શીખી લો કોઠાની ખાટી-મીઠી ચટણી બનાવતા અને રોટલી, થેપલા વગેરેમાં એક નવો ટેસ્ટી સ્વાદ માણો.

0
1347

આજે આપણે કોઠાની ચટણી બનાવતા શીખવાના છીએ. જેમણે કોઠું નથી ખાધું એમને જણાવી દઈએ કે, તે ટેસ્ટમાં ખુબજ સરસ લાગતું હોય છે. કોઠાનો પોતાનો જ ખાટો મીઠો ટેસ્ટ હોય છે. અને જયારે આપણે એની ચટણી બનાવીશું તો આપણને એની ચટણીમાં ખાટો મીઠો અને તીખો ત્રણે ટેસ્ટ જોવા મળશે. આ કારણે કોઠાની ચટણી ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે. અને આ ચટણીને રોટલી, પરોઠા, પુરી કે થેપલા ગમે તેની સાથે સર્વ કરી શકીયે છીએ. તો ચાલો કોઠાની ચટણી કેવી રીતે બનાવવું તે જાણી લઈએ.

એક તમારે યાદ રાખવી જોઈએ કે, કોઠું બને ત્યાં સુધી હલકા વજન વાળું લેવું. કારણ કે તે પાકું નીકળશે. તો એને હાથમાં પકડીને જોવાનું છે કે તે કેટલું હલકું છે.

જરૂરી સામગ્રી :

2 કોઠાનો માવો,

200 ગ્રામ કોથમીર (સાફ કરેલી),

2 નાની ચમચી જીરું,

2 નાની ચમચી મીઠું,

1 કપ સમારેલો ગોળ (ગોળનું પ્રમાણ જે કોઠું હોય તે કેટલું ખાટું કે મીઠું હોય તેના ઉપર છે, જો કોઠું વધારે ખાટુ હોય તો ગોળનું પ્રમાણ વધારે લેવું.),

5 થી 6 સમારેલા લીલા મરચા (ચટણીને તમારે જેવી તીખી કરવી હોય તેમ લઇ શકો છો).

બનાવવાની રીત :

અત્યારે આપણે શીખવા માટે 2 કોઠાની ચટણી બનાવવાના છીએ. તો આપણે સૌથી પહેલા કોઠાને તોડવાનું છે. તમે એને કિચનના પ્લૅટફૉર્મ પર 2 થી 3 વાર ઠોકસો તો તે સરળતાથી તૂટી જશે. હવે તેની અંદરનો માવો સરસ બ્રાઉન કલરનો નીકળશે, અને તે ખાવામાં પણ મીઠો લાગે છે. એટલે બને એટલુ પાકું કોઠું હોય તેટલું સારું, હવે કોઠાના માવાને એક બાઉલમાં લઇ લેવાનું છે. ત્યારબાદ તેવી જ રીતે બીજું કોઠું લઇ તેનો માવો નીકળી લેવાનો છે.

આપણે 2 કોઠાની ચટણી બનાવવાના છીએ એટલે જે મીક્ષરનું મીડીયમ સાઈઝનું જાર હોય છે તેને લઇ લેવાનું છે. જારમાં સૌથી પહેલા જીરું અને મીઠું એડ કરી દેવાનું છે, ત્યારબાદ સમારેલા મરચા એડ કરવાના છે. (જો લસણ એડ કરવું હોય તો અત્યારે એડ કરી દેવાનું છે, જો લીલું લસણ એડ કરવું હોય તો 50 ગ્રામ અને સૂકું એડ કરવું હોટ તો 7 થી 8 કળી.)

પહેલા આને પાણી વગર એક વાર ક્રશ કરી લેવાનું છે. થોડું ક્રશ કર્યા બાદ કોથમીર પણ એડ કરી દેવાની છે, અને ફરી તેને ક્રશ કરી લેવાનું છે. ત્યારબાદ એમાં અર્ધો ગોળનો ભુક્કો એડ કરી દેવાનો છે, અને જે કોઠાનો માવો છે એને પણ અર્ધો એડ કરી દેવાનો છે.

પછી એને ફરીથી ક્રશ કરી લેવાનું છે. હવે ક્રશ કર્યા પછી એમાં બાકીનો ગોળ અને કોઠાનો માવો એડ કરી દેવાનો છે, અને ફરી એકવાર ક્રશ કરી લેવાનું છે. ક્રશ કર્યા બાદ એમાં થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને એને ક્રશ કરતા જવાનું છે.

આપણે આ ચટણીને મીડીયમ થિક રાખવાની છે. લગભગ મીડીયમ ચટણી માટે 1/4 કપ પાણી એડ કરવું પડે છે. પછી જયારે ચટણી ઘટ્ટ થઇ જાય એટલે તેને એક બાઉલમાં કાઢી લેવાની છે. હવે આપણી કોઠાની ચટણી સર્વિંગ માટે તૈયાર છે.

જુઓ વિડીયો :