રાજ્ય સરકારે શિક્ષણ વિભાગ અને કૃષિ, ખેડૂત કલ્યાણ બાબતે કરી આ મહત્વની જોગવાઈઓ, જાણો તેના વિષે વિસ્તારથી.

0
99

3 માર્ચના રોજ ગુજરાત રાજ્યનું વર્ષ 2021-22 નું બજેટ રજૂ થયું છે. જણાવી દઈએ કે, આ બજેટ (Gujarat Budget 2021) ગુજરાત રાજ્યના ઈતિહાસનું સૌથી મોટા કદનું બજેટ છે. જે 2,27,029 કરોડ રૂપિયાનું છે. તેમાં રાજ્ય સરકારે શિક્ષણ વિભાગ માટે કુલ 32,719 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. તેમજ કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 7232 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આવો તેના વિષે વિસ્તૃત માહિતી મેળવીએ.

11 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને એસ.ટી. બસ ફ્રી પાસ કન્સેશન માટે 205 કરોડની જોગવાઇ.

બાળકોના સર્વગ્રાહી વિકાસ સાથે ઉત્તમ શિક્ષણ પ્રદાન કરવા માટે 3400 શાળાઓમાં જરૂરી તમામ સુવિધાઓ વિકસાવવા પાંચ વર્ષ માટે 1207 કરોડનું આયોજન.

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ 19 લાખ કરતાં વધુ વિધાર્થીઓને વિનામૂલ્યે પાઠયપુસ્તકો પૂરાં પાડવા 65 કરોડની જોગવાઇ.

ઐતિહાસિક મહત્ત્વ અને વિશેષ પ્રકારના વારસાગત સ્થાપત્ય ધરાવતી ખૂબ જૂની શાળાઓનું મહત્વ અનેરુ છે. આ શાળાઓને હેરિટેજ સ્કૂલ તરીકે નવીનીકરણ કરવા માટે 25 કરોડની જોગવાઇ.

ધોરણ 1 થી 8 ના આશરે 45 લાખ બાળકોને મધ્યાહન ભોજન યોજના, અન્ન સંગમ યોજના, દૂધ સંજીવની યોજના અને સુખડી યોજના અંતર્ગત કુલ 1044 કરોડની જોગવાઇ.

રાઇટ-ટુ-એજયુકેશન એક્ટ અંતર્ગત રાજયમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે 567 કરોડની જોગવાઇ.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને ટયુશન ફી તથા હોસ્ટેલ અને ભોજન ખર્ચમાં શિષ્યવૃત્તિ સહાય રૂપે રાહત પૂરી પાડવા માટે 287 કરોડની જોગવાઈ.

આઈઆઈટી એન્જિનીયરીંગ અને મેડિકલ પ્રવેશ પરીક્ષા તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે રાજયની સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ-11 અને 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને નિવાસી શિક્ષણની વ્યવસ્થા અને ઓનલાઇન ડિસ્ટન્સ લર્નિગની સુવિધા પૂરી પાડવાની યોજના માટે 20 કરોડની જોગવાઇ.

કોલેજનાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા અંદાજીત 3 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા 200 કરોડની જોગવાઈ.

રાજ્યની 2000 પ્રાથમિક શાળાઓ ખાતે વીજળીકરણ અને પીવાના પાણીની સુવિધા માટે 72 કરોડની જોગવાઇ.

વિદ્યાર્થીઓમાં સુષુપ્તાવસ્થામાં રહેલ શોધ ભાવનાને પ્રોત્સાહન આપી અવનવા સર્જનથી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ વિકસાવવા માટે પહેલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. આ નીતિ અંતર્ગત અંદાજીત 14 લાખ વિદ્યાર્થીઓ માટે 20 કરોડની જોગવાઇ.

જે બાળકોના ઘરનું અંતર તેમની શાળાથી 1 કીલોમીટર કરતાં વધુ હોય તેવા દોઢ લાખથી વધુ બાળકોને વાહનવ્યવહારની સુવિધા આપવા માટે 60 કરોડની જોગવાઇ

રાજ્યની વિવિધ યુનિવર્સિટી ખાતે પીએચડી ડિગ્રી માટે સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે 20 કરોડની જોગવાઈ

અભિરૂચી ધરાવતાં બાળકોને સંસ્કૃત શિક્ષણમાં જોડવા પ્રોત્સાહન આપવા અને શ્રેષ્ઠ આચાર્યો તૈયાર કરવાના હેતુથી 37 સંસ્કૃત પાઠશાળાઓના સુદ્દઢીકરણ માટે મિશન ગુરૂકુળ યોજના અંતર્ગત 10 કરોડની જોગવાઇ.

હયાત નિવાસી શાળાઓ જેવી કે, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, મોડેલ સ્કૂલ અને આશ્રમ શાળાઓ ખાતે ઉત્તમ પ્રકારનું નિવાસી શિક્ષણ મળે તે હેતુથી વિશાળપાયે માળખાગત સુવિધાઓ ઊભી કરવાની યોજના માટે 80 કરોડની જોગવાઇ.

જણાવી દઈએ કે, આ વર્ષના બજેટમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 7232 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાંથી કેટલીક મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ છે.

ખેડૂતોને હવામાન આધારિત માર્ગદર્શન સમયસર મળે તે હેતુથી 1800 ઓટોમેટિક વેધર સ્ટેશનની સ્થાપના માટે 12 કરોડની જોગવાઈ.

રાજ્યના 4 લાખ ખેડૂતોને બિયારણ અને અનાજ સંગ્રહ માટે એક ડ્રમ અને પ્લાસ્ટિકના બે ટબ વિના મૂલ્યે આપવા 87 કરોડની જોગવાઈ.

ડાંગ જિલ્લાને સંપુર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવા પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને પ્રોત્સાહિતક કરવા પ્રથમ વર્ષે 10 હજાર તથા બીજા વર્ષે 6 હજાર રૂપિયાની નાણાકીય સહાયની યોજના માટે 32 કરોડની જોગવાઈ.

ફૂડ પ્રોસેસિંગ માટે એકમ દીઠ 10 લાખ રૂપિયાની સહાય માટે 82 કરોડની જોગવાઈ.

રોગ-જીવાતના સમયસર સર્વે થકી ઉપદ્રવની જાણકારી મેળવી તેના અસરકારક નિયંત્રણ માટે પ્રાયોગિક ધોરણે રાજ્યના 10 જિલ્લામાં મોબાઈલ ક્રોપ ક્લિનિક માટે 2 કરોડ રૂપિયાની જોગવાઈ.

બીજ ઉત્પાદક ખેડૂતો માટે ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ફાઉન્ડેશન તેમજ સર્ટિફાઈટ બીજ ઉત્પાદન માટે સહાય આપવા 55 કરોડની જોગવાઈ.

ઓર્ગેનિક તેમજ પ્રાકૃતિક ખેતી આધારિત ફળો અને શાકભાજીના ઉપ્તાદનોનું સીધું વેચાણ રાજ્યના ખેડૂતો દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના શહેરી વિસ્તાર માટેની ઓર્ગેનિક એગ્રિકલ્ચર માર્કેટ યોજના માટે 20 કરોડ રૂપિયાની જોગવાઈ.

એટલું જ નહિ બાગાયત ખેતીની યોજનાઓ માટે કુલ 442 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જેમાંથી કેટલીક મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ છે.

સેન્ટર ફોર એક્સલેન્સના અને નર્સરીઓ સદ્દઢીકરણ તેમજ અર્બન હોર્ટિકલ્ચર ડેવલોપમેન્ટ કેન્દ્રોમાં તાલીમ આપવા માટે 2 કરોડની જોગવાઈ

બિનઉપજાઉ સરકારી પડતર જમીનને બાગાયતી અને ઔષધિય પાકોની ખેતી માટે બાગાયત વિકાસ મિશનની જાહેરાત.

પ્રથમ તબક્કામાં કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠાની 50 હજાર એકર ખરાબાની બિનઉપજાઉ જમીન ઉપજાઉ બનાવવા ભાડાપટ્ટે આપવામાં આવશે. જેનાથી 2 લાખ ટન બાગાયતી પાકોનું ઉત્પાદન અને પ્રોસેસિંગની તકો ઉભી થશે. આ યોજના માટે 100 કરોડ રૂપિયાની જોગવાઈ.

પશુપાલન માટેની કેટલીક જોગવાઈઓ :

ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ માટે 25 કરોડ રૂપિયાની જોગવાઈ.

ડેરી ફાર્મની સ્થાપના, બકરાં એકમની સ્થાપના માટે 81 કરોડ રૂપિયાની જોગવાઈ.

મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે 20 કરોડ રૂપિયાની જોગવાઈ.

10 ગામ દીઠ 1 ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે 43 કરોડ રૂપિયાની જોગવાઈ.

કરુણા એનિમલ એમ્બ્યુલન્સ-1962 માટે 7 કરોડની જોગવાઈ.

દૂધાળા ગીર-કાંકરેજ ગાયોના પશુના ફાર્મની સ્થાપના અને દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ દ્વારા સ્વરોજગારી ઉભી કરવાની યોજના માટે 3 કરોડ રૂપિયાની જોગવાઈ.

પશુઓ માટે દાણ ખરીદીની સહાય માટે 20 કરોડ રૂપિયાની જોગવાઈ.