ઉમા ભગવતીનું એક સ્વરૂપ છે હિમજા-હીબડી, વાંચો ઉત્તર ગુજરાતના શક્તિધામો વિષેની અજાણી વાતો.

0
168

માં ઉમિયા જેમનું બીજું નામ ઉમા ભગવતી છે તે કડવા પાટીદાર સમાજની કૂળદેવી છે. ભક્તો સંપૂર્ણ શ્રદ્ધા સાથે તેમની પૂજા-અર્ચના કરે છે. અને માતા પોતાના ભક્તોની દરેક સંકતથી રક્ષા કરે છે. આપણા ઉત્તર ગુજરાતના જ્ઞાતિ અને સ્થળ પુરાણોમાં ‘શિવ શક્તિ’ ઉમા ભગવતીના અનેક નામકરણ, તેમજ તેમના વિવિધ સ્વરૂપો, તેમના પરાક્રમો, તેમના ગુણ, કર્મો અને સ્થળો વગેરેનું નિરૂપણ થાય છે.

ઉમા ભગવતીનું એક સ્વરૂપ છે હિમજા-હીબડી : ‘વાલખિલ્યપુરાણ’ એ રાધનપુર નગરથી 15 કી.મી. દુર આવેલ દેવગામ અને તેની આજુબાજુના વિસ્તારનું વર્ણન કરતું સ્થળ ‘જ્ઞાતિપુરાણ’ છે. પુરાણકાર આ વિસ્તારને વાલખિલ્યનગર, દારૂવન કેજાલ્યોધર નગર, શાર્બુકક્ષેત્ર તરીકે વર્ણવે છે. અને આજે પણ દેવગામમાં હિમજા-હીબડીનું દેવસ્થાન છે.

જાણકારી માટે જણાવી દઈએ કે, પંડિત કે.કા.શાસ્ત્રી એની ઉત્પતિ આપતા કહે છે કે ‘हिमजा-हिमवृध्धिका-हिमवडिया-हिंबडिया-हिंबडी।’ આ હિમજાએ માહેશ્વર સમાશ્રયા શક્તિ છે. હિમજા એ શક્તિસ્વરૂપા શક્તિ ઉમા છે. પુરાણકારો અનુસાર માં ઉમા ભગવતીની ઉત્પત્તિ હિમાલયને ત્યાં થઇ છે. તેથી એવું કહી શકાય છે કે हिम+जा એટલે કે ‘હિમાલયને ત્યાં જન્મેલી’.

માતાનું પ્રાકૃત, અપભ્રંશ કે સમાજમાં રૂઢિગત થયેલ નામ હીબડી – હિમજા પડ્યું હશે. એટલું જ નહિ વાલખિલ્યપુરાણકારે માતાના અન્ય નામ કંઈક આ પ્રમાણે આપ્યા છે. હેમવતી, બ્રાહ્મ, ઉમા, સતિ, મહાલક્ષ્મી, દાક્ષાયણી, દુર્ગા, માતૃગણની, ઈશ્વરી, આર્યા, કાલિકા, અંબિકા, મૃડાની, ચંડી, હેમવતી, હીબડી,
શિવા અને નારાયણી.

શિવશક્તિ નિમ્બજા-દેવી : સૂર્યમંદિર માટે પ્રખ્યાત મોઢેરા વિસ્તારને મલ્લપુરાણમાં ધર્ણારણ્ય ઉલેખ્યો છે. તેની પશ્વિમ દિશામાં લગભગ દશેક કી.મી.દૂર આવેલ દેલમાલ ગામની મલ્લ જ્ઞાતિનો ઇતિહાસ ધરાવતું જ્ઞાતિપુરાણ છે. જેમાં આ દેવીનો શિવશક્તિ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શ્રીકૃષ્ણએ મલ્લોના રક્ષણ માટે લીમડાના વૃક્ષમાં આ દેવીની ઉત્પતિ અને સ્થાપના કરી હતી. આ શક્તિ સિંહ પર બિરાજમાન રહે છે. તેનાથી શિવશક્તિનો ખ્યાલ દ્ઢ થાય છે.

માહિતી સ્ત્રોત – આધ્યા શક્તિ જગજનનિ માં ઉમિયા (કડવા પાટીદાર કૂળદેવી) થી સાભાર.