હાઉસવાઈફને બેવકૂફ ગણતા લોકોના વિચાર બદલાઇ જશે આ સ્ટોરી વાંચ્યા પછી, દરેક પતિ ખાસ વાંચે

0
2330

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. આજે અમે તમારી સમક્ષ એક સ્ટોરી રજુ કરી રહ્યા છીએ, જે વાંચ્યા પછી સમજાશે કે હકીકતમાં એક ગૃહિણી કઈ રીતે પોતાનો આખો દિવસ પસાર કરે છે, અને એણે કેવી મુશ્કેલીઓ વેઠવી પડે છે. આ સ્ટોરી વાંચ્યા પછી ગૃહિણીને બેવકૂફ કહેતા લોકોના વિચાર બદલાય જશે. ઘણા બધા પુરુષોને એવું લાગે છે ગૃહિણીએ કઈં કરવાનું હોતું જ નથી, તેઓ મફતની રોટલી ખાય છે. અને આવી ખોટી માનસિકતા વાળા લોકોના મગજ પર આ સ્ટોરી ઊંડી અસર છોડશે.

તો મિત્રો શરુ કરીએ આજની ખાસ સ્ટોરી. રોજની જેમ જ એક ગૃહિણીએ સવારે ઉઠીને ભગવાનનું નામ લઈને દિવસની શરૂઆત કરી. નિત્યકર્મો પતાવીને તે રસોડામાં આવી અને ગેસ પર ચા મૂકી. પછી પોતાના બાળકોને જગાવ્યા, અને એમને નવડાવીને તૈયાર કર્યા. થોડી વારમાં જ એણે પોતાના સાસુ-સસરાને ચા આપી અને પછી બાળકો માટે નાસ્તો તૈયાર કર્યો. એણે બાળકોને યુનિફોર્મ પહેરાવ્યો અને સ્કૂલે જવા માટે તૈયાર કર્યા.

ફટાફટ પતિ માટે બપોરનું ટીફીન પણ બનાવ્યું. રોજ પતિ બહારનું જમે તો બીમાર પણ પડે અને ઘરના બજેટમાં પણ અસર થાય, એટલે સ્વસ્થ ભોજન ટિફિનમાં પેક કર્યું. એટલામાં સ્કુલની રીક્ષા આવી ગઈ અને તે બાળકોને રિક્ષા સુધી મૂકી આવી. પાછી આવી અને બાળકોના એઠા વાસણ એકઠા કર્યા. ત્યાં જ પતિનો અવાજ આવ્યો કે, મારા કપડા કાઢી આપ. એટલે એમના ઈસ્ત્રી કરેલા કપડાં એમને આપ્યા જેથી તે સારી રીતે તૈયાર થઈને ઓફિસ જઈ શકે.

પતિ માટે નાસ્તો તૈયાર કરીને ટેબલ પર મુક્યો જ કે એટલામાં તેની નાની નણંદ આવી. એણે કહ્યું કે ભાભી આજે મારે કોલેજ જલ્દી જવાનું છે, તો મારો પણ નાસ્તો લગાવી આપો ને. અને દિયરનો પણ અવાજ આવ્યો કે, ભાભી નાસ્તો તૈયાર થઇ ગયો હોય તો હું પણ નાસ્તો કરી લઉં. પતિ અને દિયર નાસ્તો કરીને ઓફીસ જવા માટે રવાના થયા. અને નણંદ પણ કોલેજ જવા માટે નીકળી.

પછી ટેબલ પરથી વધારાના વાસણ સમેટી લીધા, અને સાસુ સસરા માટે નાસ્તો તૈયાર કરવા લાગી. બંનેને નાસ્તો કરાવ્યા બાદ બધા જ વાસણ ભેગા કર્યા અને અને વાસણ ધોવા લાગી. એટલામાં કામવાળી આવી ગઈ. એટલે બાકીના વાસણ કામવાળીનાં હાથમાં સોંપીને ખુદ બેડની ચાદરો સરખી કરવા લાગી અને પછી કામવાળી સાથે મળીને સફાઈ કરવાના કામમાં લાગી ગઈ. 11 વાગી ગયા પણ ઘરનું કામ પૂરું થયું ન હતું.

પછી ઘરની ડોરબેલ વાગી. એટલે દરવાજો ખોલ્યો, તો સામે મોટી નણંદ અને તેના પતી અને બાળકો આવ્યા હતા. તેણે ખુશી ખુશી બધાનું સ્વાગત કર્યું. નણંદની ફરમાઈશ મુજબ નાસ્તો તૈયાર કર્યો અને પછી નણંદની પાસે બેસીને હાલચાલ પૂછ્યા. એટલામાં સાસુનો અવાજ આવ્યો કે, બપોરે જમવાનો શું પ્રોગ્રામ છે. તેણે ઘડિયાળ પર નજર નાખી તો 12 વાગી ચુક્યા હતા.

એટલે તે જલ્દી જ રસોડામાં ગઈ અને શાકભાજીઓ કાઢ્યા અને બપોરના જમવાની તૈયારી કરવા માંડી. જમવાનું બનાવતા બનાવતા બપોરના બે વાગી ગયા. ને બાળકો પણ સ્કૂલેથી આવી ગયા. એણે ફટાફટ બાળકોનો યુનિફોર્મ ઉતાર્યો અને તેને ફ્રેશ કરાવીને બીજા કપડાં પહેરાવી એમને જમાડ્યા. આ વચ્ચે નાની નણંદ પણ કોલેજથી આવી ગઈ અને દિયર પણ આવી ગયા. તેણે બધા માટે ટેબલ પર જમવાનું રાખ્યું અને ખુદ રોટલી બનાવા લાગી. જમીને બધા ફ્રી થયા અને પછી એણે ટેબલ પરના વાસણ એકઠા કર્યા, અને વાસણ માંજવા લાગી.

એ બધા માંથી પરવારી એટલામાં ત્રણ વાગી ગયા. હવે તેને પણ ભૂખનો અનુભવ થઇ રહ્યો હતો. તેણે જોયું તો એક પણ રોટલી બચી ન હતી. એટલે તે ફરી રસોડામાં રોટલી બનાવા ગઈ. ત્યાં પતી આવી ગયો અને કહ્યું કે આજે બોવ જ ભૂખ લાગી છે, તો જલ્દી જલ્દી જ્માવનું બનાવી આપ. તેણે પતિને જમાડ્યા. ત્યાર સુધીમાં 4 વાગી ગયા હતા.

તેટલામાં પતિ બોલ્યો કે આવી જા તું પણ જમી લે. તેણે હેરાનીમાં પોતાના પતી તરફ જોયું તો તેને ખ્યાલ આવ્યો કે તેણે સવારથી કઈ ખાધું જ નથી. આ ખ્યાલની સાથે તે પતિ સાથે જમવા બેઠી. હજી તો પહેલો કોળીયો તેણે મો માં મુક્યો કે તેના આંસુ નીકળી આવ્યા. પતિએ તેના આંસુ જોયા તો પૂછ્યું કે તું શા માટે રડી રહી છે?

તે ચૂપ રહી અને મનમાં વિચારવા લાગી કે, કેવી રીતે કહું કે સાસરે કેટલી મહેનત કર્યા બાદ રોટીનો કોળીયો નસીબમાં લાગે છે. અને લોકો તેને મફ્તની રોટલી કહેતા હોય છે. પતિના વારંવાર પૂછવા પર તેણે માત્ર એટલું જ કહ્યું કે, કઈ નઈ એમ જ રડવું આવી ગયું. પતી હસ્યો અને બોલ્યો કે, તમે લેડીસો પણ ખુબ જ “બેવકૂફ” હોય છે, કોઈ પણ કારણ વગર જ રડવાનું શરુ કરી દેતી હોય છે.

મિત્રો, હવે તમે જ કહો કે, શું ગૃહિણીઓ માટે દિવસ કાઢવો સહેલો હોય છે? શું તેઓ મફ્તની રોટલી ખાય છે?