું નામ ડૂબવા માંડ્યુ. કાલ સુધી જેમની સાથે કામ કરવા હજારો લોકો ધક્કા ખાતા હતા, આજે એ જ લોકો એમને ગાળો આપતા હતા.

ગરીબ સામાન્ય પરિવારના પૈસા મિત્તલ “ઓહિયા” કરી ગઈ. થોડા જ સમયમાં કલ્પનાબેનને હકીકતની જાણ થઈ ને ધ્રાસકા સાથે તેમને આજે ફરી આઘાત લાગ્યો. આ આઘાત એટલો વસમો લાગ્યો કે, તેમને હાર્ટ એટેક આવી ગયો. લોકો મરતી વખતે ભગવાનનું નામ બોલે, પણ જેને કૂખે આવા સંતાનો પડ્યા હોય એવા કલ્પનાબેનના છેલ્લા શબ્દો હતા, “કપાતર પેટે પડ્યા છે મારે તો….”

આ સાથે એમની આંખો એક કડવા સત્ય સાથે હંમેશા માટે મીંચાઈ ગઈ.

હજારો લોકોની હાય અને સાથે પોતાની માં ના અંતરની હાય મિત્તલને લાગી ને થોડા જ સમયમાં તે રોડ પર આવી ગઈ. બાળકોને મોર્ડન બનાવવાની ઘેલછામાં મા-બાપ વિવેક ગુમાવી બેસે છે. જરૂરિયાતો અને મોજશોખ એટલા પણ હાવી ન થવા દઈએ કે, લાગણી પથ્થર થઈ જાય. જો આજે બાળકોમાં સંસ્કાર હોત તો અલ્પાબેન એક સંતોષ સાથે મરી શક્યા હોત.

– જયદીપ રામાણી.

મિત્રો આ વાર્તા તમને ગમી હોય તો આને લાઈક અને શેયર જરૂર કરજો.