ખેડૂતે ઉગાડી એવી લીચી કે આખી દુનિયાએ ફોટા પાડ્યા, સ્વાદમાં અનાનસ, થોડી ખટાશ થોડી મીઠાસ

0
667

ગરમીની સીઝનમાં રસભરી લીચીનું નામ સાંભળતા જ મોં માં પાણી આવવાનું શરૂ થઈ જાય છે. આપણામાંથી ઘણા લોકો માટે લીચીનો સ્વાદ પરમ સુખની અનુભૂતિ જેવો હોઈ શકે છે. પણ લીચીના શોખીનોમાં હંમેશા એના બીજને લઈને ફરિયાદ રહી શકે છે. લીચીના બીજ મોટા હોવાથી તેની અંદરનો ખાવા લાયક પદાર્શ ઓછો થઈ જાય છે.

બીજને લીધે ઘણી વાર એની મજા ખરાબ થઈ જાય છે. પણ શું થાય જો લીચીમાં બીજ જ ન હોય? તો તો તેને ખાવાની મજા બમણી થઈ જાય. હવે તમારા મનમાં પ્રશ્નની ઘંટડી જરૂર વાગી હશે કે, બીજ વગરની લીચી કઈ રીતે હોઈ શકે છે? તમને જાણીને આશ્ચર્ય થશે કે, ઓસ્ટ્રેલિયાના એક ખેડૂતે તમારી અને અમારી આ સમસ્યાનો ઉકેલ શોધી લીધો છે.

તિબ્બી ડિક્સન નામના એક ખેડૂતે લગભગ 20 વર્ષની મહેનત અને 3.5 લાખ રૂપિયા ખર્ચ કર્યા પછી આવી લીચી વિકસિત કરી છે જેમાં બીજ નથી. ડિક્સન ઓસ્ટ્રેલિયાના ઉત્તરીય કવીન્સલેંડથી દૂર સરીના બીચ પાસે રહે છે. આ લીચી માટે તેમણે ચીનમાં ઉપજેલી એક લીચીના છોડનો ઉપયોગ કર્યો. ડિક્સને લીચીની બીજી પણ ઘણી જાતો વિકસિત કરી છે. તે છેલ્લા ઘણા દશકોથી ક્રોસ-પૉલિનેશન દ્વારા આ પ્રકારના પ્રયોગ કરતા આવી રહ્યા છે.

અંગ્રેજી વેબસાઈટ એબીસી સાથે વાત કરતા ડિક્સને જણાવ્યું કે આ જાત વિકસિત કરવાની પ્રક્રિયા લાંબી અને થોડી મુશ્કેલ હતી. આ કારણે તેમાં 20 વર્ષનો સમય લાગ્યો. ડિક્સને ક્રોસ-પૉલિનેશન દ્વારા આ પ્રકારની જાત તૈયાર કરી છે. સૌથી પહેલા જે લીચી તૈયાર થઈ તેમાં બીજ હતા અને તે ઘણા નાના બીજ હતા. એટલે તેમણે ઘણી વાર આ પ્રક્રિયા અપનાવી અને દરેક વખતે આ પ્રકારના ફળ લાગવાની રાહ જોઈ.

છેવટે તેમને સફળતા મળી. બીજનો આકાર નાનો થતો ગયો અને અંતમાં બીજ વગરની લીચીની જાત તૈયાર થઈ ગઈ. તે જણાવે છે કે, લીચીનો સ્વાદ થોડો અનાનસ જેવો છે. ડિક્સન કહે છે કે, થોડા વર્ષોમાં આ જાતના વધુમાં વધુ છોડ તૈયાર કરવા છે, જેથી તેને બજારમાં વેચી શકાય. સાથે જ તે સુનિશ્ચિત કરવાનું છે કે, આ પ્રકારના બધા છોડમાં મોટા આકારના લીચીનાં ફળ લાગે અને તે રસીલા પણ હોય.

આ માહિતી ફીરકી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.