MDHના માલિક ધર્મપાલ ગુલાટીનું નિધન, જાણો કેવી રીતે ઘોડાગાડી વાળો બન્યો અરબપતિ ‘મસાલોનો શહશાહ’

0
237

1500 રૂપિયા લઈને ભારત આવ્યા હતા MDHના માલિક ધર્મપાલ ગુલાટી, જાણો કેવી રીતે બન્યા અરબપતિ. મસાલાના ‘શહેંશાહ’ અને MDH ગુપના માલિક મહાશય ધર્મપાલ ગુલાટી હવે દુનિયામાં નથી રહ્યા. 3 ડીસેમ્બર 2020 ના રોજ સવારે 5.38 વાગ્યે 98 વર્ષની ઉંમરે તેમનું અવસાન થઇ ગયું. ધર્મપાલ ગુલાટી એક સમયે ઘોડાગાડી ચલાવીને પેટ ભરવા માટે મજબુર હતા, પરંતુ પછી તેમને મસાલાની દુનિયાના બેતાજ બાદશાહ તરીકે ઓળખવામાં આવ્યા.

પાકિસ્તાનમાં જન્મેલા, દિલ્હીમાં વેપારી બન્યા : પાકિસ્તાનના સિયાલકોટમાં 27 માર્ચ 1923 ના રોજ જન્મેલા ધર્મપાલનું જીવન ઘણું સંઘર્ષથી ભરેલું રહ્યું. તેમણે ભારત-પાકિસ્તાનના ભાગલા પછી દિલ્હીમાં વસવાટ કરી લીધો, અને પેટ ભરવા માટે ઘોડાગાડી ચલાવવાનું કામ શરુ કર્યું હતું. પરંતુ સમય બદલાયો અને તેમણે પોતાના પૂર્વજોનો વેપાર મસાલાનું કામ શરુ કર્યું. દિલ્હીમાં 9 x 14 ફૂટની દુકાન ખોલી અને આજે દુનિયાભરના ઘણા શહેરોમાં તેમની એમડીએચની બ્રાંચ છે.

એક વખત ધર્મપાલ ગુલાટીએ પોતાના સંઘર્ષ ભરેલા જીવન વિષે એબીપી ન્યુઝ સાથે વાત કરતા કહ્યું હતું કે, મહેનત, ઈમાનદારી અને ધગશને કારણે જ આજે લંડન-દુબઈમાં તેમનો વેપાર છે. તેમણે પોતાના શરૂઆતના જીવન વિષે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘પાંચમાં ધોરણમાં મને શિક્ષકે ઠપકો આપ્યો તો મેં સ્કુલ છોડી દીધી. પછી જયારે હું મોટો થયો તો સુથારનું કામ કર્યું. પછી મારા પપ્પાએ મને તેમની દુકાન ઉપર બેસાડી દીધો. ત્યાર પછી હાર્ડવેયરનું કામ કર્યું.

દિલ્હીના રોડ ઉપર ચલાવી હતી ઘોડાગાડી : તેમણે આગળ વાત કરતા જણાવ્યું, ‘મને એક વખતે ઈજા થઇ તો મેં હાર્ડવેયરનું કામ છોડી દીધું. પછી હું ફરી ફરીને મહેંદીનું કામ કરવા લાગ્યો. મહેંદીના કામ પછી ફરી પપ્પા સાથે મસાલાનું કામ શરુ કર્યું. પરંતુ દેશના ભાગલામાં બધું ખલાસ થઇ ગયું. ભારતમાંથી પાકિસ્તાન અને પાકિસ્તાનથી ભારત તરફ લાશો ભરેલી ગાડીઓ આવ જા કરી રહી હતી. હું પણ આખા કુટુંબ સાથે દિલ્હી આવી ગયો. ત્યારે મારી પાસે 15૦૦ રૂપિયા હતા.’

તેમને આગળ જણાવ્યું હતું કે, ‘જયારે હું ભારત આવ્યો તો એક દિવસ ચાંદની ચોક ગયો, અમુક લોકો ઘોડાગાડી વેચી રહ્યા હતા. મેં કહ્યું ભાઈ કેટલાની છે? તો તેણે કહ્યું આઠસો રૂપિયાની. પછી મેં 650 રૂપિયામાં ઘોડાગાડી ખરીદી લીધી. કહેવાય છે ને કે બેકાર કરતા કાર સારી. પછી હું ઘણી મુશ્કેલીથી મારા ઘરે પહોંચ્યો. ઘોડાગાડી ચલાવતા આવડતું ન હતું. ચલાવવામાં ઘણી વખત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. મેં તે કામ છોડી દીધું. વર્ષ 1947 માં મેં બે મહિના સુધી ઘોડાગાડી ચલાવી.’

કેવી રીતે ઘોડાગાડીવાળામાંથી અબજોપતિ બન્યા ‘મસાલાના શહેંશાહ’ ધર્મપાલ ગુલાટી? ધર્મપાલ ગુલાટીએ કહ્યું હતું કે, ‘ઘોડાગાડીનું કામ છોડીને આખા કુટુંબે ફરીથી મસાલાનું કામ શરુ કર્યું. હળદર, મરચાનું કામ કર્યું. પછી અજમલ રોડ ઉપર નવ બાય ચૌદ ફૂટની એક દુકાન ખોલી. તેની ઉપર મેં ‘મહાશિયાં દી હટ્ટી સિયાલકોટ વાલે રજીસ્ટર્ડ’ લખ્યું. દુકાનમાં કરીયાણાની વસ્તુ પણ રાખતા હતા. વેપાર ઝડપથી વધ્યો. મેં તે સમયે જાહેરાત આપી.’

ધર્મપાલ ગુલાટીએ આગળ જણાવ્યું હતું કે, ‘મેં ફરી પંજાબ બાગમાં દુકાન લીધી. ત્યાર પછી ખારી બાવલીમાં દુકાન બનાવી. એવી રીતે જ વેપાર વધતો ગયો. હું બીજી જગ્યાએ મસાલા દળાવતો હતો પરંતુ ત્યાં એક દિવસ મસાલા દળવાવાળાએ હળદરમાં ચણા નાખીને ભેળસેળ શરુ કરી દીધી. મેં તેની ફરિયાદ પણ કરી. તે ન માન્યો. પરંતુ ઈમાનદારી મારો સિદ્ધાંત હતો. મેં પોતે મસાલાની ફેક્ટરી શરુ કરી. કામ ઘણું ઝડપથી વધી રહ્યું હતું. મેં ફરી રાજસ્થાનમાં એક ફેક્ટરી શરુ કરી. પછી દુબઈ અને લંડનમાં કામ શરુ કર્યું. પંજાબમાં ઘણી એજન્સીઓ બનાવી.’

તો મિત્રો, ધર્મપાલ ગુલાટીનું જીવન ઘણું સંઘર્ષ પૂર્ણ રહ્યું છે. આપણે સૌ તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ. ૐ શાંતિ.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.