રાશિ અનુસાર જાણો કેવું રહેશે તમારું ધનતેરસ અને દિવાળીવાળું અઠવાડિયું, કોને કોને થશે લાભ?

0
272

ધનુ : આ સપ્તાહના પહેલા દિવસે તમે પ્રિયપાત્ર, જીવનસાથી અને વ્યાવસાયિક ભાગીદાર અથવા નોકરીના સ્થળે તમારા સહકર્મી સાથે બહેતર સમય વિતાવી શકશો. બીજાનો સહકાર તમને ફાયદાકારક રહેશે અને તમારો આત્મવિશ્વાસ પણ વધારશે. જોકે, તે પછીના બે દિવસમાં શારીરિક અને માનસિક બેચેનીભર્યો તબક્કો હશે. આવી સ્થિતિમાં ઇશ્વરનું નામ સ્મરણ અને આધ્યાત્મિકતા આપના મનના બોજને હળવો કરશે. સ્વાસ્થ્યમાં પણ થોડી બેચેની વર્તાશે. કોઇકનાં વચનોથી આપને મનદુ:ખ થાય અને આપની લાગણી દુભાય.

આવી સ્થિતિમાં પ્રોફેશન મોરચે મોટા નિર્ણય લેવાનું ટાળજો. વ્યવસાયની બાબતોમાં કોઈ પર આંધળો વિશ્વાસ મૂકતા નહીં. કોઇપણ દસ્તાવેજો પર સહી કરતા પહેલા તેનો ઝીણવટપૂર્ણ અભ્યાસ કરી લેવો. ઉત્તરાર્ધમાં પ્રોફેશનલ પ્રગતિની સારી તકો મળી શકે છે. પ્રેમસંબંધોમાં હોય તેઓ પ્રિયપાત્ર સાથે મનોરંજક સ્થળો, સીનેમા કે શોપિંગનો આનંદ માણી શકે. દૂર વસતા પાત્ર સાથે કમ્યુનિકેશન વધશે. ઉચ્ચ અભ્યાસ માટે ઉત્તરાર્ધ બહેતર છે. આ સમયમાં ખાસ કરીને આપે તીખુ-તળેલું તેમજ જંક ફૂડ ખાવાનું ટાળવું પડશે અન્યથા સ્વાસ્થ્યની સમસ્યા ઉભી થશે.

કન્યા : સપ્તાહની શરૂઆતમાં તમારી પાસે નાણાંની આવક સારી રહેશે. આપ્તજનો પાસેથી ભેટરૂપે અથવા અન્ય કોઇ પ્રકારે લાભની આશા રાખી શકો છો. સપ્તાહના મધ્યમાં નાણાંના પ્રશ્ને સાવધ રહેવાની સલાહ છે. આ સપ્તાહે આપના માટે નોકરી- ધંધાનું ક્ષેત્ર સ્પર્ધાયુક્ત રહે. આપના કાર્યમાં અડચણ ઊભી કરનાર સામે આપ લડત આપશો. માનસિક વ્યગ્રતા- ટેન્શન દૂર કરવા સમય મુજબ ગણતરીપૂર્વકનું આયોજન કરવું. સપ્તાહના છેલ્લા ચરણમાં સરકારી, અર્ધસરકારી કાર્યોમાં સફળતા મળે.

છેલ્લા ચરણમાં તમારામાં વિજાતીય આકર્ષણ ઘણું જોવા મળે. પ્રિયપાત્રની ખુશી માટે તેમજ પોતાના માટે તમે વસ્ત્રો, આભૂષણો અથવા કોઇ મોંઘી ચીજોની ખરીદી કરો તેવી શક્યતા છે. વ્યક્તિત્વના પ્રભાવથી અવિવાહિતો અત્યારે યોગ્ય પાત્રને આકર્ષવામાં સફળ રહેશે. સંતાનોથી લાભ થાય પરંતુ તેમાં વિલંબ લાગવાથી તમને મનોમન થોડો વસવસો થઇ શકે છે. વિદ્યાર્થીઓ માટે શરૂઆત અને અંતિમ ચરણ સારું છે પરંતુ મધ્ય તબક્કામાં સાચવીને આગળ વધજો. સ્વાસ્થ્ય સુખાકારી મામલે ખાસ કરીને દાંત, જીભ, ગરદન અથવા ખભાને લગતી સમસ્યાઓ થઇ શકે છે.

મિથુન : આ સપ્તાહે આપને ગ્રહોનો સાથ મળી રહ્યો હોવાથી મોટાભાગનો સમય ઉલ્લાસ અને માનસિક શાંતિ સાથે પસાર કરી શકશો. શરૂઆતમાં તમે વાણીના પ્રભાવથી લોકોમાં પોતાની અલગ ઓળખ બનાવી શકશો અને પોતાના કાર્યો પણ પાર પાડી શકશો. તમે સર્જનાત્મક, કલાત્મક તેમજ આધ્યાત્મિક દૃષ્ટિએ પ્રેરિત થશો. આપ સંબંધોમાં તમે વધુ સક્રિય બનશો. પ્રોફેશનલ હેતુથી તમે આ સપ્તાહે પૂર્વાર્ધમાં કોઇ ટુંકી મુસાફરી કરી શકશો. વિદ્યાર્થી જાતકો શરૂઆતથી જ અભ્યાસમાં કેન્દ્રિત રહેશે.

જેઓ રોજિંદા કાર્યોથી થોડો વિરામ લઇને આપ્તજનો સાથે સમય વિતાવવા માંગતા હોય અથવા તેમની સાથે પિકનિકનું આયોજન કરવા માંગતા હોય તો શરૂઆતમાં આ પ્લાન સફળ થઇ શકે છે. પરિવારની ખુશી માટે કોઇ પણ ચીજો ખરીદવામાં અથવા પોતાની આસપાસના માહોલમાં સજાવટ પાછળ તમે સપ્તાહના મધ્યમાં ખર્ચ કરી શકો છો. સ્વાસ્થ્યની સ્થિતિ સારી જળવાઈ રહેશે પરંતુ જો કોઇપણ સમસ્યા અગાઉથી હોય અથવા સમસ્યા થાય તો શરૂઆતના તબક્કે જ તેનો યોગ્ય ઇલાજ કરવો અન્યથા તમારી ગાફેલિયતાના કારણે ભવિષ્યમાં તે મોટું રૂપ લઇ શકે છે.

મેષ : સપ્તાહની શરૂઆતમાં જો કે આપ ધૈર્ય અને ખંતથી કામ લેશો તો સમસ્યાઓને હળવી કે દૂર કરવામાં ચોક્કસપણે સફળતા મળશે. પરિવારમાં રહેલી સમસ્યાઓ કે પ્રશ્નોનું હવે સુખદ રીતે નિરાકરણ મળતા ઘરમાં આનંદિત માહોલ રહેશે. આ સમયે નવા સંબંધો શરૂ કરવાનુ જોખમી હોય શકે છે. આ તબક્કે અન્ય લોકોને આપની ઇર્ષા થાય. પ્રોફેશનલ જીવનમાં કેટલાક ક્ષેત્રોમાં અવરોધો આવે. આસપાસના લોકો આપના મંતવ્યને ગંભીરતાપૂર્વક લેશે. સપ્તાહના અંતમાં આ સમયમાં આર્થિક આયોજનો થવાની શક્યતા છે અને આપના વ્યવસાયિક સહયોગીઓના કારણે આપના હાથમાં રોકડનું પ્રમાણ વધશે.

તમને આ સમયમાં નવા પ્રોજેક્ટ મળે અથવા નવું કામ હાથ ધરો તેવી પણ સંભાવના છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઇચ્છિત પ્રગતિ અને સફળતા મેળવવા માટે પ્રારંભિત તબક્કો વધુ અનુકૂળ જણાઇ રહ્યો છે. પ્રેમસંબંધો માટે પણ પૂર્વાર્ધ ઉત્તમ છે. પ્રેમનો પ્રસ્તાવ મુકી શકો છો પરંતુ શબ્દોમાં વધુ સ્પષ્ટતા રાખવી. વિવાહિતોને અંતિમ ચરણમાં સંબંધોમાં ઘનિષ્ઠતા રહે. સપ્તાહના મધ્યમાં સ્વાસ્થ્યની વધારે કાળજી રાખવી પડશે. સુસ્તી અને આળસને કારણે આપ બેચેની અનુભવો અને પીઠમાં દુખાવો અથવા બીપીમાં વધઘટ થાય તેવું બની શકે છે.

કુંભ : સપ્તાહની શરૂઆતમાં નોકરિયાતોને કામકાજમાં સાનુકૂળતા વધશે. પૂર્વાર્ધમાં તમે જાતે મહેનત કરવા ઉપરાંત ટીમવર્કમાં પણ સારી રીતે કામ કરીને પોતાનું કૌશલ્ય પૂરવાર કરી શકો. સપ્તાહના મધ્યમાં તમારું મન થોડું વ્યાકુળ રહેવાથી કામકાજમાં મજા નહીં આવે. જોકે, છેલ્લા ચરણમાં તમે નવા ઉમંગ સાથે કામમાં આગળ વધશો. ભાગ્યનો સાથ મળવાની આશા રાખી શકો છો. આ સમય આપે લોકો પર કરેલા અહેસાનો અને કામોનો બદલો મેળવવાનો છે. સપ્તાહની શરૂઆતમાં સંબંધોનું સુખ પણ સારી રીતે ભોગવી શકો.

તમે સંબંધોનું મૂલ્ય સમજો અને તેનું સિંચન કરતા પણ શીખશો. સપ્તાહના મધ્યમાં તમારી વ્યાકુળતા અથવા વૈચારિક ગડમથલ પ્રેમસંબંધોમાં તણાવ લાવી શકે છે. શક્ય હોય તો મુલાકાતો અને કમ્યુનિકેશન ટાળવું. છેલ્લા દિવસે તમે ફરી તમારા સાથીની નજીક આવશો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જાતકો માટે શરૂઆતનો તબક્કો જ્યારે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છેલ્લો દિવસ બહેતર છે. આ સપ્તાહે તમને ઋતુગત સમસ્યાઓની અસર ઝડપથી થવાની શક્યતા છે માટે સ્વાસ્થ્યની કાળજી લેવી.

તુલા : સપ્તાહની શરૂઆતમાં વેપારીઓ પોતાના વ્યવસાયમાં સારો લાભ મેળવી શકશે. નોકરિયાતોને પણ કારકિર્દીમાં પ્રગતિ માટે નવી દિશાઓ ખુલતી દેખાશે. તમે કામકાજમાં નવા પ્રયોગો કરવામાં અત્યારે પાછા પડશો નહીં અને તેનું ફળ મળવાની પણ સારી શક્યતા છે. સપ્તાહના મધ્યમાં તન અને મનથી હળવાશનો અનુભવ કરશો. આપના મનગમતાં મિત્રો સ્વજનો સાથે બહાર હરવા ફરવાથી આપ ખૂબ જ આનંદમાં હશો. સમાજમાં આપને માન-સન્માન મળે. વેપારીઓને ઉઘરાણીના નાણાં વસૂલ થાય. આપને ઘરમાંથી તેમ જ સંતાનો તરફથી શુભ સમાચાર મળે.

જૂના મિત્રોને વર્ષો પછી મળવાથી તેમની સાથેની મુલાકાત અને મીઠી યાદો તાજી કરશે. મધ્યમાં સારી સ્થિતિ બાદ કપરી સ્થિતિની પણ તૈયારી રાખવી પડશે કારણ કે ખાસ કરીને તા. 11ના મધ્યાહનથી 13ના મધ્યાહન સુધી તમારું મન અનેક વિચારોના આટાપાટામાંથી પસાર થશે. તેની અસર કામ અને સંબંધ પર જોવા મળે. સ્વાસ્થ્ય કથળવાની શક્યતા પણ છે. જોકે, અંતિમ ચરણમાં તમે ફરી જુસ્સામાં આવશો. દાંપત્યજીવનમાં વધુ સામિપ્ય અનુભવશો. સ્વાદિષ્ટ ભોજનની લહેજત માણવાનો અને નવા વસ્ત્રોની ખરીદી માટેનો અવસર મળશે. ધન પ્રાપ્તિના યોગ છે.

કર્ક : સપ્તાહની શરૂઆતમાં દૈનિક કામકાજોને આપ કુનેહપૂર્વક સંભાળશો અને તમારામાં પ્રગતિ માટે એક અલગ ઉત્સાહ જોવા મળે. તમારા ચહેરા પર શરૂઆતમાં તેજ વધુ રહેશે. દિનચર્યા ઉપરાંત અંગત શોખનું મહત્વ પણ તમે સમજશો જેથી પોતાની જાત માટે ખરીદી, હરવુંફરવું વગેરેમાં ખર્ચની શક્યતા છે. બીજા અને ત્રીજા દિવસે આપની આવકમાં વધારો થાય અથવા ઉઘરાણી જેવા કાર્યો ઉકેલાવાથી ખિસ્સુ ભરેલું રહેશે. આવી સ્થિતિમાં તમે આર્થિક આયોજનો વધુ સારી રીતે પાર પાડી શકો.

સંબંધોની વાત કરીએ તો, આ સમયમાં તમે બંધનમાં બધાવા કરતાં માત્ર રોમાન્સ અને મોજમસ્તી માટેના સંબંધો રાખવામાં વધુ રસ દાખવશો. ત્વરિત વિચારશક્તિના કારણે સમસ્યાઓ ઝડપથી ઉકેલી શકશો. શિક્ષણની વાત કરીએ તો, આપને વધુને વધુ જ્ઞાનની પ્રાપ્તિની ઝંખના રહેવાથી સતત કંઈક નવું જાણવા માટે તમે પ્રયત્નશીલ રહેશો પરંતુ કોઇપણ મુદ્દાને સમજવા માટે વારંવાર બીજાના માર્ગદર્શનની જરૂર પડે. અત્યારે સ્વાસ્થ્ય સુખાકારી જળવાશે પરંતુ શરદી, કફ જેવી સામાન્ય સમસ્યાઓ પરેશાન કરી શકે છે.

મીન : સંબંધો મામલે આ સપ્તાહે શરૂઆત સારી થશે જે તમારા વિચારોમાં અને અભિગમમાં સકારાત્મકતા લાવશે. આનો ફાયદો તમને પ્રોફેશનલ મોરચે પણ થશે. નાના ભાઇ- બહેનો સાથે સુમેળ રહે. પરિવારમાં આપ વ્યવહારુ અભિગમના બદલે લાગણીથી દરેક નિર્ણય લેશો. જોકે, કામકાજના સ્થળે તમે ફરી વાસ્તવિક પાસું જોવા માટે તૈયાર થઇ જશો. સપ્તાહના બીજા અને ત્રીજા દિવસે કાર્યસ્થળે તમે પોતાનું કૌશલ્ય પુરવાર કરીને આગળ વધવાનો માર્ગ તૈયાર કરી શકશો. આવકના સાધનોમાં વધારો થશે પરંતુ જો રોકાણનો વિચાર કરી રહ્યા હોવા તો હાલમાં આંધળુ સાહસ કરવાનું ટાળજો.

વ્યવસાયિક ક્ષેત્રે વિદેશ વેપાર અથવા દેશાવર કાર્યોમાં થોડી અનિશ્ચિતતાઓ રહે. તમારામાં રહેશી ઉર્જાને યોગ્ય દિશામાં વાળવાથી તમે નવા મુકામો સર કરી શકશો. વિદ્યાર્થીવર્ગને શરૂઆતમાં અભ્યાસમાં ઘણું સારું ધ્યાન કેન્દ્રિત થશે જ્યારે ઉત્તરાર્ધમાં ઈતરપ્રવૃત્તિઓમાં વધુ પડતું ધ્યાન ખેંચાશે. અત્યારે પિતા અથવા કોઇપણ વડીલો, કાર્યસ્થળે ઉપરીઓ તેમજ સમાજમાં વગદાર લોકો સાથે સંબંધોમાં થોડુ સાચવજો. સ્વાસ્થ્ય બાબતે મોટાભાગે આખા સપ્તાહમાં કાળજી લેવી જરૂરી છે.

વૃશ્ચિક : સપ્તાહની શરૂઆતમાં આપને ફરી જોશ અને જુસ્સામાં આવતા વાર નહીં લાગે માટે નિર્ધારિત કાર્યો પાર પાડી શકો. આપના શુભેચ્છકો અને મિત્રો સાથે મુલાકાતના યોગો છે. મકાન- વાહનના દસ્તાવેજો કરી શકો તેમજ તેનાથી ફાયદો થઇ શકે છે. વાટાઘાટો કે બૌદ્ધિક ચર્ચામાં આપ પોતાની વાત બીજા લોકોને સારી રીતે સમજાવી શકો. દૂરના અંતરે થતું કમ્યુનિકેશન અત્યારે તમારી પ્રગતિમાં મહત્વનો ભાગ ભજવશે અને તેમાં તમે કુશળ હોવાનું પુરવાર કરી શકશો. સરકારી કાર્યો અથવા કાયદાકીય બાબતોમાં આ સપ્તાહે પણ તમારે થોડુ સાચવવું.

નોકરિયાતોને પણ ઉપરીઓ સાથે સંબંધોમાં થોડો તણાવ રહી શકે છે. સપ્તાહના મધ્યમાં તમે પ્રેમસંબંધ, સામાજિક કાર્યો, ધાર્મિક અથવા શુભપ્રસંગોમાં વ્યસ્ત રહેશો અને કોઇને કોઇ પ્રકારે લાભની પણ અપેક્ષા રાખી શકો છો. વિદ્યાર્થીઓ માટે પણ મધ્યનો તબક્કો બહેતર છે. જોકે, છેલ્લા બે દિવસમાં કોઇપણ વ્યક્તિ સાથે સાવધાનીપૂર્વક વર્તવાની સલાહ છે. કોઇના ઝઘડામાં સમાધાન કરાવતા કે કોઈના જામીન બનતા ફસાઈ જાઓ તેવી શક્યતા છે. સ્વાસ્થ્યની પણ ખાસ કાળજી લેવાની સલાહ છે.

મકર : આ સપ્તાહે આરંભમાં આપની બૌદ્ધિક ક્ષમતાથી આપને ચર્ચામાં જોડાવાનું મન થાય. પ્રોફેશનલ મોરચે વાટાઘાટો થઇ શકે છે. દેશાવર કાર્યોમાં શરૂઆતમાં અને અંતિમ ચરણમાં લાભદાયી મોટા સોદા મળી શકે છે. અટકેલા કન્સાઇન્મેટ છેલ્લા ચરણમાં છુટા થવાની શક્યતા છે. ઉત્તરાર્ધમાં તમે મોટાભાગે પ્રોફેશનલ પ્રગતિમાં ફોકસ કરશો. જોકે, બીજા અને ત્રીજા દિવસે કોઇપણ નવા કાર્યો કરવાનું મુલતવી રાખજો. આ બંને દિવસ પોતાની સ્થિતિ યથાવત રાખીને આત્મમંથન કરવાના છે તેમ કહી શકાય.

સંબંધો મામલે પણ આ બંને દિવસમાં સાચવજો. પરિવારમાં સુલેહપૂર્ણ વાતાવરણ રહેશે. પરિવારના કોઇ સભ્ય તરફથી આર્થિક લાભ થવાની શક્યતા પણ છે. ઉત્તરાર્ધમાં આપ વાણીના માધુર્યથી સ્નેહીનું મન જીતી શકો. પ્રિય પાત્રની મુલાકાત મનને આનંદિત કરે પરંતુ સંબંધોમાં પારસ્પરિક વિશ્વાસ ટકાવવા વધુ પ્રયાસ કરવા પડશે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉત્તરાર્ધમાં અવરોધો ટળશે. સપ્તાહના બીજા અને ત્રીજા દિવસે સ્વભાવમાં ઉગ્રતા અથવા ઉદ્વેગના કારણે સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે.

સિંહ : સપ્તાહની શરૂઆતમાં સ્થાવર મિલકત અંગેના પ્રશ્નો ઊભા થાય કે તકલીફો આવે. આપની શાંતિ હણાઇ ગઇ હોય તેવું લાગે. તેથી આપ શાંતિમય જીવન જીવવા માટે કંઇ જ ના કરો, બસ કામના સમયે કામ કરો અને જ્યારે કશું ના કરતા હોવ ત્યારે આરામ કરો. નોકરીમાં ફેરફાર થવાની શક્યતા પણ નકારી શકાય નહીં. સપ્તાહના મધ્યમાં મુસાફરીના યોગો બને તેમજ આપ્તજનો સાથે તમે બહેતર સમય વિતાવીને જીવનમાં સકારાત્મકતાના અહેસાસ કરો. દાંપત્યજીવનમાં ઘનિષ્ઠતા વધી શકે છે.

અવિવાહિતોને પણ યોગ્ય પાત્ર સાથે મુલાકાતની શક્યતા નકારી શકાય નહીં. સપ્તાહના મધ્યમાં તમે વ્યવહારિક બાબતોમાં વધુ સક્રિય થશો. સપ્તાહના ઉત્તરાર્ધમાં તમે આવકમાં વધારો કરવા માટે કોઇ નવા સ્ત્રોતો વિચારો અથવા વર્તમાન સ્ત્રોતોમાં કોઇ ફેરફાર કરો તો ફાયદો થઇ શકે છે. ઉઘરાણી અથવા લોન જેવા કાર્યોમાં પણ તમે કરેલા પ્રયાસોનું બહેતર ફળ મળી શકે છે. વિદ્યાર્થીઓ તેમના ભાવિ અભ્યાસ અંગે અત્યારે આયોજન કરી શકશે. શરૂઆતના બે દિવસને બાદ કરતા મોટાભાગે આપનું સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃષભ : આ સપ્તાહે તમે શરૂઆતમાં પરિવાર પર અને બાદમાં પ્રોફેશન પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશો. સહકર્મચારીઓ અને ઉપરીઓ સાથે સારા સંબંધ રહેશે અને તેમનું માર્ગદર્શન આપના માટે પ્રગતિનું કારણ બની શકે છે. અત્યારે જન્મભૂમિથી દૂરના અંતરના કાર્યોમાં થોડો વિલંબ થઇ શકે છે. ભાગીદાર પર વધુ પડતો વિશ્વાસ કરવો નહીં. વિદ્યાર્થી જાતકોને અત્યારે ઇતરપ્રવૃત્તિઓમાં ઓછુ ધ્યાન આપવાની સલાહ છે. શિક્ષણ અંગેના કોઇપણ નિર્ણયમાં ઉતાવળિયું પગલું ભરવું નહીં. ઉત્તરાર્ધમાં તમે શિક્ષણ સંબંધિત બાબતોમાં વધુ સક્રિય બનશો.

ધાર્મિક ઉન્નતિ માટે ધર્મને લગતા કોઇ સાહિત્યનું વાંચન અથવા ચર્ચા પણ થઇ શકે છે. આપના જીવનસાથી અથવા પ્રિયપાત્ર સાથે વિચારોનું આદાન પ્રદાન કરવાથી હર્ષ અને સંતોષ પ્રાપ્ત કરો. જીવનસાથી તરફથી વધુ સહાનુભુતિ મળે. તમારા દિલમાં રોમાન્સની લાગણી મોટાભાગના સમયમાં છવાયેલી રહે પરંતુ પારસ્પરિક વિશ્વાસ પણ જરૂરી છે તે વાત તમારે ધ્યાનમાં રાખવી પડશે. બ્લડ શુગરના સ્તરમાં પણ વધઘટ થઇ શકે છે. ક્ષમતા કરતા વધુ કામ ના કરવું. સપ્તાહના છેલ્લા ચરણમાં તમને ઋતુગત સમસ્યાઓ ઘેરવાનો પ્રયાસ કરશે. પગના સાંધાને લગતી સમસ્યા હોય તેમણે સાચવવું પડશે.

રાશિ અને રાશિફળ સંબંધિત વધારે માહિતી માટે ganeshaspeaks ડોટ com ની મુલાકાત લો.