કાલિદાસની કથા : શિક્ષણથી માણસનું જ્ઞાન વધવું જોઈએ, ન કે ધમંડ, જાણો વધુ આખી સમજવા જેવી વાત

0
1303

મહાકવિ કાલિદાસના જીવન સાથે ઘણી વાર્તાઓ જોડાયેલી છે, અને આ વાર્તાઓ દ્વારા આપણને ઘણું બધું શીખવા મળે છે. મહાકવિ કાલિદાસના દરેક પ્રસંગ સાથે કોઈને કોઈ સંદેશ જોડાયેલો હોય છે, અને આજે અમે તમને કાલિદાસના જીવનનો એક એવો પ્રસંગ જણાવવા જઈ રહ્યા છીએ. જે આપણને સારી શીખ આપતો જશે. તો આવો જાણીએ એમના જીવનના એક પ્રસંગ વિષે.

એક વખત કાલિદાસ ક્યાંક જઈ રહ્યા હતા, અને ઘણું ચાલ્યા પછી કાલિદાસને તરસ લાગવા લાગી. ત્યારે કાલીદાસની નજર એક ગામ ઉપર પડી. કાલિદાસ તે ગામમાં જતા રહ્યા અને ત્યાં જઈને કાલિદાસ કુવાની શોધ કરવા લાગ્યા. એવામાં કાલિદાસની નજર એક કુવા ઉપર પડી.

તે કુવામાંથી એક મહિલા પાણી ભરી રહી હતી. કાલિદાસે તે મહિલાને કહ્યું મને તરસ લાગી છે. તમે મહેરબાની કરીને મને પાણી પીવરાવો. મહિલાએ કાલિદાસને કહ્યું, હું તમને નથી ઓળખતી. પહેલા તમે મને એ જણાવો કે, તમે કોણ છો? તમે જયારે તમારો પરિચય આપશો પછી હું તમને પીવા માટે પાણી આપીશ.

કાલીદાસે પોતાનો પરિચય એ મહિલાને આપતા જણાવ્યું, હું આ ગામનો મહેમાન છું. મહિલાએ કાલિદાસનો એ જવાબ સાંભળીને કાલિદાસને કહ્યું, તમે મહેમાન કેવી રીતે હોઈ શકો છો. આ દુનિયામાં બે જ વસ્તુ મહેમાન છે, એક ધન અને બીજું યૌવન. મહિલાની એ વાત સાંભળીને કાલિદાસ વિચારમાં પડી ગયા.

કાલીદાસે ફરીથી પોતાનો પરિચય આપતા કહ્યું હું સહનશીલ છું. મહિલાએ તે જવાબ સાંભળીને કાલિદાસને કહ્યું, આ દુનિયામાં માત્ર બે જ વ્યક્તિ સહનશીલ છે. એક ધરતી માં જે ખરાબ લોકોના બોજને ઉઠાવી રહી છે, અને બીજા ઝાડ જે પથ્થર મારવા છતાં પણ ફળ આપે છે.

મહિલાની વાત સાંભળીને કાલિદાસ વધુ આશ્ચર્યચકિત થઇ ગયા. કાલિદાસે ફરીથી પોતાનો પરિચય આપતા કહ્યું, હું હઠીલો છું. કાલિદાસની એ વાત સાંભળીને મહિલાએ કહ્યું, તમે કેમ સાચી રીતે તમારો પરિચય નથી આપી રહ્યા. તમે ફરી ખોટું બોલી રહ્યા છો. આ દુનિયામાં માત્ર બે વસ્તુ જ હઠીલી હોય છે. એક આપણા નખ અને બીજા આપણા વાળ. કેમ કે વારંવાર કાપવા છતાં પણ નખ અને વાળ ફરીથી આવે છે.

મહિલાની એ વાત સાંભળીને કાલિદાસે કહ્યું, તમે જીતી ગયા હું હારી ગયો. હું એક મુર્ખ છું. મહિલાએ કાલિદાસને કહ્યું, તમે મુર્ખ નથી હોઈ શકતા. કેમ કે આ સંસારમાં માત્ર બે જ લોકો મુર્ખ હોય છે. એક રાજા જે કોઈ લાયકાત વગર પણ રાજ કરે છે, અને બીજા દરબારી જે રાજાને ખુશ કરવા માટે રાજાની ખોટી પ્રસંશા કરે છે.

કાલિદાસે હાર માનીને મહિલાના ચરણ સ્પર્શ કરી લીધા અને મહિલાને કહ્યું, તમે મને પાણી આપી દો. ત્યારે મહિલાએ કાલિદાસને મધુર સ્વરમાં કહ્યું, ઉઠો વત્સ. કાલિદાસે જેવું મહિલાની તરફ જોયું, તો જાણ્યું કે મહિલા કોઈ બીજું નહિ પરંતુ માં સરસ્વતી હતા. દેવી માં એ કાલિદાસને કહ્યું, શિક્ષણથી જ્ઞાન વધવું જોઈએ, નહિ કે અહંકાર. તું ઘણો અહંકારી બની ગયો હતો, અને તારો અહંકાર તોડવા માટે મેં આ બધું કર્યું.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.