અબજોપતિના જીવનમાં બનેલા આ બનાવે તેમને તે સુખ આપ્યું જે પૈસા અને મોંધી વસ્તુઓ ન આપી શક્યા.

0
260

નાઇજીરિયન અબજોપતિ ફેમી ઓટેડોલાને એક ટેલિફોન ઇન્ટરવ્યુમાં રેડિયો પ્રેઝન્ટરે પૂછ્યું, “સર, તમને યાદ છે કે તમે સૌથી સુખી માણસ છો તેવું જીવનમાં ક્યારે લાગ્યું?”

તેના જવાબમાં ફેમી ઓટેડોલાએ તેમના જીવનના એક મહત્વપૂર્ણ પ્રસંગની વાત કરી જ્યારે તેમને સાચા સુખની અનુભૂતિ થઈ અને તેમનો જીવન પ્રત્યેનો અભિગમ પણ સમૂળગો બદલાઈ ગયો.

તે પ્રસંગ હતો વિકલાંગ બાળકો સાથેની તેમની મુલાકાત.

તે પ્રસંગની વાત પહેલા ફેમી ઓટેડોલા વિશે થોડું જાણીએ.

નાઇજીરિયન અબજોપતિ ફેમી ઓટેડોલાના જીવનની કહાણી રસપ્રદ અને પ્રેરણાદાયી છે.

છ વર્ષની ઉંમરથી જ ફેમીને બિઝનેસમાં રસ હતો. એ ઉંમરના બાળકોને જન્મદિવસની ભેટમાં રમકડાં ગમતાં હોય ત્યારે ફેમી તેના પિતા પાસેથી ભેટ તરીકે સૂટકેસ માંગતો.

આગળ જતાં ફેમી ઓટેડોલા નાઈજીરિયાની પેટ્રોલિયમ અને વીજ ઉત્પાદન કરતી સૌથી મોટી કંપની ફોર્ટે કંપનીનો માલિક બન્યો. પરંતુ તેની આ ફુલગુલાબી જિંદગીમાં અચાનક જ વળાંક આવ્યો.

૨૦૦૮ માં વૈશ્વિક મંદી સમયે ડીઝલનો ભાવ ૧૪૬ ડોલરથી ૩૪ ડોલર સુધી ગગડી ગયો, નાઈજીરિયન ચલણનું અવમૂલ્યન થઈ ગયું. આ બધાંને કારણે ઓટેડોલા પર ૧.૨ અબજ ડોલરનું દેવું થઈ ગયું. ઓટેડોલા પાસે બે જ વિકલ્પો હતા. જીવન ટૂંકાવવું અથવા આ પરિસ્થિતિનો સામનો.

પરંતુ ઓટેડોલાએ પોતાની અસ્ક્યામતો વેચીને પણ દેવું ચૂકતે કર્યું. પ્રામાણિકતા ન છોડી, અને ગુમાવેલું સામ્રાજ્ય પાછું મેળવ્યું. ૨૦૧૪ માં ફોર્બ્સ મેગેઝિનના શ્રીમંતોની યાદીમાં ફરી સ્થાન મેળવ્યું. ફોર્બ્સ મેગેઝિનના મુજબ તેમની નેટવર્થ ૧.૮ અબજ ડોલર થઈ ગઈ.

ફેમી ઓટેડોલા પાસે પુષ્કળ પૈસા અને સંપત્તિ હતા છતાં તેઓ ખુશ નહોતા. આંતરીક સુખની તેમને શોધ હતી, જે વિકલાંગ બાળકો સાથેની મુલાકાત સમયે પુરી થઈ.

રેડિયો ઈન્ટરવ્યુ સમયે તેમણે કહ્યું :- હું જીવનમાં સુખના ચાર તબક્કામાંથી પસાર થયો છું અને છેવટે હું સાચા સુખનો અર્થ સમજી શક્યો.

પહેલો તબક્કો પૈસા અને સંપત્તિ મેળવવાનો હતો. પરંતુ આ તબક્કે, મને જે ખુશી જોઈતી હતી તે મળી ન હતી.

પછી કિંમતી વસ્તુઓ અને વસ્તુઓ એકત્રિત કરવાનો બીજો તબક્કો આવ્યો. પરંતુ મને સમજાયું કે આ વસ્તુની અસર પણ કામચલાઉ છે અને મૂલ્યવાન વસ્તુઓની ચમક લાંબો સમય ટકતી નથી.

પછી મોટા પ્રોજેક્ટ્સ મેળવવાનો ત્રીજો તબક્કો આવ્યો. તે સમયે મારી પાસે નાઇજીરિયા અને આફ્રિકામાં ડીઝલ સપ્લાયનો 95% હિસ્સો હતો. હું આફ્રિકા અને એશિયાનો સૌથી મોટો જહાજ માલિક પણ હતો. અહીં પણ મેં કલ્પના કરેલી ખુશી મને મળી નહીં.

ચોથો તબક્કો ત્યારે આવ્યો જ્યારે મારા એક મિત્રે મને ૨૦૦ વિકલાંગ બાળકો માટે વ્હીલચેર દાનમાં આપવાનું કહ્યું હતું. મિત્રની વિનંતીથી મેં તરત જ વ્હીલચેર ખરીદી લીધી. મિત્રે મને આગ્રહ કર્યો કે, હું તેની સાથે જાઉં અને મારા હાથે જ વ્હીલચેર બાળકોને સોંપું. હું તૈયાર થઈ ગયો અને તેની સાથે ગયો.

જ્યારે મેં આ બધી વ્હીલચેર મારા હાથે આ બાળકોને આપી ત્યારે મેં જોયું કે બાળકોના ચહેરા પર ખુશીની વિશિષ્ટ ચમક હતી. તે બધા વ્હીલચેર પર બેઠા હતા, ફરતા હતા અને મજા કરી રહ્યા હતા. એવું લાગ્યું જાણે તેઓ કોઈ પિકનિક સ્થળ પર હતા અને કોઈ જેકપોટ જીતવાની ઉજવણી કરી રહ્યા છે.

મને અંદરથી ખરેખર આનંદ થયો. જ્યારે હું ત્યાંથી વિદાય લઈ રહ્યો હતો ત્યારે એક બાળકે મારા પગ પકડી લીધા. મેં મારા પગને હળવેથી મુક્ત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાળકે મારા પગને સજ્જડ રીતે પકડી રાખ્યો અને મારા ચહેરા સામે જોઈ રહ્યો. હું નીચે નમ્યો અને બાળકને પૂછ્યું : શું તારે બીજું કંઈ જોઈએ છે?

આ બાળકે મને જે જવાબ આપ્યો તેનાથી હું ખરેખર ખુશ થયો. એટલું જ નહીં પણ જીવન પ્રત્યેનું મારું વલણ સંપૂર્ણપણે બદલાઈ ગયું.

એ બાળકે મને કહ્યું: હું તમારો ચહેરો યાદ રાખવા માંગુ છું જેથી જ્યારે હું તમને સ્વર્ગમાં મળું ત્યારે તમને ઓળખી શકું અને ફરી એકવાર તમારો આભાર માની શકું”.

આજે ફેમી ઓટેડોલા તેમના પરોપકારી સ્વભાવ અને સમાજસેવાની પ્રવૃતિઓ અને દાન સખાવતો માટે જાણીતા છે.

તેઓ હંમેશાં જરુરતમંદ લોકોને મદદ કરવા માટે તૈયાર હોય છે, અને શક્ય તેટલા ચહેરાઓ પર સ્મિત લાવવા માંગે છે. તેઓ માને છે કે ઈશ્વર તેમના પ્રત્યે દયાળુ રહ્યો છે.

અને તેમનો આભાર વ્યક્ત કરવાનો એકમાત્ર રસ્તો એ છે કે, તેમની સંપત્તિનો ઉપયોગ એવા લોકોને મદદ આપવા માટે કરવો જેઓ જરુરતમંદ છે.

તેમણે પોતાના ફેમી ઓટેડોલા ફાઉન્ડેશન દ્વારા માનવ જાતિના કલ્યાણ માટે, ખાસ કરીને દેશ અને વિદેશમાં વસેલા નાઇજિરિયનોના પ્રોત્સાહન આપવા માટે ઘણું બધું કર્યું છે.

– સાભાર હરીશ મોઢા.