શેરડીના કચરામાંથી ક્રોકરી બનાવે છે સોફ્ટવેર એન્જીનીયર, દર મહિને મળી રહ્યા છે 200 થી વધારે ઓર્ડર.

0
213

20 વર્ષ જુદી જુદી મલ્ટીનેશનલ કંપનીઓમાં કર્યું કામ, હવે નોકરી છોડી શેરડીના કચરામાંથી ક્રોકરી બનાવી કરી રહી અઢળક કમાણી. આજની સફળતાની સ્ટોરીમાં આપણે જાણીશું વિશાખાપટ્ટનમની રહેવાસી વિજય લક્ષ્મી વિષે. વિજય લક્ષ્મી સોફ્ટવેર એન્જીનીયર છે. લગભગ 20 વર્ષ તેમણે અલગ અલગ મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કર્યું છે. પણ છેલ્લા બે વર્ષથી તે નોકરી છોડીને પોતાનું સ્ટાર્ટઅપ ચલાવી રહી છે. તે શેરડીના કચરા (વેસ્ટ) માંથી ઇકોફ્રેન્ડલી ક્રોકરી પ્રોડક્ટ્સ તૈયાર કરી માર્કેટમાં સપ્લાઈ કરી રહી છે. તેમને દર મહીને 200 થી વધુ ઓર્ડર મળી રહ્યા છે. ઘણી મોટી હોટલોમાં પણ તેમની પ્રોડક્ટ્સ જાય છે. તેનાથી તે સારો એવો નફો કમાઈ રહી છે.

કેવી રીતે મળ્યો આઈડિયા? 53 વર્ષની વિજય લક્ષ્મી જણાવે છે કે, હું નોકરી દરમિયાન હંમેશા પ્લાસ્ટિક કચરા (વેસ્ટ) ની વૈકલ્પિક યોજના વિષે વિચારતી રહેતી હતી. તેની સાથે સંબંધિત વિષય ઉપર રીસર્ચ પેપર્સ વાંચતી રહેતી હતી. ત્યારે મને માહિતી મળી કે, આપણી પાસે એવા ઘણા કુદરતી કચરા (નેચરલ વેસ્ટ) છે જેને પ્રોસેસ કરી ક્રોકરી પ્રોડક્ટ્સ બનાવી શકાય છે. ઘણા લોકો આ પ્રકારનું કામ પણ કરી રહ્યા છે. આમ તો તેની સંખ્યા ઘણી ઓછી છે. ત્યાર પછી મેં નક્કી કર્યું કે, હું પણ કુદરતી કચરામાંથી ક્રોકરી તૈયાર કરીશ, ભલે તે નાના પાયે કેમ ન હોય.

વિજય લક્ષ્મીએ ચાર પાંચ વર્ષ સુધી પ્રોસેસ અને ક્રોકરીના બિઝનેસને સમજ્યો. તેની સાથે જોડાયેલા લોકો પાસેથી માહિતી મેળવી. પછી જયારે તેને લાગ્યું કે, હવે તે પોતાના લેવલ ઉપર કાંઈક કામ શરુ કરી શકે છે, તો ડીસેમ્બર 2018 માં તેમણે પોતાનું સ્ટાર્ટઅપ લોન્ચ કર્યું.

માર્કેટિંગ માટે કઈ પદ્ધતિ અપનાવી? પ્રોડક્ટ તૈયાર થઇ ગયા પછી શરુઆતમાં વિજય લક્ષ્મીએ પોતાના સંબંધીઓ અને આસપાસના લોકોને આ ક્રોકરી વિષે જણાવ્યું અને તેને વાપરવાની સલાહ આપી. લોકોએ ટ્રાયલ બેઝ ઉપર તેમની પ્રોડક્ટનો ઉપયોગ કર્યો. મોટાભાગના લોકોને વિજય લક્ષ્મીનું કામ પસંદ આવ્યું, અને તેઓ તેમની પ્રોડક્ટ ખરીદવા લાગ્યા.

ત્યાર પછી તેમણે સોશિયલ મીડિયાની પણ મદદ લીધી અને પોતાની પ્રોડક્ટનું પ્રમોશન કર્યું. તેનાથી પણ ગ્રાહકોની સંખ્યા વધી. હાલમાં તેમના સો થી વધુ નિયમિત ગ્રાહકો છે. તેની સાથે જ ઘણી મોટી કંપનીઓ અને હોટલો માટે પણ તે પ્રોડક્ટ તૈયાર કરી રહી છે. લગ્ન અને તહેવારોની સીઝનમાં તેમની પ્રોડક્ટની માંગ વધી જાય છે. તેની સાથે જ તે અલગ અલગ એક્સપોમાં પણ પોતાની પ્રોડક્ટના સ્ટોલ લગાવે છે. ત્યાંથી પણ સારી એવી સંખ્યામાં લોકો ખરીદી કરે છે.

લોકલ મેન્યુફેક્ચરર સાથે પણ કર્યું છે ટાઈઅપ : વિજય લક્ષ્મી હાલ શેરડીના કચરામાંથી બનેલી ઇકોફ્રેન્ડલી વાટકી, કપ, પ્લેટ, ક્રોકરી અને પેકિંગ બોક્સ જેવી વસ્તુનો બિઝનેસ કરી રહી છે. તે જણાવે છે કે, હું આ પ્રોડક્ટ લોકલ લેવલ ઉપર તે લોકો પાસેથી પણ ખરીદું છું, જે પ્રોડક્ટ તૈયાર કરે છે. એવા ઘણા લોકલ મેન્યુફેક્ચરર સાથે મેં ટાઈઅપ કર્યું છે. જે મારી માંગ મુજબ પ્રોડક્ટ તૈયાર કરે છે. તેનાથી તેમને પણ ફાયદો થાય છે અને તે ખેડૂતોને પણ જેમની પાસેથી તેઓ શેરડીનો કચરો ખરીદે છે.

વિજય લક્ષ્મી જણાવે છે કે, આ પ્રોડક્ટ સંપૂર્ણ રીતે બાયોડીગ્રેડેબલ છે, જે કચરામાં ફેંકી દેવાથી 90 દિવસની અંદર ઓગળી જાય છે. જો કોઈ પ્રાણી તે ખાય તો પણ તેના આરોગ્ય ઉપર ખરાબ અસર નહિ પડે, કેમ કે તે નુકશાનકારક નથી. આમ પણ આપણે ખેતરોમાંથી કાઢવામાં આવતા ઘાંસમાંથી જ પ્રાણીઓનો ચારો તૈયાર કરીએ છીએ. તેની સાથે જ આપણે તેને માઈક્રોવેવ કે ફ્રીઝમાં પણ રાખી શકીએ છીએ. તેની કોઈ આડઅસર નથી.

લોકોની માંગ મુજબ તૈયાર કરાવે છે પ્રોડક્ટ : વિજય લક્ષ્મી જણાવે છે કે, અમે કસ્ટમાઈઝ ક્રોકરી બનાવીએ છીએ. ઘણા ગ્રાહક અમારી પાસે પોતાની જરૂરિયાત મુજબ પ્રોડક્ટની માંગણી કરે છે. જેમ કે કોઈને પ્લેટ રાઉન્ડ રાખવી હોય છે, તો કોઈને ચોરસ, તો કોઈને જરૂરિયાત મુજબ આકાર જોઈતો હોય છે. તે હિસાબે જ હું લોકલ મેન્યુફેક્ચરરને ઓર્ડર આપું છું. પછી અમારી પાસે ક્રોકરી બનીને આવે છે અને અમે તેને સંબંધિત ગ્રાહક પાસે મોકલીએ છીએ. તે જણાવે છે કે, અત્યાર સુધીમાં મેં ઘણા મોટા ઈવેંટસ માટે ક્રોકરી તૈયાર કરી છે.

આગળ પોતાની પ્રોસેસિંગ યુનિટ લગાવવાની યોજના : લોકડાઉન દરમિયાન વિજય લક્ષ્મીના બિઝનેસ ઉપર થોડી અસર પડી. લગભગ એક વર્ષ સુધી બંધ રહ્યો, પરંતુ એક ફાયદો એ પણ થયો કે, હવે લોકોમાં જાગૃતતા વધી છે, લોકો નેચરલ પ્રોડક્ટ્સની માંગણી કરવા લાગ્યા છે. તે જણાવે છે કે, ધીમે ધીમે જ ખરી પણ તેમની પ્રોડક્ટ્સની માંગ વધી રહી છે. તેમનો આગળનો પ્રયત્ન એ છે કે, તે પોતાનું જ મેન્યુફેક્ચરિંગ યુનિટ લગાવે. જયારે તે મેન્યુફેક્ચરર હશે, તો પ્રોડક્ટની કિંમત ઘટશે અને તેમને બચત પણ વધુ થશે.

શેરડીના કચરામાંથી ક્રોકરી કેવી રીતે બને? શેરડીના કચરામાંથી ક્રોકરી બનાવવા માટે સૌથી પહેલા શેરડીમાંથી નીકળતી છાલ અને તેના પાંદડાને તડકામાં સૂકવવામાં આવે છે. ત્યાર પછી તેના ટુકડા કરીને પાણીમાં પલાળી દેવામાં આવે છે. જયારે તે વેસ્ટ પાણીમાં ઓગળી જાય છે પછી તે લુગદી (પેસ્ટ) જેવું બની જાય છે, ત્યારે તેને સારી રીતે મિક્સ કરી દેવામાં આવે છે. પછી મશીનની મદદથી તેને મન પસંદ આકારમાં ઢાળી લેવામાં આવે છે. આ રીતે ક્રોકરીનું નિર્માણ થાય છે. દેશમાં ઘણી સંસ્થાઓમાં તેની તાલીમ પણ આપવામાં આવે છે. નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાંથી તેના વિષે માહિતી પ્રાપ્ત કરી શકાય છે.

વિજય લક્ષ્મી જણાવે છે કે, પર્યાવરણ માટે લોકોએ આવા પ્રકારના ઈનોવેશન સાથે જોડાવું જોઈએ. બ્રાઝીલ પછી ભારતમાં સૌથી વધુ શેરડીનું પ્રોડક્શન થાય છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્નાટક, તમિલનાડુ જેવા રાજ્યોમાં શેરડી પુષ્કળ પ્રમાણમાં થાય છે. દર વર્ષે તેમાંથી નીકળતા હજારો ટન કચરાને સળગાવી દેવામાં આવે છે, અથવા તો ફેંકી દેવામાં આવે છે. આ રીતે બગાડ પણ એક મોટો પડકાર છે. જો યોગ્ય રીતે તેના વેસ્ટનું મેનેજમેન્ટ કરવામાં આવે તો કમાણીની સાથે સાથે પર્યાવરણને પણ બચાવી શકાય છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.