ઐતિહાસિક ઘટના જયારે એક જ પરિવારના 36 ભાઈઓએ એક સાથે લીધો હતો સન્યાસ, વાંચો છતરીયા વડની લોક કથા.

0
213

આજે અમે તમને એક ઐતિહાસિક વડ વિષે જણાવીશું જેને ‘છતરીયા વડ’ તરીકે ઓળખવામાં આવે છે. આ વડ ઊંઝાથી પાટણ રોડ પર જતાં સીહી ગામ નજીક આવેલો છે. આ એક ઐતિહાસિક જગ્યા છે, અને આ વડ વિષે એક લોકવાયકા પ્રચલિત છે જે ખેતી સાથે સંકળાયેલી છે. જયારે ઓતરા-ચિત્રાનો તાપ પડે ત્યારે અહીંના ખેતરોમાં ઉગતી દેશી બાજરી કાપવામાં આવે છે. ઘણા વર્ષો પહેલા આ વડ પાસે એક કૂવો હતો જે બારેમાસ ભરાયેલો રહેતો. તે સમયે પાટીદાર સમાજના પટેલ ભાઈઓ અહીં પાણી લેવા માટે આવતા.

ભાદરવા મહિનાના ઓતરા-ચિત્રાના તાપની વાત કરીએ, તો તે એવો ભયંકર હોય છે કે તેને દરેક લોકો સહન નથી કરી શકતા. એવા સમયે બાજરી વાઢવી એટલે ઘણું મુશ્કેલ કામ ગણાય. સખત તાપને લીધે બફારો હોય, શરીર પર ખારો પરસેવો થતો હોય એવામાં બાજરીના તલવારની ધાર જેવા અણીદાર પાન વાગે તો જે પીડા થાય તેના વિષે આપણે અંદાજો ના લગાવી શકીએ. એ તો જેણે આવી પરિસ્થિતિમાં આધુનિક સાધનો વગર બાજરી વાઢી હોય તેને જ ખબર પડે.

આ વડનું નામ છતરીયો વડ પડવા પાછળ એક પ્રચલિત લોકવાયકા છે. તે લોકવાયકા મુજબ વર્ષો પહેલા પાટીદાર સમાજના એક જ પરિવારના 36 ભાઈઓ આ વડ પાસે આવેલા કુવા પાસે પાણી પીવા એકઠા થયેલા. તે સમયે તે 36 જણા પોતાના જીવનથી એવા કંટાળેલા હતા કે, તે છત્રીસે છત્રીસ જણાએ તે દિવસે આ વડ પાસે પોતાના માટલા ફોડીને સંસારનો ત્યાગ કર્યો, અને નજીકમાં આવેલા એક મહાત્માજીના મઠમાં જઈને એકીસાથે સન્યાસ લઇ લીધો હતો. અને તેના પરથી આ વડનું નામ છતરીયો વડ પડ્યું હતું.

વાત અહીં પુરી નથી થતી. કહેવામાં આવે છે કે, તે મહાત્મા પાસે મઠની 200 વીઘા જમીન હતી. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને બીજા ઉનાળામાં તે મહાત્માએ આ 36 જણાની મદદથી તે જમીનમાં બાજરી વાવી. અને વળી ભાદરવો આવતા તે 36 ચેલાઓને ભગવા પહેરાવી બાજરી વાઢવા મોકલેલા.

પછી તે 36 જણાને અનુભવ થયો કે આ તો મેલ કરવત મોચીના મોચી જેવું છે. આપણે વળી એની એજ વસ્તુ અને મહેનત કરવાની. પહેલા તો આપણી ઘરવાળી ઘરે ગરમ પાણી પણ આપતી, અને જાતે જમવાનું પણ ના બનાવવું પડતું. અહીં તો જમવાનું પણ આપણે જ બનાવવું પડે છે. પછી તે 36 જણાએ આ વડ પાસે આવીને ભગવાનો ત્યાગ કરીને ફરી ગૃહસ્થ જીવન શરૂ કર્યું. આ કારણે આ વડને છતરીયો વડ કહેવામાં આવે છે.

જણાવી દઈએ કે હાલ અહીં નવો વડ છે. મિત્રો આના પરથી ખેડૂતોએ સહન કરવા પડતા ઓતરા-ચિત્રાના તાપ અને તેમની મહેનત વિષે પણ જાણવા મળે છે. સાભાર – જીતુભાઇ વૈદ્ય, દીશા.