પતિએ ગર્ભવતી પત્નીને માર મારીને ‘તારા પેટમાં બીજાનું બાળક છે’ એવું કહી ઘરમાંથી કાઢી મૂકી.

0
212

આપણા દેશમાં મહિલાઓ પર થતી ઘરેલુ હિંસાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અલગ અલગ કારણો સર મહિલાઓ પર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. સાસરીવાળા વહુને દહેજ બાબતે, કામ બાબતે કે અન્ય કોઈ કારણો સર પરેશાન કરતા હોય એવા ઘણા કેસ સામે આવતા રહે છે. પતિ પત્ની વચ્ચે નજીવી બાબતમાં થયેલા ઝઘડા પણ એવા મોટા સ્વરૂપ ધારણ કરી લે છે, કે વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય છે.

એવામાં હાલમાં માધવપુરામાંથી પણ પોલીસ સમક્ષ એક એવો જ કેસ સામે આવ્યો છે. તેમાં એક પરિણીતાને તેનો પતિ અવારનવાર શારિરીક માનસિક ત્રાસ આપતો હોવાની વાત સામે આવી છે. અને તેના પતિએ તેને ‘તારા પેટમાં બીજાનું બાળક છે’ તેમ કહીને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. ત્યારબાદ તે મહિલા પોતાના પિયર જતી રહી હતી, અને ત્યાંથી પોલીસ સ્ટેશન પહોંચી અને ફરિયાદ નોંધાવી મદદની માંગણી કરી હતી.

સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, તે મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેનો શંકાશીલ પતિ અને તેના સાસરિયાવાળા તેને માનસિક ત્રાસ આપે છે. મહિલાએ આગળ જણાવ્યું કે, લગ્નના પહેલા વર્ષમાં તેના પતિ અને સાસરિયા તેની સાથે સારું રાખતા હતા. પરંતુ છેલ્લા છ મહિનાથી તેનો પતિ તેના પર ખોટી શંકા અને વહેમ રાખે છે, અને તેની સાથે બોલાચાલી કરીને ઝઘડો રહે છે. આવું વારંવાર થતું હતું.

એટલું જ નહિ તેનો પતિ તેને ‘તું તારા પિયરમાંથી પૈસા લઈને આવ, મારે મોટર સાયકલ અને ગાડી લાવી છે’ એવું કહીને તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. આ કામમાં મહિલાના સાસરીવાળા પણ તેના પતિનો સાથ આપતા હતા. તે મહિલાના સસરા પણ તેના પતિનું ઉપરાણું લઈને મહિલા સાથે વારંવાર ઝઘડા કરતા હતા.

એ દરમિયાન જુલાઈ મહિનામાં તે મહિલાના પતિએ તેની સાથે ઝઘડો કરીને તેને માર માર્યો હતો, અને ‘તારા પેટમાં જે બાળક છે તે મારું નથી, તું હવે તારા પિયરમાં જ રહેજે’ એવું કહીને તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. ત્યારબાદ મહિલા તેના પિયરમાં રહેવા માટે ચાલી ગઈ હતી, અને પછી પોલીસને જાણ કરી હતી. પોલીસે તે મહિલાની ફરિયાદના આધારે કેસમાં વધુ તપાસ શરૂ કરી દીધી છે.

પ્રોફાઈલ ફોટો પ્રતિકાત્મક છે (સોર્સ – ગુગલ).