આ રીતે ઘરે જ બનાવો સોઝનેબલ લીલવાની કચોરી, જાણો એને બનાવવાની રેસીપી

0
487

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમને લીલવાની કચોરી બનાવવાની રેસિપી જણાવવાના છીએ. જેવું કે તમે જાણતા જ હશો કે લીલવાની કચોરી ગુજરાતનું ઘણું પ્રખ્યાત ફરસાણ છે. અને આને ઘરે બનાવવું એકદમ સરળ છે. તો આવો તમને જણાવીએ કે લીલવાની કચોરી ઘરે કેવી રીતે બનાવી શકાય.

સૌથી નીચે એનો વિડિઓ પણ છે, તમે એમાં પણ એની રીત જોઈ શકો છો.

જરૂરી સામગ્રી :

તુવેરના દાણા – 400 ગ્રામ (તુવેરને સાફ કરી દેવી)

સૂકી દ્રાક્ષ – 8-10 નંગ

ખાંડ – 2 ટેબલ સ્પૂન

કાજુ – 8-10 નંગ

તેલ – 1.5 ટેબલ સ્પૂન

હિંગ – 1/5 ટેબલ સ્પૂન

તલ – 1 ટેબલ સ્પૂન

વાટેલા તીખા મરચા – 1 ટેબલ સ્પૂન

મીઠું – સ્વાદ અનુસાર

લીંબુનો રસ – 1 ટેબલ સ્પૂન

ગરમ મસાલો – 1/5 ટેબલ સ્પૂન

નાના બટકા – 4 નંગ (અંદાજે 100 ગ્રામ)

થોડા પ્રમાણમાં કોથમીર

લોટ બનાવવા માટેની સામગ્રી :

મેદો – 1.5 કપ

લીંબુનો રસ – 1/4 ટેબલ સ્પૂન

ચોખાનો લોટ – 1/5 કપ

મીઠું – સ્વાદ અનુસાર

કોર્ન ફ્લોર – 1 ટેબલ સ્પૂન

તેલ – 3 ટેબલ સ્પૂન

બનાવવાની રીત :

સૌથી પહેલા તો 400 ગ્રામ તુવેરના દાણા લો. (મિત્રો જો તમારા ઘરમાં કોઈ ઉંમર લાયક વ્યક્તિ હોય, અથવા તો નાનું બાળક હોય અને તેને કચોરી ખાવાની હોય, ત્યારે આ દાણાને પાણીમાં બાફી લેવાના છે.) આ દાણાને ક્રશ કરી લો. પછી એક કઢાઈમાં 1.5 ટેબલ સ્પૂન તેલ નાખવું ગરમ કરવા મુકો. અને તેમાં 8-10 સૂકી દ્રાક્ષ, 8-10 કાજુ નાખો.

ત્યારબાદ ગેસને ધીમો કરીને 1 ટેબલ સ્પૂન તલ, 1/5 ટેબલ સ્પૂન હિંગ, 1 ટેબલ સ્પૂન વાટેલા તીખા મરચા નાખવા. ધ્યાન રહે કે તળતી વખતે તેનો કલર લીલો રાખવો. કારણકે તેમાં લાલ મરચાનો પાઉડર નથી નાખવાના એટલે લીલા મરચા સરખા પ્રમાણમાં નાખવાના અને ત્યારબાદ મિક્ષ કરી લો.

આ બધું મિક્ષ કર્યા પછી ક્રશ કરેલા તુવેરના દાણા તેમાં નાખી દો. અને એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. ત્યારબાદ ગેસને મીડીયમ રાખીને તેને સેકવાનું છે. (નોન સ્ટિકની કડાઈ ઉપયોગમાં લેવાથી તેલ પણ ઓછું ઉપયોગમાં લેવાય અને તેને સતત હલાવતા પણ ન રહેવું પડે, જો તમે એલ્યુમિનિયમની કઢાઈ લો છો તો તેલ થોડું વધારે પ્રમાણમાં લેવું અને તેને સતત હલાવતા રેહવું પડશે.)

દર બે-ત્રણ મિનિટે આને હલાવી દેવાનું, કારણકે તેનાથી બધું ઉપર નીચે થઇ જાય. જેમ જેમ તેમાંથી મોઈશયર ઓછું થવા લાગશે તેમ તે છૂટું પાડવા લાગશે. અને 70 થી 80 ટકા જેટલું મોઈશયર ઓછું થઇ જાય પછી તેમાં 2 ટેબલ સ્પૂન ખાંડ નાખવી. ત્યારબાદ ગેસને ફૂલ કરી તેને મિક્ષ કરી લેવાનું.

એક વાતનું ધ્યાન રહે કે કોઈપણ કોરી વસ્તુમાં ખાંડ નાખતા સમયે ગેસને ફૂલ કરી ખાંડ નાખવી, નહિ તો ખાંડ બરોબર મિક્ષ નહિ થાય. ખાંડ મિક્ષ થઇ ગયા બાદ ફરીની ગેસ મીડીયમ કરી દેવો. તેનું પૂરું મોઈશચર બળી જાય (10 મિનિટ સુધી સમય લાગે મોઈશચરને બળતા) ત્યાર બાદ ગેસ બંધ કરી દો.

ત્યાર બાદ તેમાં 1/5 ટેબલ સ્પુન ગરમ મસાલો નાખવો, 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ નાખી મિક્ષ કરી લો. (જયારે પણ લીંબુનો રસ નાખશો ત્યારે ગેસ બંધ કરીને નાખવો) ત્યારબાદ તેમાં થોડા પ્રમાણમાં કોથમીર નાખવી ફરી તેને એક વાર મિક્ષ કરી લો. ત્યાર બાદ તેને ઠંડુ કરવા મૂકી દો.

હવે તમારે એનો લોટ બાંધવાનો છે. તો એના માટે 1.5 કપ મેદો અને 1/5 કપ ચોખાનો લોટ લેવો. તેમાં એક ટેબલ સ્પૂન કોર્નફ્લોર નાખવું. એમાં સ્વાદ અનુસાર મીઠું નાખવું, અને બધું સારી રીતે મિક્ષ કરી દેવાનું છે. હવે તેમાં 3 ટેબલ સ્પૂન તેલ નાખવું અને તેને સારી રીતે મિક્ષ કરી, તેમાં 1/4 ટેબલ સ્પૂન લીંબુનો રસ નાખવો અને ત્યાર બાદ ઠંડા પાણીથી તેનો લોટ બાંધવાનો.

મિત્રો કચોરીનો લોટ ઢીલો ન બને એટલા માટે પાણી ધીમે ધીમે નાખવું. નોર્મલ જે પૂરીનો લોટ બનવામાં આવે છે તે પ્રમાણે બાંધવાનો છે. લોટ બાંધ્યા બાદ તેમાં થોડું તેલ લઈને તેને 3 થી 4 મિનિટ મસળવાનું અને જયારે લોટ બની ગયા પછી તેને 10 મિનિટ સુધી ઢાંકી દઇશુ.

સ્ટફિંગ એકદમ ઠંડુ થઇ ગયા બાદ તેમાં 4 નાના બટાકા બાફીને તેની છાલ કાઢીને સ્ટફીંગમાં નાખી દો. ત્યાર બાદ બટાકાને ચુરીને તેને મિક્ષ કરી લો. સારી રીતે મિક્ષ કરી જેના દ્વારા તમે તેના ગોળા બનાવી શકો. ત્યારબાદ સ્ટફીંગને લાડુની જેમ તેના ગોળા બનાવી લેવાના છે.

હવે 10 મિનિટ પછી એ લોટને તમારે એક વાર ફરી મસળવાનો છે. હવે તેના લુવો બનાવીલો, અને તેની મીડીયમ સાઈઝની પુરી વણવાની છે. બધી પુરી વણાય ગયા બાદ તેની વચ્ચે સ્ટફિંગનો બોલ બનાવ્યો છે તે મૂકી દેવાનો છે. પછી તેની બધી સાઈડ ભેગી કરતા જવી (જેમ મોદક બનાવતી સમયે કરવામાં આવે તેમ).

હવે બધી સાઈડથી ભેગો થયેલો છે તેને આંગળીથી થોડો થોડો ખેંચીને જે વધારેનો લોટ છે તે કાઢી લો. કચોરીમાં તિરાડ ન પડે તે વાતનું ધ્યાન રાખવાનું છે. જો તમારે ગોળ આકાર જોઈતો હોય તો તેમજ રાખવું અને જો તમે બીજો આકાર કરવા માંગો છો તો બંને હાથ વડે તેને દવાબી એને આકાર આપવો. પણ ધ્યાન રહે કે તે ક્યાંથી ક્રેક નહિ થાય.

હવે કાચી કચોરી બનીને તૈયાર થઈ જાય, એટલે તેને 10 મિનિટ એમજ રાખો. પછી કચોરીને તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દો. જયારે તેલ ગરમ થઇ જાય ત્યારબાદ એ ભાગ જે આપણે પૂરીને ભેગી કરેલી તે ભાગને નીચે રાખીને તળવું. કારણ કે તે ભાગ થોડો જાડો હોય છે એટલે તળતા વાર લાગે છે.

હવે એક બાજુથી કચોરી તળાયા બાદ તેને પલટાવી દો. (તેલ ગરમ થઇ ગયા બાદ ગેસને મીડીયમ તાપમાને રાખવો.) જ્યાં સુધી કે કડક નહિ થાય ત્યાં સુધી એને તળો. પણ ધ્યાન રાખજો કે તે બળી ના જાય. હવે તમારી લીલવાની કચોરી તૈયાર થઇ ગયી છે. તમે એને સાથે કોઈ પણ પ્રકારની ચટણી સાથે ખાઈ શકો છો. આ કચોરી ગરમ અને ઠંડી બંને રીતે ખાવામાં સારી લાગે છે. આ રેસિપી તમે વિડિઓ દ્વારા પણ જોઈ શકો છો.

વીડિયોમાંથી શીખવા નીચે જુઓ .

જુઓ વિડિઓ :