કેવી રીતે બે ભારતીય યુવાનોએ લીથીયમ આયન બેટરી કરતા પણ સસ્તી અને ટકાઉ બેટરી બનાવી.

0
321

આ મેડ ઈન ઈંડિયા બેટરી આપે છે લીથીયમ આયન બેટરીને ટક્કર, આટલી મિનિટમાં થઈ જાય છે ચાર્જ. ભારતમાં થયેલી એક શોધ દુનિયાભરને બદલવાની તાકાત રાખે છે. દુનિયાભરમાં ચાલાકી બતાવી લીથીયમના ખજાના પર હક્ક જમાવનાર ચીનની બાદશાહી હવે થશે પુરી. હાલમાં દુનિયાભરના ઇલેકટ્રોનિક સાધનોમાં વાપરતી લીથીયમ આયન બેટરીમાં વપરાતું લીથીયમ ચીનના કબ્જામાં છે.

દુનિયાનું 65% લીથીયમ બોલિવિયા અને ચીલી માંથી મળી આવે છે, પણ આ લીથીયમના ખજાના પર ચીન પોતાનો હક્ક જમાવીને બેઠું છે. આથી દુનિયાભરની લીથીયમ બેટરી ચીનમાં બને છે. જેની કિંમત ખૂબ જ વધારે છે.

આવા સમયે ભારતની એક નવી કંપની એ લીથીયમ આયનની બેટરીના બદલે ચાલી શકે તેવી અવેજી શોધી કાઢી છે જે દુનિયાને બદલી નાંખવાની શક્યતાઓ ધરાવે છે.

આ બેટરીની ખાસ વાત એ છે કે તે કિંમતમાં સસ્તી, વજનમાં હલકી અને માત્ર 15 મિનિટમાં પુરી ચાર્જ થઈ જાય છે. બીજી મહત્ત્વની વાત એ છે કે આ બેટરી બનાવવા જે સામગ્રી જોઈએ તે ભારતમાં પર્યાપ્ત પ્રમાણમાં આવેલી છે.

આ બેટરીના બંને શોધકોને ફોબ ઇન્ડિયા 30 અંતર્ગત સ્થાન પણ આપવામાં આવ્યું છે. મુંબઈની નવી કંપની ગીગા ડાઈન એનર્જી એ આ બેટરીની શોધ કરી છે. નવાઈની વાત એ છે આ કંપનીમાં શોધકો સાથે માત્ર 8 વ્યક્તિ જ છે.

આ કંપનીના સ્થાપક જુબિન વર્ગીઝ અને અમેયા ગાડીવાનની ટીમે આ બેટરીનો તૈયાર કરી છે.

હાલમાં ઇલેકટ્રોનિક વાહનોના કુલ ખર્ચમાં 40% ખર્ચ બેટરીમાં થતો હોય છે. જો બેટરીના ખર્ચને ઘટાડી દેવામાં આવે તો વાહનોનો ભાવ ઘટી શકે તેમ છે.

બેટરી વિશે વિશેષ માહિતી :

શેમાંથી બની છે આ બેટરી?

સ્ટાર્ટ અપ કંપનીના સ્થાપક જુબિન વર્ગીઝ અને અમેયા ગાડીવાનના મુજબ તેમણે આ બેટરી લીથીયમ આયનના બદલે કાર્બન અને તેમાંથી ઉત્પન્ન થતા બીજા તત્વોનો ઉપયોગ કર્યો છે.

આ બેટરીનું આયુષ્ય લીથીયમ આયનની બેટરી કરતા વધારે હોય છે, તેમજ માત્ર 15 મિનિટમાં ચાર્જ પણ થઈ જાય છે.

દેખાવમાં આ બેટરી સામાન્ય બેટરી જેવી જ છે, ફરક એ જ છે કે તે કાર્બન માંથી બની છે. શોધકો અનુસાર દેશમાં કાર્બનની પૂરતી માત્રા છે, તેથી મોટા પ્રમાણમાં તેનું ઉત્પાદન કરવામાં કોઈ સમસ્યા નથી.

આ બેટરીનું શું ભવિષ્ય હશે?

ભારત સરકાર 2030 સુધી 100% ઇલેકટ્રીક વાહનોનું બજાર ઉભું કરવા માંગે છે. પણ તેના માટે મોટી સમસ્યા બેટરીની હતી, અને આ કંપનીએ તેનું સમાધાન આ નવી બેટરીની શોધ કરીને લાવી દીધું છે.

હાલમાં શોધાયેલી આ બેટરીનું ક્ષમતામાં હજુ વધારો કરી ઘણી બીજી સમસ્યાઓ નિવારી શકાય તેમ છે. આ કંપનીએ જે બેટરી બનાવી તેની ક્ષમતા એક કિલોવોટ આર જેટલી છે.

કંપની મુજબ નિતી આયોગના ઇલેક્ટ્રીક મિશન 2030 મુજબ ભારતમાં 2030 સુધી ઇલેકટ્રોનિક બેટરીનું ઘરેલુ બજાર 300 બિલિયન ડોલર સુધી પહોંચી શકે તેમ છે.

કાર્બન બેટરીની લીથીયમ આયન બેટરી સાથે તુલના :

પહેલા જણાવી દઈએ કે જુબિન વર્ગીઝ અને અમેયા ગાડીવાને કોલેજનો અભ્યાસ છોડી 2015 માં ગીગા ડાઈન એનર્જી કંપનીનો શરૂઆત કરી હતી.

તેમનો દાવો છે કે સામાન્ય રીતે વપરાતી લીથીયમ આયન બેટરીનું આયુષ્ય 7 થી 10 વર્ષનું હોય છે. પણ તેમણે જે બેટરી બનાવી છે, તે સામાન્ય બેટરી કરતા 50 ગણી વધુ ચાલશે. અને આ કાર્બનની બેટરીની ક્ષમતામાં વધારો પણ કરી શકાય છે.

આ સ્ટાર્ટ અપ કંપની એ બેટરીની પેટન્ટ માટે અરજી કરી દીધી છે. અને કંપની ઈચ્છે છે કે તે દેશમાં પહેલી સુપર કેપેસિટર બેટરી આધારીત પ્લાન્ટ પણ જલ્દી શરૂ કરી દે અને સાથે જ તેઓ ઈચ્છે છે કે તેમની આ બેટરી ટેકનોલોજી માત્ર વાહનોમાં જ નહીં પણ લેપટોપ, મોબાઈલ, ઘડિયાળ, સોલાર સેક્ટર અને અન્ય ઘણી જગ્યાએ વપરાય.