દિવાળી પછી ગુજરાતમાં ફરીથી શરૂ થશે સ્કૂલ અને કોલેજો, કેબિનેટમાં મુખ્યમંત્રીએ તૈયારી કરવાનું કહ્યું.

0
319

કોરોના મહામારીને સ્કૂલ, કોલેજ અને ટ્યુશન ક્લાસ બંધ કરવામાં આવ્યા હતા, જે હજુ સુધી બંધ જ છે. જોકે બાળકોનું ઓનલાઇન ભણતર તો શરૂ જ છે. પણ તેની પણ કેટલીક મુશ્કેલીઓ છે. પણ હવે વધુ પરેશાન થવાની જરૂર નથી, કારણ કે ગુજરાતમાં દિવાળી વેકેશન પછી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કોલેજ, ઈસ્ટિટયુટ અને સ્કૂલો શરૂ થઈ શકે છે. મળતી જાણકારી અનુસાર પેટા ચૂંટણી બાદ બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને શિક્ષણ સચિવ સાથે આ બાબતમાં તમામ પાસાંઓની ચર્ચા કરીને તૈયારી કરવા માટે કહ્યું છે.

આ અગાઉ મુખ્યમંત્રીએ તેમના મંત્રી મંડળના સભ્યોને ધારાસભ્યો સહિત જનપ્રતિનિધિઓ પાસેથી ફરીથી ફિજિકલ એજ્યુકેશન શરૂ કરવા માટે પ્રતિભાવો માંગ્યા હતા. ત્યારબાદ ટોચના અધિકારીએ કહ્યુ હતું કે, હાલમાં દિલ્હીમાં કોરોનાના કેસોમાં ફરીથી ઉછાળો શરૂ થયો છે. પણ ગુજરાતમાં એવી પરિસ્થિતિ ના સર્જાય, તો બે અઠવાડિયામાં જ સ્કૂલો અને કોલેજો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે.

સ્કૂલો અને કોલેજો શરૂ થશે તો સૌથી પહેલા કોલેજો, મહાવિદ્યાલયો અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ધોરણ 9 થી 12 ના વર્ગો શરૂ થશે. ત્યારબાદ ઉતરતા ક્રમે સ્કૂલો શરૂ કરવા તરફ આગળ વધવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. ફિઝિકલ એજ્યુકેશન શરૂ થાય ત્યારે ક્લાસરૂમમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેના માટે આંતરે દિવસે બે – ત્રણ ભાગમાં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવી શકે છે. અને નવા નિયમો અનુસાર વર્તમાન શૈક્ષણિક વર્ષનું શિક્ષણ કાર્ય આગળ વધારવામાં આવશે.

એ તો તમે જાણતા જ હશો કે, કોરોના કેર વચ્ચે વિધાનસભાની બેઠકો ઉપર પેટા ચૂંટણી પણ યોજાઈ છે. અને નાગરીકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને મતદાન કરી પોતાની ભારતીય નાગરિક તરીકેની ફરજ પુરી કરી છે. રાજ્યમાં છેલ્લા ઘણા મહિનાથી ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. પણ ગ્રામ્ય તેમજ સરકારી શિક્ષણ આધારિત વ્યવસ્થા ધરાવતા વિસ્તારોમાં આ ઓનલાઈન શિક્ષણ સફળ રહ્યું નથી. શિક્ષણ વિભાગે અભ્યાસક્રમ પણ ઘટાડવો પડયો છે. આથી ઉચ્ચ શિક્ષણ માટે સ્કૂલ – કોલેજ શરૂ કરવાની માંગણીઓ થઈ રહી છે. જેથી વિદ્યાર્થીઓને આવતી મુશ્કેલીઓ દૂર થાય. અને બુધવારે કેબિનેટની બેઠકમાં આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને દિવાળી વેકેશન પછી સ્કૂલ- કોલેજ શરૂ કરવા સંદર્ભે પરામર્શ થયો હતો.