“મગ દાળનો શીરો” નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે, તો જાણીલો એને બનાવવાની રીત.

0
2034

મિત્રો, મગ દાળનો શીરો ખાવામાં ઘણો જ સ્વાદિષ્ઠ હોય છે. અને એમાં પણ કેસર અને ઈલાયચીની સુગંધ અને સ્વાદ આ શીરાની મીઠાશમાં ખુબ જ વધારો કરે છે. જો કે ખાંડ અને દાળ આ શીરાને કેલરીથી ભરપુર, પોષ્ટિક અને પચવામાં ભારે બનાવે છે. એટલે આ શીરો વધુ પ્રમાણમાં ન ખાવો જોઈએ એવી સલાહ આપવામાં આવે છે. તેમ છતાં આને ખાવાની શરૂઆત કર્યા પછી હિસાબ રહેતો નથી કે, કેટલો આને ખાવો ને કેટલો નહિ. કેમ કે તેનો સ્વાદ જ એવો હોય છે, કે રહેવાતું નથી. આજે અમે તમારા માટે મગ દાળનો શીરો બનાવવાની રીત લઈને આવ્યા છીએ, જેથી તમે જાતે જ આને બનાવીને એના સ્વાદનો આનંદ લઈ શકો. પણ એની રીત જણાવતાં પહેલા એ જણાવી દઈએ કે, આ શીરો બનાવવામાં થોડી કાળજી રાખવી પડે છે. એના માટે દાળને સારી રીતે વટવામાં આવે તેનું ધ્યાન રાખવું પડે છે, નહી તો શીરાની જે ખરેખર જોઈએ એવી મજા અને ટેસ્ટ આવશે નહી.

મગ દાળના શીરા માટે જરૂરી વસ્તુઓની યાદી :

1 વાટકી ફોતરા વગરની મગ દાળ,

1.25 વાટકી ખાંડ,

1/5 વાટકી ગરમ દૂધ,

1/2 વાટકી ગરમ પાણી,

3 ચમચી ઘી,

1/2 ચમચી ઈલાયચીનો પાવડર,

કેસરના તાંતણા.

શીરો બનાવવાની રીત :

સૌથી પહેલા તો ફોતરા વગરની મગ દાળને બરોબર ધોઈ લો. પછી તેને જરૂર મુજબના પાણીમાં 3 થી 4 કલાક સુધી પલળવા માટે મૂકી રાખો. ત્યારબાદ તેમાંથી બધું પાણી નીતારી લો.

અને ત્યારબાદ એમાં બીજું પાણી નાખ્યા વગર જ તેને મીક્ષરમાં વાટી લો. બીજી તરફ એક ચમચી ગરમ દુધમાં 1 ચમચી કેસર નાખી તેને પલળવા મૂકી રાખો. પછી નોન સ્ટીક કડાઈમાં ઘી ગરમ કરો. અને ધીમા તાપે એમાં વાટેલી દાળ ઉમેરતા જઈને હલાવતા રહો. જણાવી દઈએ કે, શરૂઆતમાં આ વાટેલી દાળ પેસ્ટ જેવું દેખાશે, પછી જેમ જેમ તે શેકાતી જશે તેમ તેમ તે છુટી પડવા લાગશે.

તમે આને એકધારું હલાવતા રહો, અને દાળના ગઠ્ઠા પડે તો તેને છુટા પાડતા રહેવું. આ મિશ્રણ પીળા રંગનું થાય ત્યાં સુધી એને શેકતા રહો. હવે જયારે દાળ શેકાઈ જાય એટલે તેમાં ગરમ દૂધ અને પાણી નાખી દો, અને એને હલાવતા રહો.

આને ત્યાં સુધી શેકતા રહો જ્યાં સુધી તે એકદમ કોરું ન થઇ જાય. હવે તેમાં ખાંડ નાખો અને તેમાંથી ધી છુટું પડી જાય ત્યાં સુધી એને શેકવાનું ચાલુ રાખવું. પછી કેસરવાળા દુધમાં ઈલાયચી નાખીને એને આમાં મિક્સ કરી દો. આ શીરાને બદામ પીસ્તા કે બીજા સુકા મેવાથી સજાવીને ગરમા ગરમ જ પીરસો.

આને ફ્રીઝમાં પણ રાખી શકાય છે. પણ આને ફરી વખત ઉપયોગમાં લેવા માટે તેમાં ગરમ કરતી વખતે તેમાં દૂધ અથવા પાણી નાખવું નહી. આને માઈક્રોવેવમાં પણ ગરમ કરી શકો છો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.