કુમારી કંડમનું રહસ્ય, જાણો સમુદ્રમાં ડૂબીને લુપ્ત થઇ ગયેલા પ્રાચીન ભારત વિષે

0
1708

તમિલ લેખકો અનુસાર આધુનિક માનવ સભ્યતાનો વિકાસ આફ્રિકા ખંડમાં ન થઈને હિંદ મહાસાગરમાં આવેલા ‘કુમારી કંદમ’ નામના ખંડમાં થયો હતો. જો કે કુમારી કંદમ કે લેમુરિયાને હિંદ મહાસાગરમાં વિલુપ્ત થઇ ચુકેલી કાલ્પનિક સભ્યતા કહેવામાં આવે છે. આને કુમારી નાડુના નામથી પણ ઓળખવામાં આવે છે. અમુક લેખક તો આને રાવણની લંકાના નામ સાથે પણ જોડે છે, કારણ કે દક્ષિણ ભારતને શ્રીલંકા સાથે જોડવાવાળો પુલ પણ આ ખંડમાં આવે છે.

કુમારી કંદમ અથવા લેમુરિયાનો ઇતિહાસ :

તમિલ સાહિત્યકાર અનુસાર ભારતીય ઉપમહાદ્વીપમાં કુમારી કંદમ નામની એક તમિલ સભ્યતા હતી, જે હવે હિંદ મહાસાગરમાં વિલુપ્ત થઇ ચુકી છે. એ ખંડને લેમુરિયા (Lemuria) નામ ઈંગ્લીશ ભૂગોળશાસ્ત્રી ફિલિપ સ્ક્લાટર એ 19 મી સદીમાં આપ્યુ હતું. વર્ષ 1903 માં વી.જી સુર્યકુમારે આને કુમારી નાટુ (કુમારી નાડુ) અથવા કુમારી ક્ષેત્ર નામ આપ્યું હતું. કહેવામાં આવે છે આ કુમારી કંદમ જ રાવણના દેશ લંકાનું વિસ્તૃત સ્વરૂપ છે, જે વર્તમાન ભારત કરતા પણ મોટું હતું.

કુમારી કંદમની શરૂઆતની શોધ :

હિંદ મહાસાગરમાં એક ઘણા મોટા ખંડના હોવાની સંભાવનાને સૌથી પહેલા બ્રિટિશ ભૂગોળશાસ્ત્રી ફિલિપ સ્ક્લાટરે જણાવી હતી. એમણે મેડાગાસ્કર અને ભારતમાં ઘણી મોટી માત્રામાં વાંદરાના અવશેષ (Lemur Fossils) મળવા પર, અહીં એક નવી સભ્યતાના હોવાની આશંકા વ્યક્ત કરી હતી. એમણે જ આને લેમુરિયા નામ આપ્યું હતું. એમણે આ વિષય પર એક પુસ્તક પણ લખ્યું જેનું નામ ‘The Mammals of Madagascar’ હતું, જે 1864માં પ્રકાશિત થયું હતું.

કુમારી કંદમનો વિસ્તાર ક્યાં સુધી હતો?

એનું ક્ષેત્ર ઉત્તરમાં કન્યાકુમારીથી લઈને પશ્ચિમમાં ઓસ્ટ્રેલિયાના ઉત્તરી છેડા અને મેડાગાસ્કર સુધી ફેલાયેલું હતું.

ભૂગોળશાસ્ત્રી વાસુદેવન અનુસાર ‘કુમારી મોદલ’ :

ભૂગોળશાસ્ત્રી એ.આર. વાસુદેવનના અભ્યાસ અનુસાર, માનવ સભ્યતાનો વિકાસ આફ્રિકા ખંડમાં ન થઈને કુમારી હિંદ મહાસાગરના કુમારી નામના ખંડ પર થયો હતો. એમનો અભ્યાસ જણાવે છે કે, આજથી લગભગ 14,000 વર્ષ પહેલા જયારે કુમારી કંદમ જળમગ્ન થઇ ગયું તો લોકો ત્યાંથી સ્થળાંતર કરીને આફ્રિકા, યુરોપ, ચીન સહીત આખા વિશ્વમાં ફેલાઈ ગયા અને ઘણી નવી સભ્યતાઓને જન્મ આપ્યો.

આદમના પુલથી કુમારી કંદમ સભ્યતાનો સંબંધ :

ભારતના સમુદ્ર વિજ્ઞાન વિભાગની શોધ અનુસાર 15,000 વર્ષ પહેલા સમુદ્રના પાણીનું સ્તર આજથી 100 મીટર નીચે હતું, અને 10,000 વર્ષ પહેલા લગભગ 60 મીટર નીચે હતું, એટલા માટે એ વાતની પ્રબળ સંભાવના છે કે, એ સમયે ભારતના દક્ષિણી ભાગોને શ્રીલંકા સાથે જોડવા માટે એક પુલનું અસ્તિત્વ રહ્યું હોય. પરંતુ જેમ જેમ સમુદ્રના જળ સ્તરમાં વધારો થયો, એ પુલ પાણીમાં ડૂબી ગયો.

આ પુલનું અસ્તિત્વ આજે પણ ભારતથી 18 માઈલ દૂર આવેલ ‘પાકની ખાડી’ માં ‘આદમનો પુલ’ (જેને રામ સેતુ પણ કહેવામાં આવે છે) ના રૂપમાં છે. આ પુલ ચૂનાના પથ્થર, ગાદ (રેતી, પ્રવાહીમાં નીચે ઠરતો કચરો; કાટરડો) અને નાના નાના કાંકરા તથા બલુઆ પથ્થર ભેગા મળીને બન્યો છે. કદાચ એ જ પુલનું વિવરણ ધાર્મિક ગ્રંથ રામાયણમાં મળે છે. જેને ભગવાન રામે સીતા માતાની શોધ કરવા માટે પોતાની વાનર સેના(ધ્યાન રહે કે ફિલિપ સ્ક્લાટરને પોતાની શોધ દરમ્યાન વાંદરાના અવશેષ મળ્યા હતા.) પાસે બનાવડાવ્યો હતો.

આ સભ્યતાના પતનનું કારણ કયું હતું?

એવું માનવામાં આવે છે કે, હિમ યુગના અંતિમ વર્ષોમાં તાપમાન વધવાનું શરુ થઇ ગયું હતું, એ કારણે ગ્લેશિયરોનું ઓગળવાનું શરુ થયું અને સમુદ્રનું જળ સ્તર ઘણું વધી ગયું અને છેલ્લે એ સભ્યતા પાણીમાં ડૂબી ગઈ.

તમિલ લેખકો અનુસાર :

1. જયારે કુમારી કંદમ જળ મગ્ન થયું તો એનું 7,000 માઈલનું ક્ષેત્ર 49 ટુકડાઓમાં વહેંચાઈ ગયું હતું.

2. તમિલ પુનર્જાગરણ વાદિઓએ એને સંસ્કૃત અને તમિલ સાહિત્યના આધાર પર પાંડિયન મહાપુરુષો સાથે જોડ્યું છે. એ લોકો માને છે કે કુમારી કંદમના પાંડિયન રાજાનું આખા ભારતીય ઉપમહાદ્વીપ પર શાસન હતું.

આ રીતે કુમારી કંદમના સમર્થકોના તર્કના આધાર પર એ કહી શકાય છે કે, જયારે આ મહાદ્વીપ હિમ યુગના અંતમાં સમુદ્રમાં ડૂબવા લાગ્યો તો લોકોએ અલગ અલગ જગ્યાએ શરણ લીધી અને આખી દુનિયામાં ઘણી નવી સભ્યતાઓ(યુરોપ, આફ્રિકા, ભારત, મિશ્ર, ચીન વગેરે) નો વિકાસ થયો. આ પ્રકારે હવે આ કહેવું ખોટું નહિ હોય કે આધુનિક માનવ સભ્યતાનો વિકાસ આફ્રિકા ખંડ(જેવી કે માન્યતા છે) માં ન થઈને કુમારી કંદમમાં થયો હતો.

આ માહિતી જાગરણ જોશ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.