કેવી રીતે લોકો બે નંબરમાં જાય છે અમેરિકા, ક્યારેય જાણ્યું છે, જાણો ગુજરાતનાં યુવકની આપવીતી

0
3488

મિત્રો આપણા ભારત દેશમાં ઘણા બધા લોકો એવા છે કે, જેમનું સપનું છે કે તે વિદેશ જાય. તેમાં પણ ભોટાભાગના ગુજરાતીઓ તો અમેરિકા જવાનું સપનું જોતા હોય છે. તો એમાંથી કેટલાકનું સપનું પૂરું થઇ જાય, અને કેટલાકનું એ સપનું અધૂરું રહી જાય છે. અને તમે પણ એ વાત જાણતા હશો કે, ગુજરાતમાં એવું કહેવામાં આવે છે કે, ગુજરાતમાં મોટાભાગના પટેલ અને શાહ લોકોને અમેરિકા જેવા દેશ જવાની ઈચ્છા હોય છે.

અને આ લોકો માંથી ઘણા લોકો કાયદેસર રીતે અમેરિકા જાય છે, અને કેટલાક વિઝા કેન્સલ થવા જેવા ઘણા કારણોને લીધે જઈ શકતા નથી, તે લોકો ‘ગેરકાયદેસર’ રીતે અમેરિકા જવાના પ્રયત્નો કરે છે. અમેરિકાના એક યુવકે જણાવ્યું કે, તે જાતે ગુજરાતમાંથી અમેરિકા ગેરકાયદેસર રીત આવેલો છે.

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, તે વ્યક્તિએ જણાવ્યું કે હું ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામનો રહેવાસી હતો. અને હું કોઈ કામ ઘંધો કરતો ન હતો. એ સમયે એક વ્યક્તિએ મને કીધું કે, તારે કામ કરવા અમેરિકા જવું છે? ત્યારે મેં તેને કંઈ જવાબ આપ્યો નહિ, અને જણાવ્યું કે હું વિચારીને કહું. અમારા નાનકડા ગામ માંથી લગભગ 150 છોકરાઓ અમેરિકા ગયા છે પણ તે લોકો ગેરકાયદેસર રીતે ગયા છે. એટલે પછી મેં વિચાર્યુ કે, જો એ લોકો ગયા છે તો હું પણ ચાલ્યો જાવ.

એણે જણાવ્યું કે, જે અમેરિકા લઇ જનાર એજન્ટ હોય છે તે પણ સામેવાળા લોકોની પુરતી તપાસ કરે છે. એ લોકો જાણવા માંગે છે કે, આ પોલીસ તો નથી ને? અને પૂરતી તપાસ કાર્ય પછી જ તેમને લાગે કે આ અમેરિકા જવાને લાયક છે, તો જ તે તેને મોકલે છે. પણ અમારા ગામના ઘણા બધા છોકરાઓ અમેરિકા આવી રીતે ગયા હતા, એટલે તેમણે મારી વધુ તપાસ ન કરી અને એમને મારી ઉપટ તરત વિશ્વાસ આવી ગયો.

એ લોકોએ મારી તપાસ કરી, અને તપાસ માટે કેરાલાથી એક વ્યક્તિ મને મળવા આવ્યો. અમારી વાતચીત થઇ અને તેમણે મને જણાવ્યું કે, એક નકલી ફિલ્મના શૂટિંગ માટે આપણે તો પહેલા દુબઇ જાશું, અને ત્યાંથી આપણે સાલ્વાડોર જવાના છીએ. સાલ્વાડોર ગયા પછી તમને અમેરિકા લઇ જવામાં આવશે.

અને પછી જ્યારે મને તેમના પાર વિશ્વાસ આવ્યો, ત્યાર બાદ મેં તેમને મારો પાસપોર્ટ આપ્યો. પછી તેમણે મારા દુબઇના વિઝા કરાવી આપ્યા અને પાસપોર્ટ અને ટિકિટ મને મોકલવામાં આવી. ત્યાર બાદ મારી ગેરકાયદેસર રીતે અમેરિકા જવાની સફર શરુ થઇ ગઈ.

હું ભારત માંથી નીકળીને દુબઇ ગયો. ત્યાં અમારા માટે એક હોટેલ પહેલાથી જ બુક હતી. તે હોટેલમાં અમે બે દિવસ રોકાયા, અને પછી અમે અમારા સાલ્વાડોરના વિઝા લઈને સાલ્વાડોર જવાની તૈયારી કરી. દુબઈમાં હતા ત્યારે અમે દુબઈથી થોડી શોપિંગ કરી. અમે સાલ્વાડોર જવા તૈયાર હતા તે સમયે અમારી નકલી ફિલ્મ બનાવવાની ટીમમાં લગભગ 7 થી 8 લોકો હતા. અમારી સાથે એજન્ટનો માણસ અમારો ડાયરેક્ટર બનીને આવ્યો હતો, તે બધી જવાબદારી અને તૈયારી કરતો હતો.

બધા લોકો દુબઇથી સાલ્વાડોર ગયા પણ ત્યાં નવી મુસીબત આવી ગઈ, અને તેને જોઇને હું થોડા ગભરાઈ ગયો. અમે જેવા સાલ્વાડોર લેન્ડ થયા ત્યારે ત્યાંના એરપોર્ટ પર જ અમારી આખી ટીમની ધરપકડ કરવામાં આવી, અને અમને કહેવામાં આવ્યું કે, તમે જે વિઝા પર અહીંયા આવ્યા છો તેના પર અમે વધારે રોકાવાની પરમિશન નથી આપતા, તમારે પાછા ફરવું પડશે.

એ યુવક આગળની ઘટના જણાવે છે કે, અમને સાલ્વોડરના એરપોર્ટ પર કહેવામાં આવ્યું કે, અહીંયા કોઇ પરિચિત હોય તો તેને બોલાવો તો તમારી એન્ટ્રી શક્ય બનશે. અમારા નકલી ડાયરેક્ટરે તેના બીજા માણસને બોલાવ્યો અને અમને સાલ્વાડોરમાં એન્ટ્રી મળી ગઇ. સાલ્વાડોરમાં પહોંચ્યાના 4-5 દિવસમાં બીજી ટુકડી આવી જેમાં ફિલ્મના હીરો, હીરોઇન, રાઇટર એમ કુલ 40 લોકો હતા, જેમાંથી 18 જણાને મારી જેમ અમેરિકા જવાનું હતું ને બાકીના ઇન્ડિયા પાછા જવાના હતા.

અમે નકલી શુટિંગના બહાને અસલી શુટિંગ કરવા લાગ્યા. અમે બધા સાલ્વાડોરમાં એક મહિના સુધી રહ્યા, જેમાં અમે શૂટિંગ પણ કરી અને અને વિવિધ જગ્યા પર ફર્યા અને મજા કરી. પછી અમે અમેરિકા જવાની તૈયારી કરવા લાગ્યા. અમે અમેરિકા જવા વાળા 18 લોકો હતા આથી અમને 3-4 લોકોની ટુકડીમાં વહેંચી દેવામાં આવ્યા, અને બધાને અલગ અલગ જગ્યાએ મોકલવામાં આવ્યા.

અમને જ્યાં મોકલ્યા ત્યાં અમને ‘ડોંગર’ (માફિયા) લેવા આવ્યો. દરેક ટુકડીના ડોંગર અલગ અલગ હોય છે. તે અમને લઈ ગયો અને અમે 30 કલાક પછી અજવાળું જોયું. ત્યારે અમને થોડી રાહત મળી. ત્યારબાદ અમે ત્યાંથી ગ્વાટેમાલા ગયા, અને ત્યાં અમે એક ઘરમાં રોકાયા. પણ ત્યાં અમને દિવસમાં એક જ વાર જમવાનું મળતું હતું. અમને ખાવા માટે તે લોકો રાઈસ અને ચિકન આપતા હતા.

અમે જે જગ્યા પર રોકાયા હતા તે જગ્યા ઉંચા પર્વત પર હતી જેથી અમને ઠંડી લગતી હતી. શાકાહારી હોવાના કારણે હું ચિકન ખાતો નહિ ફક્ત ભાત જ ખાતો હતો. અમારી પાસે થોડા પૈસા હોવાના કારણે અમે થોડું ખાવાનું જેમકે બિસ્કિટ, ચિપ્સ વગેરે ખરીદી લેતા હતા.

હવે ઉંચો પર્વત હોવાના કારણે ત્યાં ઠંડી પણ ખુબ પડતી હતી, અને તે સમયે અમારી પાસે ઉંઘવા માટે પણ કાંઈ હતું નહિ. અમે ત્યાં એક મહિના સુધી રોકાયા હતા. પછી અમને અમારો ફોન આપ્યો અને અમને ત્યાંથી નીકાળવાનું નક્કી કર્યુ. તેઓએ અમને ગ્વાટેમાલાથી મેકિસકો લઇ જવાનું નક્કી કર્યુ. અમે જે જગ્યા પર રોકાયા હતા, ત્યાં દૂધના ટેન્કર જેવું વાહન હતું તેમાં અમને લઈ ગયા. પણ તેમાં 15-20 લોકો આવે તેટલી જ જગ્યા હતી, પણ તેમાં બીજા લોકોની સાથે અમને કુલ 85 જણાને લઇ ગયા.

હવે એ ટેન્કર તો ખુબ નાનું હતું, અને લોકોની સંખ્યા ખુબ વધારે હતી. છતાં પણ બધા લોકોને એમાં ઘુસાડી દેવામાં આવ્યા. અમે લોકો એમાં ઉભા ઉભા મુસાફરી કરી. ટેન્કરમાં તો બંને પગ મુકવાની પણ જગ્યા હતી નહિ. અમારૂ ટેન્કર સવારે લગભગ નવ વાગે નીકળ્યું, અને તે દિવસ રાત ચાલતું રહ્યું. બીજા દિવસે પણ તે સતત ચાલતું રહ્યું, અને સાંજે એક જંગલમાં અમારું ટેન્કર આવ્યું. તે સમય લગભગ સાત જેવા વાગ્યા હતા.

અમે લગભગ 32 કલાક સુધી ઉભાને ઉભા રહ્યા હતા તે દરમિયાન અમને ખાવા, પીવાનું તો છોડો સંડાસ બાથરુમ પણ કરવા મળ્યું નહિ. અને એ 85 લોકોમાં ફક્ત અમે 4 જ ભારતીય હતા. બાકીના તો બ્રાઝીલ, સાલ્વાડોર, ગ્વાટેમાલા, હોન્ડુરાસના હતા.

એ યુવકે આગળ જણાવતા કહ્યું કે, ટેન્કરમાં જેમ જેમ સમય વીતતો જતો તેમ એવું લાગતું કે હમણાં જીવ જતો રહેશે. તે ટેન્કરમાં ખુબ ઉલ્ટી જેવું અને ખરાબ વાતાવરણ હતું. પછી અમે બધા એક ગરીબના ઘરે ઉતાર્યા તે પણ જંગલમાં. ત્યાં પોંહચતા અમને નવી સમસ્યાનો સામનો કરવો પડ્યો.

ત્યાં અમે નાહ્યા ધોયા અને ફ્રેશ તો થઇ ગયા પણ જમવામાં ત્યાં ગાયનું માસ હતું. અને ત્યાં પહેલાની જેમ ભાતનો વિકલ્પ હતો નહિ. અને 32 કલાક ઉભા રહીને મુસાફરી કર્યા પછી ખુબ ભૂખ લાગી હતી એટલે અમારે જીવ બચાવવા માટે નોન વેજ ખાવું પડ્યું. અમે ગાયને માતા માનીએ છીએ પણ મજબૂરીમાં અમારે એનું માંસ ખાવું પડ્યું. અમે વિચાર કર્યો કે અમેરિકા પોંહચીને ભગવાન પાસે સાફ દિલથી માફી માંગી લેશું.

એ જંગલમાં અમે અમેરિકા જવા વાળા 85 લોકો હતા. તેમાંથી અમને નાની નાની ટુકડીમાં વહેંચીને બધાને મોકલી દેવામાં આવ્યા. પણ ત્યાં અમને કોઈ લેવા આવ્યા નહિ. એટલે કે અમે ચાર જે ભારતીય હતા તેને લગભગ 18-20 દિવસ સુધી કોઈ લેવા આવ્યા નહિ.

અને એટલા દિવસ સુધી અમે એ જંગલમાં પેલા ગરીબના ઘરમાં જ રહ્યા. 18-20 દિવસ પછી અમને એક બસ લેવા માટે આવી, અને અમે તેમાં ચાલ્યા ગયા. તેમાં અમે 4 ભારતીય લોકોએ 4 થી 5 કલાકની બસની મુસાફરી કરી. ત્યાર બાદ અમે મેક્સિકો ડીએફ નામના શહેરમાં પોહોચ્યાં. ત્યાં પણ અમારે 30 દિવસ રોકાવું પડ્યું.

ત્યાં રોકાયા બાદ અમને મેક્સિકો-અમેરિકા બોર્ડર પર લઇ ગયા હતા. અમને મેક્સિકો-અમેરિકાના બોર્ડરથી લગભગ 10 માઈક જેટલા અંતરે ઉતારી દીધા, જેથી કોઈ જોઈ શકે નહિ. બોર્ડર તરફ પોલીસ ફરતા હોય છે એટલા માટે પોલીસ ન ફરે તેના માટે અમે 4 દિવસ સુધી રાહ જોવી પડી. આ વચ્ચે અમે જંગલમાં જ રોકાયા હતા અને તે વચ્ચે અમારું ખાવાનું પતિ ગયું હતું. એટલે અમે ખાવાની શોધમાં જંગલમાં ફરતા હતા તે દરમિયાન અમને એક મરેલ ભૂંડ મળ્યું.

તે સમયે રાત હોવાના કારણે જો અમે લાકડા સળગાવતે તો પોલીસ અમને જોઈ લેત, એટલા માટે અમે તેને પકાવ્યું નહિ પણ બીજા દિવસે લાકડા સળગાવીને તેને પકાવીને આંખ બંધ કરીને ખાઈ લીધું. અમે તેને ખાવા માંગતા નહોતા પણ અમારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ હતો નહિ, જેથી અમારે તેને ખાવું પડ્યું.

તેના પછી અમને બીજા દિવસે પોલીસ ન દેખાય એટલે અમે બોર્ડર પર જવાનું નક્કી કર્યુ. મેક્સિકો-અમેરિકા બોર્ડર વચ્ચે 50 ફૂટ લાંબી દીવાલ છે, પણ તે દિવાલ પહેલા એક નદી આવે છે જેને પહેલા પાર કરવી પડે છે. તેના માટે અમારી પાસે એક ટ્યુબ હતી. તે ટ્યુબમાં 2-3 વ્યક્તિ બેસી શકે તેટલી જગ્યા હતી, પણ તે ટ્યુબમાં અમે 8 લોકો બેસેલા હતા. તે ટ્યુબમાં બેલેન્સ ખુબ જાળવી રાખવું પડતું હતું, અને જો આપણું બેલેન્સ ગયું અને નદીમાં પડી જાય તો મૃત્યુ તો નક્કી છે.

જયારે અમે નદી પાર કરતા હતા ત્યારે અમને એક લાશ પણ જોવા મળી. ત્યારે અમને જણાવવામાં આવ્યું કે, આ વ્યક્તિનું બેલેન્સ બરોબર ન રહ્યું એટલે તે પડી ગયો અને મૃત્યુ પામ્યો. એટલા માટે તમે લોકો પણ બેલેન્સ જાળવી રાખજો.

નદી પાર થઇ ગયા બાદ અમે બે-ત્રણ મિનિટ ચાલ્યા પછી એક વિશાળ દીવાલ આવી. તે દીવાલ નજીક પહેલાથી એક સીડીની વ્યવસ્થા કરવામાં આવી હતી. અમે સિડી ચડીને બીજી તરફ આવ્યા. ત્યાં રેતીનો વિશાળ ઢગ હતો. ત્યાંથી અમે બધા ઉતરીને અમેરિકા પહોંચી ગયા.