પાછળના ખિસ્સામાં પાકીટ રાખતા હોય તો ચેતી જાઓ, આ જાણી લો તો ફાયદામાં રહેશો.

0
486

જો તમે પણ પાકીટ રાખવાના શોખીન છો, તો આ આદત તમારા માટે ઘણી નુકશાનકારક સાબિત થઈ શકે છે, જાણો કેમ. સવારે સ્નાન કરીને તૈયાર થઈ ગયા, વાળ ઓળી લીધા, ઘડિયાળ પહેરી, મોબાઈલ ચેક કર્યો અને કાંસકી-પર્સ ખીસામાં મૂકીને ઓફિસ અથવા દુકાન પર જવા માટે તૈયાર થઈ ગયા. વિશ્વના મોટાભાગના પુરુષોની સવાર કંઈક આ રીતે જ થાય છે. મોબાઈલ સિવાય આ બધામાં એક એવી વસ્તુ છે, જે જો ભૂલી જવાય તો દિવસ ઘણો અધૂરો લાગે છે. તે વસ્તુ છે પર્સ અથવા પાકીટ.

આ પર્સમાં પૈસા, ફોટા, ક્રેડિટ-ડેબિટ કાર્ડ્સ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને અન્ય મહત્વપૂર્ણ ઓળખ પત્ર હોય છે. સ્વાભાવિક છે કે, જો આટલી બધી વસ્તુઓ એક જ જગ્યાએ રાખવામાં આવે તો પર્સ પાસે ઘણી જવાબદારી પણ રહે છે. આ કારણોસર તે ઘણું જાડુ થઇ જાય છે. અને આ પર્સ ક્યાં રાખવામાં આવે છે? મોટે ભાગે પાછળના ખિસ્સામાં. અને તમારી આ ટેવ જોખમી બની શકે છે. જો તમે પર્સને થોડીવાર માટે પાછળના ખિસ્સામાં રાખો છો, તો કોઈ ખાસ સમસ્યા નહિ થવી જોઈએ. પરંતુ જો તે આખો દિવસ અથવા કેટલાક કલાકો સુધી તમારા પાછળના ખિસ્સામાં રહે છે, તો તમારે વિચારવાની જરૂર છે.

કેટલાક લોકો સોશિયલ મીડિયા પર વાતો કરી રહ્યા છે કે, પાછળના ખિસ્સામાં જાડા પર્સ રાખવાથી કરોડરજ્જુ વાંકી થઇ જાય છે. શું તે સાચુ છે? અને આપણે ત્યાં એવી પણ માનસિકતા જોવામાં આવે છે કે, પર્સ જેટલું જાડુ હશે, રુઆબ એટલો જ વધારે હશે.

દુઃખાવો ક્યાં થઈ શકે? મેન્સહેલ્થમાં એક અહેવાલ પ્રકાશિત થયો હતો, જેમાં યુનિવર્સિટી ઓફ વોટરલૂના પ્રોફેસર ઓફ સ્પાઇન બાયોમેકેનિક્સ સ્ટુઅર્ટ મેકગિલે કહ્યું હતું કે, પર્સ થોડા સમય માટે રાખવા માટે હોય છે, પરંતુ જો તમે કાર્ડ, બીલ અને સિક્કાના બંડલ પર ઘણા કલાકો સુધી બેસસો તો તેનાથી હિપ (નિતંબ) જોઈન્ટ અને કમરના નીચલા ભાગમાં દુ:ખાવો થવા લાગશે.

આ સમસ્યા શરૂ થાય છે સિયાટિક ચેતા સાથે, જે બરાબર હિપ જોઈન્ટની પાછળ હોય છે. જાડા પર્સ મુકવાને કારણે, આ ચેતા પાકીટ અને હિપ વચ્ચે દબાય છે અને મુશ્કેલી ઉભી કરી શકે છે. આ ગંભીર બાબત એટલા માટે છે કારણ કે દુઃખાવો ભલે હિપ(નિતંબ) થી શરૂ થાય છે, પરંતુ તે પગના નીચેના ભાગ સુધી પણ જઈ શકે છે. ડો. મેકગિલે પીઠના દુ:ખાવાનો અભ્યાસ કરવા માટે એક પ્રયોગ કર્યો હતો, જેમાં એક હિપની નીચે નાના કદનું પર્સ મૂક્યું.

હિપ પર શું અસર થશે? પાછળના ખિસ્સામાં જાડા પર્સ રાખવાને લીધે પેલ્વિસ (હિપ) પણ એક તરફ નમે છે, જેના કારણે કરોડરજ્જુ પર વધુ દબાણ આવે છે. સીધા બેસવાને બદલે, આ રીતે પર્સ સાથે બેસવાથી કમરના નીચેના ભાગમાં મેઘધનુષ્ય જેવો આકાર રચાય છે. અને પર્સ જેટલું જાડુ હશે, શરીર એટલું વધારે એક તરફ વળશે અને એટલો જ વધારે દુઃખાવો થશે. પરંતુ સમસ્યા એ છે કે જાડા પર્સને આગળના ખિસ્સામાં રાખવું પણ મુશ્કેલ છે, કારણ કે તેનાથી આગળના ભાગમાં પણ દુ:ખાવો થઈ શકે છે.

કેટલાક ડોકટરોનું કહેવું છે કે, જો કરોડરજ્જુમાં પહેલાથી કોઈ સમસ્યા હોય તો તે ઘણી મુશ્કેલી લાવી શકે છે. દિલ્હીની પ્રાઇમસ હોસ્પિટલના હાડકાના ડોક્ટર કૌશલ કાંત મિશ્રાને પૂછવામાં આવ્યું હતું કે, “પર્સને પાછળના ખિસ્સામાં રાખવાથી કઈ સમસ્યા થાય છે?” તો તેમણે જણાવ્યું હતું કે, આદર્શ પરિસ્થિતિમાં કોઈ સમસ્યા નહિ થવી જોઈએ. જો કરોડરજ્જુ સામાન્ય છે, તો કોઈ સમસ્યા નહીં થાય.

ઘણા કલાકો ખતરનાક : પરંતુ આ કિસ્સામાં કરોડરજ્જુ સામાન્ય હોવી જરૂરી છે. “તો પછી આપણે એવું માની લઈએ કે જાડા પર્સને પાછળના ખિસ્સામાં રાખવાથી કોઈ સમસ્યા નહીં થાય.” આ વાત પર તેમણે કહ્યું, “એવું પણ નથી. જો તમે આ થોડા સમય માટે કરો છો તો પછી કોઈ સમસ્યા નથી, પરંતુ જો તમે આ ઘણાં કલાકો સુધી કરો છો, તો દુઃખાવો થશે જ.”

તેમણે કહ્યું, “જો કોઈ વ્યક્તિ ઘણા કલાકો સુધી પાછળના ખિસ્સામાં પાકીટ રાખીને બેસે છે, તો તેનાથી કરોડરજ્જુના આકારમાં ફેરફાર નહીં થાય, પરંતુ સાયટિકા ચોક્કસપણે થઈ શકે છે.” ડો. મિશ્રાએ કહ્યું, “આ એક રેડિએટિંગ પેન હોય છે, એટલે કે દુઃખાવો એક જ જગ્યાએ ન થઈને વારંવાર જગ્યા બદલે છે.”

અને આ દુઃખાવો કેવી રીતે દૂર કરી શકાય છે?

ઘૂંટણ વાળો અને જમીન પર સૂઈ જાઓ. ઘૂંટણ નીચે લઇ જતી વખતે જમણી તરફ લઇ જાવ, જ્યારે ખભા અને હિપને જમીન પર રાખો અને ડાબી બાજુ લઇ જાવ. તેનાથી તમારી કમરના નીચેના ભાગમાં ઘણો આરામ અનુભવાશે.

જમીન પર સૂઈ જાઓ અને ઘૂંટણને છાતી સાથે લગાવો અને પગનો બહારનો ભાગ પકડી લો. કમરના ઉપરના ભાગને આધાર બનાવીને રોલ કરો અને તમે જોશો કે પીઠનો દુ:ખાવો ઘણી હદ સુધી સારો થઇ રહ્યો છે.

તમારે તમારું પાકીટ કેવી રીતે રાખવું જોઈએ?

તમે પૈસા રાખવાવાળી ક્લિપ અથવા પાતળી સ્ટાઇલવાળું પાકીટ રાખી શકો છો, જે સરળતાથી આગળના ખિસ્સામાં મૂકી શકાય છે.

તમે એવું પાકીટ પણ ખરીદી શકો છો જેની સાથે ચાવીઓ જોડીને રાખી શકાય છે. એવું કરવાથી જ્યારે પણ તમે પાકીટ પાછલા ખિસ્સામાં મૂકીને બેસવા જશો, ત્યારે તમને ચાવી ખૂંચશે અને તમે પાકીટને આગળ રાખવા મજબુર થશો.

જો તમે ખાકી પેન્ટ અથવા ડ્રેસ પેન્ટ પહેરો છો, તો તેનું બટન બંધ કરો જેથી પાકીટ પાછળ રાખવાની ટેવ ન રહે.

જો શક્ય હોય તો, પાકીટ ખરીદવાનું જ છોડી દો. એવા ઘણા લોકો છે જે પાતળા કાર્ડહોલ્ડર અને પૈસા તેમના આગળના ખિસ્સામાં રાખે છે.

તમારું પાકીટ અથવા મોબાઈલ ફોન પાછલા ખિસ્સામાંથી કાઢીને રાખો અને તેને એક પડકારના રૂપમાં જુઓ.