હોસ્પિટલ વાળાએ જે દર્દી માટે કહ્યું હતું કે તે બચી શકશે નહીં, તેનો આ રીતે આયુર્વેદ દ્વારા કર્યો સફળ ઈલાજ.

0
319

“કરોડો કિલો તેલ છતાં અંધારું!!”

(લેખક – સ્વ. વૈધ શોભન)

મારો જન્મ થયો હતો મધ્ય સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના રાયપર ગામમાં. આ નાનકડા ગામમાં મુખ્યત્વે કણબી-ખેડૂતોની વસ્તી છે. શ્રી નરશીભાઈ સતાણી નામના પટેલ મારા બાપુજીના ખાસ મિત્ર હતા. તેમના દીકરા શ્રી જાદવભાઈ મારા મોટાભાઈ નંદલાલભાઈના ખાસ મિત્ર હતા. મારે પણ તેમની સાથે સારા સંબંધો. શ્રી જાદવભાઈનો પુત્ર બાઘો મારા નાનાભાઈ વત્સલનો મિત્ર. કારણ કે તેઓ પ્રાથમિક શાળામાં સાથે ભણતા હતા. એ રીતે સતાણી પિરવાર અને વસાણી પરિવાર વચ્ચે સારા સંબંધ હતા.

આ બાઘાભાઈને ૩૫ વર્ષની વયે ટી.બી. થયેલો. તેની સાત વર્ષ સુધી સારવાર ચાલેલી.

તે બાદ તેને ૭ દિવસ સુધી ભારે મેલેરિયા થયેલો. પછી ૪૨ વર્ષની વયે એક દિવસ તાવ આવતાં તે બાજુના ટાઉન જસદણના ડૉક્ટરને બતાવવા ગયેલા. તે ડૉક્ટરે પોતાનો કોર્સ કરવા છતાં સારું ન થવાથી રાજકોટ રિફર કર્યાં હતા. ત્યાં રિપોર્ટ કરાવાયા હતા અને કોર્સ કરવા છતાં ફાયદો ન થતાં કિડની રોગના દરદી તરીકે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલ કિડની હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા.

ત્યાં તેને ૨૫ બાટલા ગ્લુકોઝ સેલાઈનના ચડાવવામાં આવ્યા હતા અને એ બાટલા ચડાવ્યા બાદ પગે સોજા શરૂ થયા હતા. અરુચિ વધી હતી, પિત્તની ઊલટીઓ શરૂ થઈ હતી અને રાત્રે તાવ આવવો શરૂ થઈ ગયો હતો. (આયુર્વેદીય દૃષ્ટિએ બાટલા ચડાવવાથી સામતા વધવાને કારણે.)

ઊલટી કેમેય બંધ થતી ન હતી. જાતજાતનાં ઔષધો અજમાવવા છતાં ! પ્રાયઃ સાત દિવસ આ ઊલટી ચાલુ રહેવાથી ડૉક્ટરો મૂંઝાયા હતા. કારણ કિડની ફેઈલના કેસમાં હાઈ બી.પી, હેડકી કે ઊલટી ખૂબ વધીને કાબૂમાં ન આવે તો તે રિષ્ટ (અરિષ્ટ) એટલે કે મ-રુ ત્યુસૂચક લક્ષણો માનવામાં આવે છે. તેથી તેની સારવાર કરતા ડૉક્ટરોએ દરદી સાથેનાં સગાં-સંબંધીને જણાવી દીધું કે, ‘અમારાથી આ ઊલટી હવે બંધ થઈ શકશે નહીં. અને દરદી બચી શકશે નહીં. રિપોર્ટ ખૂબ જ ખરાબ આવ્યા છે. દરદીને લઈ જવાની તમારે એક-બે દિવસમાં વ્યવસ્થા કરી લેવી.

ડૉક્ટરોની આવી વાતથી દરદી સાથેનાં પરિચારકો મૂંઝાઈ ગયા હતા. શું કરવું તે કાંઈ સમજાતું ન હતું. દરદીને ઘર ભેગા કરી શકાશે કે નહીં અને લઈ જવા તો કઈ રીતે લઈ જવા તેની ગતાગમ પડે નહીં. ગામડાના માણસ, બિલકુલ ભણેલા નહીં.

એમણે રાયપરથી આવતાં પહેલાં એક ડહાપણભર્યું કામ કર્યું હતું. પાસેનું ગામ કોટડાપીઠાથી ત્યાંના વેપારી અને મારા નાનાભાઈ વત્સલના ખાસ મિત્ર શ્રી કીર્તિકુમાર વસાણી પાસેથી વત્સલનો ફોન નંબર લેતા આવેલા તેથી તેણે બપોરે ફોન કરી બધી વાત જણાવી, અને તરત આવી કંઈક મદદ કરવા કહ્યું.

વત્સલે મને ફોન કર્યો. અમે બંને તાત્કાલિક કિડની હૉસ્પિટલ પહોંચ્યા. તેના વોર્ડમાં જઈ દરદી તથા તેની સાથેનાં સગા-સંબંધીને મળ્યા. તેમને આશ્વાસન આપ્યું. અમને લાગ્યું હતું તે દરદીની ઊલટી આયુર્વેદીય સારવારથી બે-ત્રણ કલાકમાં જ બંધ થઈ જશે. તેથી રજા લઈ બાપુનગરમાં તેમના સગાને ત્યાં પહોંચી જવા સમજાવ્યા. પણ તેને રજા આપનાર ડૉક્ટર હાજર નહોતા.

તેથી કિડની હૉસ્પિટલના સ્થાપક અને સુપરિટેન્ડન્ટ શ્રી ડૉ. ત્રિવેદી સાહેબને મળવા ગયા, તેમના વિષે વર્તમાનપત્રોમાં વાંચેલું. તેમણે અમારી સાથે ખૂબ આત્મીયતાથી, પ્રેમપૂર્વક, ભાવપૂર્વક વાતો કરી.

એકાદ કલાક વાતો થઈ હશે. ઘણી ઉચ્ચ કક્ષાની વાતો હતી. તેમના કહેવા પ્રમાણે એલોપથીમાં મકાનો છે, સાધની છે, ડૉક્ટરો છે, બજેટ છે, લોકચાહના છે પણ આયુર્વેદમાં છે તેવી અસરકારક નિર્દોષ દવાઓ કિડનીના રોગ માટે અમારી પાસે નથી.’ તેમણે કહ્યું. ‘શોભન, વત્સલ, તમારું નામ મેં ઘણા સમયથી સાંભળ્યું છે. તમારા આર્ટિકલ ‘ગુજરાત સમાચાર’માં વાંચું છું.

એક વખત એક દરદી તમારો ગુજરાત સમાચારનો રવિવારીય લેખ લઈને આવેલા લેખની છેલ્લી બે લીટી મને વંચાવી. એનાં વાક્યો મને યાદ રહી ગયાં છે. તમે લખ્યું હતું. જ્યારે જ્યારે કિડની હૉસ્પિટલોમાં મિથ્યા ચિકિત્સાથી દરદી અકાળ મ-રુ-ત્યુ-પા-મે છે ત્યારે ત્યારે તે હૉસ્પિટલના કમ્પાઉન્ડમાં ઊગેલી પુનર્નવા અને ગોખરુના છોડ પોક મૂકીને ધ્રુસકે ધ્રુસકે રડે છે !!

તેમણે કહ્યું, તમારા ઔષધો અને અમારી મહેનત ભેગા થાય તો અનેક દરદીને બચાવી શકાય.

તેમણે કહ્યું કે કિડનીના રોગોમાં કેવળ તમે મને આમળાંના કોલસા બનાવીને આપો તોય પરિણામ લાવી શકું ! (આ જ વાત તેમણે આયુર્વેદની સંસ્થા ‘આદર’ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું ત્યારે ઠાકોરભાઈ હોલમાં પણ જાહેરમાં કહી હતી.)

તેમણે તેમની આત્મકથા પણ મને ભેટ આપી.

અમે ઉતાવળમાં હતા. તેથી કહ્યું, ‘બાધાભાઈ જાદવભાઈ પટેલના કેસને રજા આપી દો. અમે એને લઈ જવા ઈચ્છીએ છીએ. અમારા ગામના છે. પારિવારિક સંબંધો છે. એથિક્સ પ્રમાણે અમે અહીં સારવાર કરી ન શકીએ તેથી લઈ ગયા બાદ બેત્રણ કલાકમાં જ તેમની ઊલટી મટી જશે તેવી દવા આયુર્વેદમાં છે તે આપીશું.’

તેમણે સહાયક ડૉક્ટરને બોલાવી દરદીને રજા અપાવી – બાપુનગર સુધી દરદી પહોંચાડવા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપી. દરદીને બાપુનગર રવાના કરી તેમના એક ભાઈને મેં મારી ગાડીમાં સાથે લઈ લીધા ને મારા દવાખાને લઈ ગયો.

તા. ૫-૯-૯૨ના દિવસે તેનો ફ્રી કેસ કઢાવી તેમાં બધી વિગતો લખી.

યુરિન રિપોર્ટ છેલ્લો આ પ્રમાણે હતો.

બ્લડયુરિયા…. 188 (ઘણું જ ડેન્જરસ)

ક્રિએટિનાઈન… 10.1 (ઘણું જ ડેન્જરસ)

આલબ્યુમિંન … +++ (ઘણું જ વધારે )

પસ.. ૨૮થી ૩૦ ટકા (ઘણું જ વધારે)

બી.પી… ૭૦/૫૦ (ઘણું જ નીચું.)

કેસને બચાવી શકાય તેવી કોઈ શક્યતા ન હતી. તેથી કહ્યું, ‘રિપોર્ટ પ્રમાણે દરદીની બચવાની કોઈ શક્યતા નથી છતાં તેને બચાવવા મારાથી બનતા બધા પ્રયત્ન કરી છૂટીશ.

(મારા મનમાં ચરક સંહિતાના શ્લોકો રમતા હતા. ‘ન હિ જીવિતાનાત્ હિ દાનું અન્યતુ વિશિષ્યતે ।’– જીવનદાનથી મોટું કોઈ દાન આ જગતમાં નથી. કદાચિત્ દૃષ્ટ રિષ્ટો અપી જીવિત ।’ – જો વૈદ્ય પુરુષાર્થ કરે તો ક્યારેક મ-રુ ત્યુના મુખમાં ધકેલાયેલા દરદી પણ જીવી જાય છે.’)

ત્રિદોષનું પથ્યાપથ્ય પત્રક આપીને કહ્યું હતું કે ‘જ્યાં સુધી ઊલટી ચાલુ રહે ત્યાં સુધી કેવર લીંબુ મધ મેળવેલ નાળિયેરનું પાણી જ થોડું થોડું આપવાનું છે. ઊલટીના કારણે તે ટકે નહીં તો કશું જ ન આપવું. પાણી પણ નહીં. દવા પણ મધમાં જીભ ઉપર ચોપડવી. ઘૂંટડો ભરીને પીવી નહીં. મમળાવીને ગળે ઉતારવી જેવી ઉદાન વાયુ અવળો થયો હોય તે સવળો થઈ જાય. બે કલાકે કેમ છે તે ફોન કરીને જણાવવું.

(નોંધ: માંદગીમાં ડૉક્ટરો નાળિયેરનું પાણી પહેલા દરદીને ખૂબ આપતા. ઑપરેશન બાદ તો ખાસ. તેથી સર્જિકલ હૉસ્પિટલો પાસે ને સિવિલ હોસ્પિટલી પાસે લીલા નાળિયેરના ઢગલા જોવામાં આવતા. પણ આયુર્વેદ પ્રમાણે લીલા નાળિયેરના લેખો આવ્યા બાદ તે આયુર્વેદનું ઔષધ છે. તેમ માની પણા ડૉક્ટરો હવે હોસ્પિટલની અંદર નાળિયેર લાવવાની ને પાવાની મનાઈ કરે છે !)

મેં દવા આ પ્રમાણે આપી હતી, દવાનો ચાર્જ લીધો ન હતો. (સિરિયસ કેસમાં હું બને ત્યાં સુધી ચાર્જ લેતો નથી.)

૧. વોમિટેબ સિ૨૫… ૧-૧ નાની ચમચી જીભ ઉપર ચોપડી, મમળાવીને ગળા નીચે ઉતારી દેવી, ઘૂંટડો ન ભરવો.

૨. છર્દિરિપુ ટીકડી. ૨-૨ ટીકડી મધ સાથે મેળવી જીભ ઉપર ચોપડી, મમળાવીને ગળા નીચે લાળ સાથે ઉતારી દેવી.

આ બંને દવા ઊલટી બંધ કરવા મહત્ત્વની હોવાથી ઊલટી ચાલુ રહે ત્યાં સુધી તે બે જ લીધા કરવાની હતી, ઊલટી બંધ થયા બાદ છ-આઠ કલાકે નીચેની દવા શરૂ કરવાની હતી.

૩. લો બીપી. કેપસ્યૂલ. ૨-૨ (ગંઠોડાં, અશ્વગંધા જેવા બી.પી. વધારનારા ઔષધો ભરવામાં આવેલાં )

૪. પ્રેસ અપ ટીકડી…. ૨-૨ બ્લડ પ્રેસરને અપ (ઊંચું) કરવા માટે આપેલી. કદાચ ‘ફાયટો ફાર્મા’ની )

૫. ઓજસ સિ૨૫… સવાર-સાંજ ૧-૧ ચમચી. (ભૂખ લગાડવા, પાચન કરવા તથા શક્તિ માટે ‘ચરક’નું.)

૬. અશ્વગંધા ઘનવટી ૨-૨ સવારે સાંજે દૂધ સાથે. (શક્તિ માટે, બીપી, વધારવા માટે.)

૭. પુનર્નવાદિ કાઢા…. સવારે સાંજે. (વૃક્કશોથ, શોથ (સોજા), મૂત્રાવરોધ તથા કિડની ટ્રબલ માટે.)

રાત્રે આઠ વાગ્યે ફોન આવ્યો હતો કે ઊલટી સાવ બંધ થઈ ગઈ છે !

તા. ૭-૯ના રોજ બીજા દિવસે દરદીને લઈને મારા દવાખાને આવ્યા હતા. દરદીની સુધરેલી સ્થિતિ જોઈને મારા આશ્ચર્યનો પાર ન હતો. દરદી અને તેની સાથેનાં બધું ખુશખુશાલ હતાં. (મેં મનોમન છર્દિરિપુ ચૂર્ણને નમસ્કાર કર્યાં.)

નવાઈની વાત તો એ હતી કે દરદીને ઘણા દિવસે સાચી ભૂખ લાગી હતી. તેથી તેણે રોટલી અને ભાખરી પણ ખાધી હતી !

મને થયું બાઘાભાઈ યમરાજાને હાથતાળી દઈને બચી ગયા હતા !

દરદીને બરાબર તપાસી બધાને આશ્વાસન આપી એક મહિનાની ચાલુ દવામાં બંગશીલ ટીકડી ૨ ૨ સવારે સાંજે ગાયના ધારોષ્ણ દૂધમાં લેવા ઉમેરી હતી. (ગાય તેમને ઘેર હોવાથી ગાયનું ધારોષ્ણ દૂધ ઉપરાંત ધારોષ્ણ મૂત્ર પણ લેવાનું કહ્યું હતું.)

બે મહિને એમના મોકલેલા એક દરદી સુખદ સમાચાર લાવ્યા હતા કે, ‘બાઘાભાઈ તો સાવ સાજા થઈને એઈને હળ લઈને ખેતર ખેડે છે ! હવે તો રાતી રાણ જેવા થઈ ગયા છે ! બાજુના ગામમાં વાત ફેલાઈ ગઈ છે કે અમદાવાદની મોટી ઇસ્પિટલે ન કરી બતાવ્યું તે રવજીબાપાના શોભનભાઈ વૈદ્ય કરી બતાવ્યું છે, લોકો કે છે કે ભલે ભણ્યા આયુર્વેદ.

ભગવાન ધન્વન્તરિ એને સો વરસના કરે. ગામ આખાએ ‘રામ ! રામ !’ કેવાવ્યા છે.’

ઉપરોક્ત રોગ વિષે કિડની રોગના નિષ્ણાત ડૉક્ટરો વિચારે તો પરિણામ તેમને માનવામાં ન આવે. દેશની મોટી નામાંકિત કિડની હૉસ્પિટલ જેને ન બચાવી શકી તે કેસ અલ્પ સાધનો, અન્ય જ્ઞાન, જેવી તેવાં ઔષધીથી ઘેર બેઠા દરદીને સાચા કરી શકે તો તેનું આશ્ચર્ય થવું જોઈએ.

આયુર્વેદનું પરિણામ હોવાથી તેની નોંધ ન લેવાય તો તે અન્યાય ગણાય. આયુર્વેદના વૃક્કરોગના નિષ્ણાત તેના પર વિચાર કરે તો અહોભાવ પેદા થયા વિના ન રહે. જે દેશમાં આયુર્વેદ જેવું મહાન વિજ્ઞાન પેદા થયું તે દેશમાં જ તેની અવહેલના તો જુઓ !

આયુર્વેદ પાસે સુસજ્જ કિડની હોસ્પિટલ હોય, કિડની રોગના નિષ્ણાત વૈદ્યો હોય, ખાતરીવાળાં ઔષધો હોય તો આજે વધતા જતા કિડની રોગમાં કેટલા બધા દર્દીને ઓછા ખર્ચે બચાવી શકાય.

દુઃખ તો એ વાતનું છે કે આવાં પરિણામ આપનાર આયુર્વેદને એક પાઈ પણ કિડનીના રોગો મટાડવા માટે અનુદાન કે બજેટ મળ્યું નથી !!

એક તરફ કરોડો રૂપિયાનાં મકાનો છે, અમેરિકાની છેલ્લામાં છેલ્લી ડિગ્રી અને અનુભવધારી ડૉક્ટરો છે. મોંઘાં સાધનોનો કોઈ પાર નથી… સંશોધનની વિશ્વવ્યાપી સવલતોની પૂરી સગવડનો લાભ છે. બજેટ ક્યાં વાપરવું તેની ચિંતા છે ત્યાં દરદી પૂરી શ્રદ્ધાથી જાય છે પણ પરિણામ મળતું નથી !

સ્વ. શ્રી બાપાલાલભાઈ વૈધે પોતાના પુસ્તક આયુર્વેદ અને વૈજ્ઞાનિક દૃષ્ટિ’ અથવા ‘આયુર્વેદ વિહંગાવલોકનમાં ક્યાંક કહ્યું છે કે એલોપથીમાં બધું જ હોવા છતાં ‘હજાર મણ તેલે અંધારું છે !’ તેને અત્યારની ભાષામાં કહું તો ‘કરોડ કિલો તેલ છતાં અંધારું છે !’ આયુર્વેદ પાસે પણ શાસ્ત્રનું, જ્ઞાનનું કરોડો કિલો તેલ તો છે જ છતાં સગવડ ન હોવાથી અંધારું જ છે ને !

અને મને મારું જ કાવ્ય યાદ આવે છે…

કોડિયું

આકાશે આજ નથી ચાંદો ને સૂરજ, છે ના તારકનો પ્રકાશ; જગમગતી જગ કેરી રોશની નથી, આજ અંધારું આ છે ચોપાસ, કોડિયાનું તેજ તેમાં કોને ત્યાં પોચશે?

અવનિમાં અજવાળું કેમ રે ધરું?

કોડિયું બનીને હું શું રે કરું

તારામાં તેલ અને નાનકડી વાટ,

આપે જો થોડો ઉજાસ;

આ છે પ્રકાશ’ એમ ચીંધી બતાવવા,

હોય જો પ્રતીક એક પાસ, અંધારું-અજવાળું પારખી શકે ય કોઈ,

કોઈ દિન થાય રે ઉજાસ, એકમાંથી એકવીસ પ્રગટે પણ કોડિયાં !

એકવીસ લાખની ય આશા ધરું, કોડિયું બનીને હું શું રે કરું ।

– સ્વ.વૈધ શોભન, પુસ્તક ‘અનુભવનું અમૃત – 5 (2001) માંથી

(વીડી ગૌરાંગ દરજી)