હિંદુત્વ અને સહિષ્ણુતા વિષેનો આ આર્ટિકલ આ બાબતે તમારો અભિગમ બદલી શકે છે, એકવાર જરૂર વાંચજો

0
3293

તાજેતરમાં એક જાણીતા તેમજ માનીતા કથાકાર દ્વારા એક સંપ્રદાયના ભક્તોની લાગણી દુભાય એવું વક્તવ્ય, પવિત્ર કહી શકાય એવી વ્યાસપીઠ પરથી આપવામાં આવ્યું. અને પરસ્પર સૌહાર્દનું વાતાવરણ ડહોળવાનું જે હીન કૃત્ય થયું, ત્યારે આજના કહેવાતા પરંતુ પોતાની ઓળખ ગુમાવી દેનાર હિંદુની સહિષ્ણુતાની સમીક્ષા કરવાની તાતી જરૂરીયાત જણાય છે.

એક સમય હતો કે જ્યારે એક હિંદુ અન્ય ધર્મના વ્યક્તિનો અને એની માન્યતાનો ભારોભાર આદર કરતો. જ્યારે એક આજનો સમય છે કે, એક હિંદુ બીજા હિંદુની તેમજ તેની માન્યતાની ઊપેક્ષા કરતો થઈ ગયો છે. એટલું જ નહીં પરંતુ બીજાને પણ આ માર્ગે દોરી જઈને આવનાર પરિણામનો વિકૃત આનંદ માણે છે.

“आ नो भद्रा: क्रतवो यन्तु विश्वत:।” ની આપણી હિંદુ સંસ્કૃતિને આ હદે ડહોળવામાં આવે છે કે, મહાપુરૂષોના જીવનનો સંદેશ નહીં પરંતુ પોતાના વૈયક્તિક વિચારો કે જે સમાજના દિલ-દિમાગમાં ઝેર રેડવાનું કામ કરે તેનો પ્રચાર થાય, ત્યારે મન છિન્નભિન્ન થઈ જાય એ સ્વાભાવિક છે. આ તો થયું તાજેતરનું દ્રષ્ટાંત, પરંતુ આવા રોજબરોજના બનાવોની સંખ્યામાં જે હદે વધારો થયો છે એ નિરાશાજનક અને ચિંતાજનક છે.

આ તો થઈ પૂર્વભૂમિકા, વાત એ કરવી છે કે જેને હિંદુ ધર્મ એટલે શું? એની કોઈ સમજ નથી, હિંદુ ધર્મના સિધ્ધાંતોનો કોઈ અભ્યાસ નથી, એના મહત્વ બાબતમાં કોઈ ગતાગમ નથી, એ આવીને આપણને હિંદુત્વના પાઠ ભણાવે એ બાબત જેટલી હાસ્યાસ્પદ લાગે છે એટલી જ ગંભીર છે. એનું કારણ છે કે આપણે આપણી અસ્મિતા ગુમાવી બેઠા છીએ.

આપ સૌએ નોંધ્યું હશે કે, સોશિયલ મીડિયામાં આવી કોઈ ચર્ચા થાય ત્યારે ગાળાગાળી થાય છે, પણ ભાઈઓ જો તમે ખરેખર હિંદુ હશો તો તમને શિક્ષણ મળ્યું હશે કે, કોઈને ગાળ કે અપશબ્દ તો ક્યારેય ન આપવા. પરંતુ મૂળભૂત સિધ્ધાંતોથી અજાણ અને અશિક્ષિત વ્યક્તિ પાસેથી “અધૂરો ઘડો છલકાય ઘણો” ના ન્યાયે તમે શું અપેક્ષા રાખી શકો!

એક સાચો હિંદુ કેટલો સહિષ્ણુ હોઈ શકે એનું ઊત્તમ ઊદાહરણ જો કોઈએ પૂરું પાડ્યું હોય તો એ છે, સંત શિરોમણી બ્રહ્મસ્વરૂપ પ.પૂ પ્રમુખસ્વામી મહારાજ. સન ૨૦૦૨ માં જ્યારે ગાંધીનગર અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલો થયો, ત્યારે તેઓ શ્રી એ જે સહિષ્ણુતા દાખવી તેની સમગ્ર દુનિયાએ અદ્ભૂત સરાહના કરી. એટલું જ નહી જ્યાં આતંકવાદી ઠાર મરાયા હતા ત્યાં પણ પ્રાર્થના કરી કે, ભગવાન તેમની સદ્ગતી કરે અને આવો ક્રૂર વિચાર કોઈને ન આવે.

તેઓના આ પ્રતિભાવને લીધે કંઈ કેટલાય નિર્દોષો ના જાન બચી ગયા અને શાંતિનું વાતાવરણ રહ્યું. આજે ફક્ત પોતાનાથી જૂદી વિચારસરણી ધરાવનાર પ્રત્યે વાતે વાતે વ્યર્થ વાણ વિલાસ કરી સમાજમાં ઝેર ઓકનાર માટે તેઓએ એક આદર્શ ઊદાહરણ પૂરું પાડ્યું હતું.

માટે જાગો, જુઓ, હિંદુત્વને જાણો અને શીખો- હિંદુત્વને જીવો…. તો જ અસ્મિતા આવશે અને જો અસ્મિતા આવશે તો સહિષ્ણુતા આવશે, જેથી લોકો આપમેળે આપનો તથા આપના વિચારોનો આદર કરશે. અને મુખ્યત: અંદરના કે બહારના ઊપદ્રવી તત્વો આપણું કઈ નહીં બગાડી શકે.

અસ્તુ. જય હિંદ.

– ગિરીશ લાખણકીયા.