મહેસાણામાં સ્વયંભૂ લોકડાઉન તેમજ આણંદ સહિત 7 નગરપાલિકામાં પણ લોકડાઉન, જાણો કેટલા દિવસ બંધ રહેશે?

0
93

વાયરસના પ્રકોપને કારણે ગુજરાત સહીત દેશના ઘણા બધા રાજ્યોની સ્થિતિ ફરીથી ખરાબ થઈ ગઈ છે. ઘણા વિસ્તારોમાં નાઈટ કર્ફ્યુ તો ઘણા ક્ષેત્રોમાં લોકડાઉન જેવા કડક નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. એવામાં બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક વિસ્તારો સ્વૈચ્છિક રીતે બધું બંધ કરવાનો નિર્ણય લઇ રહ્યા છે, એટલે કે સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરી રહ્યા છે.

મહેસાણા શહેરમાં આજે નગરપાલિકા દ્વારા ટાઉનહોલ ખાતે વેપારી એસોસિએશન અને વેપારી અગ્રણીઓ તેમજ સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં સંક્રમણ અટકાવવા પરામર્શ બેઠક યોજવામાં આવી હતી. જેમાં 22 એપ્રિલથી 2 મે સુધી બજારો સંપૂર્ણ રીતે બંધ રાખી લોકડાઉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસાણા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન પટેલ અને ચીફ ઓફિસર અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, શહેર અને જિલ્લામાં મહામારીના કેસો ચિંતાજનક હદે વધી રહ્યા છે, આથી નાયબ મુખ્યમંત્રીની સૂચના મુજબ નગરપાલિકા હવે કોઈ પણ ભોગે તેની ચેઈન તોડવા મક્કમ છે.

કચ્છમાં મુન્દ્રામાં 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. અહીં ગુરૂવારથી સોમવાર સુધી સ્વૈચ્છિક લોકડાઉન આપવામાં આવ્યું છે. સંક્રમણ વધતા લોકો દ્વારા આ નિર્ણય લેવાયો છે, જેમાં MLA, વેપારી, આરોગ્ય કર્મીની પણ એક બેઠક મળી હતી. તેમજ દેત્રોજ તાલુકામાં પણ 22 એપ્રિલથી 29 એપ્રિલ સુધી લોકડાઉન આપવામાં આવ્યું છે. દેત્રોજ, રામપુરા અને કટોસણ રોડ પર આવેલા બજાર 7 દિવસ સુધી બંધ રહેશે. આ નિર્ણય તાલુકા પંચાયત કચેરીમાં અધિકારીઓ અને વેપારી મંડળોની બેઠકમાં લેવાયો હતો.

વિસનગરમાં મહામારીને કારણે સ્થિતિ બગાડતા વિસનગર શહેરના વેપારી મહામંડળના પ્રમુખ કાળુભાઈ પટેલ અને કોપરસિટી તેમજ 56 જેટલા વેપારી એસોસિએસનની મીટિંગ મળી હતી. તેમાં સંક્રમણ વધતા વેપારી મહામંડળે શહેર અને પંથકના ગામડાની ચિંતા વ્યક્ત કરી વાયરસની ચેઈન તોડવા માટે 22 એપ્રિલથી 25 એપ્રિલ સુધી સંપૂર્ણ વિસનગર શહેર અને કાંસા એન.એ.વિસ્તારના તમામ વેપારીઓ તેમના ધંધો રોજગાર સદંતર બંધ રાખશે એવો નિર્ણય લેવાયો છે. જેમાં દુધની દુકાન સવારે 5:00 થી 9:00 વાગ્યા સુધી ચાલું રાખાશે અને મેડીકલ અને દવાખાના આખો દિવસ ચાલું રહેશે એવી જણાવાયું છે.

નાયબ મુખ્યમંત્રીની સૂચના અનુસાર શહેરના 7 વિસ્તારમાં શાકભાજી અને ફળની લારીવાળાઓ અને પાથરણાવાળાઓને 30 એપ્રિલ સુધી ઉભા રહેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અને અન્ય સ્થળ પર પણ લારીવાળાઓને 15 ફૂટના અંતરે ઉભા રહેવા કહેવામાં આવ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે.

હવે સંક્રમણની ચેઈન તોડવા માટે વિવિધ વિસ્તારો તેમજ રાજ્યના નાના મોટાં તાલુકા અને જિલ્લાઓના ગામડાઓના જાગૃત નાગરિકો અને વેપારીઓ સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરતા દેખાઈ રહ્યા છે. પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે શહેરીજનો અને વેપારીઓ સ્વૈચ્છિક બંધ પાળવા આગળ આવ્યા છે.

આજે (મંગળવારે) ગુજરાતમાં આણંદ સહિત ઉમરેઠ, કરમસદ, ખંભાત, વિદ્યાનગર, પેટલાદ, બોરસદ એમ કુલ સાત નગરપાલિકાઓમાં આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી સાંજે 5 વાગ્યા પછી તમામ લારી, ગલ્લા અને બજાર બંધ રાખવા માટે જણાવ્યું છે. આ જાહેર નામું 20 એપ્રિલથી 30 એપ્રિલ સુધી અમલી રહેશે. આ આંશિક લોકડાઉનમાં તારાપુર ગ્રામપંચાયતનો પણ સમાવેશ થાય છે