27 વર્ષથી દુલ્હનની જેમ તૈયાર થાય છે આ ભાઈ, એનું કારણ તમને ચકિત કરી દેશે

0
456

મૃત્યુની બીકે જૌનપુરના એક વ્યક્તિને સ્ત્રીના રૂપમાં રહેવા માટે મજબુર કરી દીધો છે. માતા-પિતા, ભાઈ અને એમના બે-બે દીકરા-દીકરી સહીત પરિવારના ડઝન એક સભ્યોના થયેલા મૃત્યુથી ગભરાયેલો આ વ્યક્તિ અંધવિશ્વાસને કારણે સોળ શૃંગાર કરીને એક મહિલાની જેમ જીવન પસાર કરી રહ્યો છે.

જૌનપુર જિલ્લાના હૌજ ગામમાં સોળ શૃંગાર કરીને ઘરેલુ કામકાજ કરતો ચિંતાહરણ ચૌહાન (ઉંમર 66 વર્ષ) છેલ્લા 27 વર્ષથી મહિલાનું રૂપ ધારણ કરીને રહે છે. એની પાછળ અંધવિશ્વાસ રહેલો છે. છેલ્લા 27 વર્ષથી ચૌહાન મૃત્યુને દગો આપવા માટે રોજ એક નવવધૂની જેમ લાલ સાડી, મોટી નથણી, બંગડીઓ અને ઝુમકા પહેરે છે. ચિંતાહરણના પહેલા લગ્ન 14 વર્ષની ઉંમરમાં જ થઇ ગયા હતા, પણ થોડા દિવસમાં જ એની પત્નીનું મૃત્યુ થઈ ગયું.

21 વર્ષની ઉંમરમાં ચિંતાહરણ પશ્ચિમ બંગાળના દિનાજપુરમાં એક ઈંટની ભઠ્ઠીમાં કામ કરવા ગયા હતા. તે ત્યાં મજૂરોના ભોજન માટે અનાજ ખરીદવાનું કામ કરવા લાગ્યા. તે જ્યાંથી નિયમિત રૂપથી અનાજ ખરીદતા હતા એ દુકાનનો માલિક એનો મિત્ર બની ગયો.

ચાર વર્ષ પછી ચૌહાને એ દુકાનદારની દીકરી સાથે લગ્ન કરી લીધા. પણ ચૌહાનના પરિવારે આ લગ્ન સ્વીકાર્યા નહિ, તો ચૌહાને પોતાની બંગાળી પત્નીને છોડી દીધી અને ઘરે આવી ગયા. એનાથી દુઃખી થઈને એ છોકરીએ આત્મહત્યા કરી લીધી. એક વર્ષ પછી ચૌહાન ત્યાં ગયો ત્યારે તેને એની જાણકારી થઈ.

એ પછી ચિંતાહરણે ત્રીજા લગ્ન કર્યા. લગ્નના થોડા મહિના પછી તે બીમાર પડી ગયો અને એના પરિવારના સભ્યો એક એક કરીને મરવા લાગ્યા. ચિંતાહરણના પિતા રામ જિયાવાન, મોટો ભાઈ છોટઉ, એમની પત્ની ઇંદ્રાવતી, એમના બે દીકરા, બીજા ભાઈ બડેઉ આ બધાના મૃત્યુ ખુબ ઓછા અંતરાળમાં થઈ ગયા. એ પછી ચિંતાહરના ભાઈઓની ત્રણ દીકરીઓ અને ચાર દીકરાઓના મૃત્યુ ખુબ જલ્દી થઈ ગયા.

ચૌહાને કહ્યું કે, મારી બંગાળી પત્ની સતત મારા સપનામાં આવતી હતી. તે મારી પર દગો આપવાનો આરોપ લગાવતી અને જોર જોરથી રડતી. એક દિવસ સપનામાં મેં એની માફી માંગી અને મને અને મારા પરિવારને માફ કરવાની વિનંતી કરી. એણે મને કહ્યું કે, હું નવવધૂના કપડામાં એને મારી સાથે રાખું. અને હું એવું કરવા માટે રાજી થઈ ગયો. એ દિવસથી હું નવવધૂ બનીને રહું છું. એ પછી પરિવારમાં મૃત્યુનો સિલસિલો અટકી ગયો છે.

ચૌહાને કહ્યું કે એમની તબિયત પણ સારી થઈ ગઈ છે, અને એમના દીકરા રમેશ અને દિનેશ પણ સ્વસ્થ થઈ ગયા છે. જો કે થોડા વર્ષો પહેલા એમની પત્નીનું મૃત્યુ થયું હતું. ચિંતાહરણે જણાવ્યું કે, શરૂઆતમાં લોકોએ મારી મજાક ઉડાવી, પણ મેં આ બધું મારા પરિવારને બચાવવા માટે કર્યું. હવે લોકોના દિલમાં મારા માટે સહાનુભૂતિ છે.

અંધવિશ્વાસના ચક્કરમાં ચિંતાહરણ દ્વારા મહિલાનો વેશ ધારણ કરવાના નિર્ણયને ગામવાળા પણ સાચો માનવા લાગ્યા છે. આને ચિંતાહરણનું ગાંડપણ માનીએ અથવા અંધવિશ્વાસ, પણ તે સપનાની વાત પર અડગ છે અને સ્ત્રીના વેશમાં રહીને પોતાના બે બાળકોનું મૃત્યુથી રક્ષણ કરી રહ્યા છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.