સુરતનો ચોંકાવનારો કિસ્સો, લિવ-ઇનમાં રહેલી પ્રેમિકા ગર્ભવતી બનતા પ્રેમીએ શંકાના આધારે કર્યું ન કરવાનું કામ, જાણો.

0
288

આજકાલ પ્રેમ પ્રકરણમાં શંકાને લીધે ખોટું પગલું ભરવાના ઘણા બનાવો સામે આવી રહ્યા છે. શંકાને કારણે પોતાના પાર્ટનર સાથે ઝગડા, મારામારીથી લઈને હત્યા સુધીના બનાવો બની રહ્યા છે. અને હાલમાં સુરત જિલ્લાના બારડોલી તાલુકામાંથી એક એવો જ બનાવ સામે આવ્યો છે. તેમાં લિવ ઈન રિલેશનશિપમાં રહેતા એક પરિણીત યુવકે પોતાની પ્રેમિકાની હત્યા કરી દીધી હતી. અને પ્રેમિકાની હત્યા કર્યા બાદ તેની લાશને પોતાના સસરાના ખેતમાં દાટી દીધી હતી. તે યુવકની પ્રેમિકા બીજી વખત ગર્ભવતી બનતા તેના પર થયેલી શંકાના આધારે પરિણીત પ્રેમીએ તેનું ગળું દબાવી હત્યા કરીને તેની લાશ સંતાડી દીધી હતી.

સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કીકવાદ ગામના વતની એવા ચિરાગ સુરેશ પટેલે પોતાની પ્રેમિકાની હત્યા કરી હતી. આરોપી ચિરાગના લગ્ન થયા હોવા છતાં પણ તેણે પોતાના ગામમાં જ રહેતી અન્ય યુવતી જેનું નામ રશ્મિ કટારીયા હતું તેની સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારબાદ તે રશ્મિને લઈને બારડોલીના બાબેન ગામમાં આવેલા લગઝુરા એપાર્ટમેનમાં ફ્લેટ નંબર 301 માં ભાડે રહેવા જતો રહ્યો હતો.

ચિરાગ અને રશ્મિના લિવ ઈન રિલેશનમાં તેમનું એક ત્રણ વર્ષનું બાળક પણ છે. ચિરાગ, રશ્મિ અને તેમનું બાળક ભાડાના મકાનમાં રહીને પોતાનું જીવન જીવી રહ્યા હતા. પણ લગભગ ત્રણેક મહિના પહેલા રશ્મિ ફરીથી ગર્ભવતી બનતા તે બંને વચ્ચે ઝગડા શરૂ થયા હતા. ઝગડાનું કારણ એ હતું કે, ચિરાગને એવી શંકા હતી કે રશ્મિના ગર્ભમાં રહેલા બાળકનો પિતા અન્ય કોઈ વ્યક્તિ છે. અને આ શંકાને લીધે તેમનો ઝગડો હત્યા સુધી પહોંચ્યો.

થોડા દિવસો અગાઉ જ દિવાળીનો તહેવાર હોવાથી રશ્મિના માતા-પિતાએ તેને ઘરે બોલાવવા માટે ફોન કર્યો હતો, પણ તેનો ફોન બંધ આવ્યો હતો. તેમણે અન્ય રીતે તેનો કોન્ટેક્ટ કરવા પ્રયત્ન કર્યા પણ તેઓ નિષ્ફ્ળ રહ્યા રહે, અને રશ્મિની કોઈ ભાળ થઈ નહિ. પછી તેમણે બારડોલી પોલીસ સ્ટેશનમાં રશ્મિના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

એક દિવસ રશ્મિના પરિવારજનો તેને શોધવા માટે બાબેનમાં આવેલા તેના ઘરે આવ્યા, ત્યારે તેમને ત્યાં રશ્મિ મળી નહતી. ત્યાં કામવાળી સાથે તેનું ત્રણ વર્ષનું બાળક જ હતું . પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી કરીને ચિરાગની શોધખોળ શરૂ કરી હતી. ત્યારબાદ પોલીસે ચિરાગની ધરપકડ કરીને તેની આકરી પૂછપરછ કરી, જેમાં ચિરાગ ભાંગી પડ્યો અને કબૂલાત કરી કે તેણે જ પોતાની પ્રેમિકા રશ્મિને મોતને ઘાટ ઉતારી દીધી હતી.

ચિરાગે પોલીસ સામે કબૂલાત કરી કે તેણે પોતે જ પોતાની ગર્ભવતી પ્રેમિકા રશ્મિને 14 મી તારીખે ગળું દબાવીને મારી નાંખી, અને પછી પોતાના સસરાના ખેતર (વાલોડ તાલુકાના નવા ફળીયા નજીક) માં ખાડો ખોડી તેની લાશ દાટી દીધી હતી. ત્યારબાદ બારડોલી પોલીસ, ડીવાયએસપી, એફએસએલ સહીતનો કાફલો તે ખેતર પાસે પહોંચ્યો હતો. ત્યાં JCB ની મદદથી ખોદકામ કરતા તેમને રશ્મિની લાશ મળી આવી હતી. પોલીસે ચિરાગ પટેલ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ તેમજ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ ST, SC સેલના ડીવાયએસપીએ હાથ ધરી હતી.