આઇસક્રિમ લીધા વિના પાછા ફરી રહેલા ફેરિયાને દુકાનદારે પૂછ્યું કારણ, ફેરિયાએ જે કહ્યું તે આંખો ભીની કરી દેશે.

0
1512

લારીમાં નાની-મોટી ઘરવપરાશની વસ્તુઓ વેંચનારો એક સામાન્ય માણસ એક આઇસક્રિમ પાર્લર પાસે આવીને ઉભો રહ્યો. આઇસક્રિમ ખરીદવા માટે ખિસ્સામાંથી રૂપિયા કાઢ્યા. ગણ્યા અને પાછા ખિસ્સામાં મુકી દીધા. આઇસક્રિમ ખરીદ્યા વગર જ એ પાછો વળી ગયો. આઇસક્રિમ પાર્લરના માલિકે આ જોયું એટલે એને પાછો બોલાવીને પુછ્યુ કે, આઇસક્રિમ લીધા વગર કેમ જતો રહ્યો?

પેલા ફેરીયાએ કહ્યુ કે, સાહેબ ખીસ્સામાં રહેલા પૈસા ગણ્યા તો ખ્યાલ આવ્યો કે જો ઘરના સભ્યો માટે આઇસક્રિમ લઇ જઇશ તો પછી કરિયાણાના બીલની રકમ ચુકવવા માટે પુરતા પૈસા નહી વધે. આઇસક્રિમ તો પછી પણ ખવાશે પહેલા કરિયાણાનું બીલ ચુકવી દઉ.

આ બંને જણા વાત કરતા હતા ત્યાં એક સજ્જન આઇસક્રિમ લેવા આવ્યા. એ આ ફેરીયાને સારી રીતે ઓળખતા હતા. એણે દુકાનના માલીક સાથે આ ફેરીયાનો પરિચય કરાવતા કહ્યુ કે, આ માણસ ભલે સામાન્ય સ્થિતીનો રહ્યો પણ એક સંત જેવું એનું જીવન છે. પેલા સજ્જને આગ્રહ કરીને આ ફેરીયાને પોતાના તરફથી આઇસ્ક્રિમ ખવડાવ્યો. સજ્જન તો પોતાનો આઇસક્રિમ લઇને જતા રહ્યા.

ફેરીયાએ આઇસક્રિમની પ્લેટ પુરી કરી એટલે એ ઉભો થઇને આઇસક્રિમ પાર્લરના માલિક પાસે આવ્યો અને કહ્યુ, “ શેઠ, મને 3 ડબી આઇસક્રિમ પેક કરી દો.” પાર્લરના માલિકે આશ્વર્ય સાથે કહ્યુ, “હમણા તો તું કરિયાણાનું બીલ ભરવાની વાત કરતો હતો અને હવે આઇસ્ક્રિમનું પાર્સલ કરવાનું કહે છે! કેમ તારો વિચાર બદલાઇ ગયો?”

ફેરીયાએ કહ્યુ, “શેઠ, મારા પરિવારમાં એક પત્નિ, એક દિકરી અને એક દિકરો છે. મેં અહિંયા આઇસક્રિમ ખાધો એ ઘરે ભલે કોઇને ખબર ન હોય પણ ભગવાન તો જાણે જ છે કે મેં મારા પરિવારને મુકીને આઇસક્રિમ ખાધો છે. હવે જો કરિયાણા બીલની ચિંતા કરીને હું ખાલી હાથે ઘેર જાવ તો પછી ઉપરવાળાને શું જવાબ આપી શકીશ?”

પરિવારનો પ્રેમ ઝંખતા એ તમામ એકલપેટા મહાનુભાવોને આદર સાથે અર્પણ જે એકલા એક્લા મોટી મોટી મહેફીલો માણે છે અને પરિવાર બિચારો એમ જ પડ્યો છે.

– સાભાર વિશાલ સોજીત્રા.