હાઈ કોલેસ્ટ્રોલ આ દસકનો સૌથી મોટો વિવાદ, જાણો તેના વિશેનું A to Z.

0
1743

મિત્રો આપણા શરીરમાં સારું અને ખરાબ એમ બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે. અને ખરાબ કોલેસ્ટ્રોલનું વધવું આપણા માટે નુકશાન કારક સાબિત થાય છે. અને આજકાલ હાઈ કોલેસ્ટ્રોલના ઘણા બધા કેસ જોવા મળી રહ્યા છે. તો આ બાબતે ભાવનગરના ડોક્ટર પ્રદીપ જોશી અમુક જરૂરી વાતો જણાવે છે. જેને ધ્યાનમાં રાખવી આપણા માટે ફાયદાકરક છે.

ડોક્ટર પ્રદીપ જોશી પોતાની વાત એક ઉદાહરણ દ્વારા કહે છે કે, ભાવનગરમાં એક કુટુંબ છે જે ઘણી જાણીતી પેઢી ધરાવે છે. એ કુટુંબમાં છેલ્લી કેટલીયે પેઢીઓથી પુરુષો ચાલીસ પછીની ઉંમરનામાં પ્રવેશે એટલે તેનું અચાનક હૃદયરોગના હુમલાથી અવસાન થઇ જાય છે. અને એ દરેકના રિપોર્ટમાં કોલેસ્ટ્રોલ લેવલ ઘણું ઊંચું જોવા મળ્યું હતું. પણ પહેલાના સમયમાં કોલેસ્ટ્રોલની કોઈ કારગર સારવાર ઉપલબ્ધ ન હોવાથી તબીબોના હાથ બંધાયેલા રહેતા.

પછી 90 ના દશકમાં ‘સ્ટેટીન’ નામની એક જાદુઈ છડી તબીબોના હાથમાં આવી, અને ત્યારે પહેલી વાર આ કુટુંબના પુરુષો છઠા કે સાતમાં દાયકે આજે જીવતા પહોંચી શક્યા છે.

તે બીજું એક ઉદાહરણ આપતા જણાવે છે કે, ધ્રુવ પ્રદેશમાં રહેતી એસ્કિમો પ્રજામાં હૃદયરોગની માત્રા લગભગ શૂન્ય હોય છે. અને તેમના લોહીમાં કોલેસ્ટ્રોલ (LDL) નું પ્રમાણ એક જન્મતા બાળક જેટલું નીચું જોવા મળ્યું છે. તેનું કારણ ત્યાંની જીવન પદ્ધતિ અને ત્યાંનો ખોરાક છે. મિત્રો, કોલેસ્ટ્રોલનું સ્તર ઊંચું હોવું એ આનુવંશીક હોઈ શકે. પિતા કે માતાનું કોલેસ્ટ્રોલ વધુ હોય તો સંતાનોમાં પણ એ વધુ હોવાની શક્યતા વધારે હોય છે.

એને તપાસવા માટે લિપિડ પ્રોફાઈલનો રિપોર્ટ સવારે ભૂખ્યા પેટે (રાત્રે છેલ્લા કોળિયાના 10 કલાકના ઉપવાસ પછી) કરાવવો પડે. કુલ કોલેસ્ટ્રોલ, એલડીએલ એટલે કે ‘લો ડેન્સીટી કોલેસ્ટ્રોલ’ કે જે ખૂબ નુકશાન કારક ગણાય છે. એચડીએલ એટલે કે ‘હાઈ ડેન્સીટી કોલેસ્ટ્રોલ’ કે જે નકામા કોલેસ્ટ્રોલને લીવર તરફ લઈ જઈ તેનું લેવલ ઘટાડે છે, એટલે જ તેને ઉપયોગી અને સારું કોલેસ્ટ્રોલ પણ કહેવાય છે. ટ્રાઈ ગ્લિસરાઈડ કે જેનું લેવલ ભારતીય ઉપખંડના દર્દીઓમાં ખાસ વધુ જોવા મળે છે.

જણાવી દઈએ કે એલડીએલ સામાન્ય કેસમાં 110 થી ઓછું અને હૃદય રોગમાં જેટલું ઓછું તેટલું વધુ સારું રહે છે. અને એચડીએલ 50 થી વધારે હોવું ખૂબ સારું ગણાય છે. જોકે તેને વધારવા માટે કોઈ સારવાર નથી. પણ કસરત કરો તો એચડીએલ વધે છે. અમુક અંશે ઓછી માત્રામાં રેડ વાઈન પીવાથી પણ એચડીએલ વધે છે.

મહિલાઓમાં પુરુષની સરખામણીએ એચડીએલ એટલે કે સારું કોલેસ્ટ્રોલ વધુ જોવા મળે છે, એ પણ મીનોપોઝનીં ઉંમર સુધી ખાસ. ટ્રાઈ ગ્લિસરાઈડ ખાસ કરીને મેદસ્વી ડાયાબિટીસ હોય તેને કે પછી ખૂબ દારૂ પિતા હોય તેનામાં વધુ જોવા મળે છે. એની નોર્મલ વેલ્યુ 150 થી ઓછી ગણાય છે. પણ તે ખૂબ વધી જાય તો સ્વાદુપિંડને નુકશાન કરી પેનક્રિએટાઈટીસ કરી શકે છે.

શરીરમાં કોલેસ્ટ્રોલનું ઉત્પાદન લીવર માંથી થાય છે. એના ઉત્પાદન પર ખોરાકની અસર 25 કે 30% રહે છે, પણ ખૂબ હાઈ કોલેસ્ટ્રોલને ફક્ત ખોરાકમાં ફેરફાર કે કસરત કરવાથી ન ઘટાડી શકાય. એ માટે સ્ટેટીનની દવા લેવી ખૂબ જરૂરી છે. આવો તમને લોકો દ્વારા પૂછવામાં આવતા કેટલાક સામાન્ય પ્રશ્નોના જવાન જણાવીએ જે ડોક્ટર પ્રદીપ જોશીએ આપ્યા છે.

સવાલ 1 : શું કોલેસ્ટ્રોલ નોર્મલ હોય, તો પણ હૃદયરોગ થઈ શકે?

જવાબ 1 : હા, કારણકે આપણે ધમનીઓ અંદર જમા થતા કોલેસ્ટ્રોલને નથી માપી શકતા. ઘણા કેસમાં તે ધમનીઓમાં ખૂબ વધુ જમાવટ કરી ચૂક્યું હોય, અને લોહીમાં એનું લેવલ નોર્મલ હોય તેવું પણ બને છે.

સવાલ 2 : શું હાર્ટ એટેક કે એન્જાઇના હોય, કે એન્જીઓપ્લાસ્ટી કે બાયપાસ કરાવ્યું હોય તેણે ક્યારેય સ્ટેટીન બંધ કરી શકાય?

જવાબ 2 : ના, સ્ટેટીનની દવાઓ ધમનીની દીવાલો માંથી કોલેસ્ટ્રોલ બહાર કાઢે છે. તે લોકોની નળીઓમાં અટકાવ થતો અટકાવે છે, અને અમુક અંશે નવા અટકાવ થતા પણ રોકે છે. આથી આવા દર્દીઓએ જીવન પર્યંત આ દવાઓ લેવી ખૂબ જરૂરી છે.

સવાલ 3 : સ્ટેટીનની કોઈ સાઈડ ઇફેક્ટ ખરી?

જવાબ 3 : કોઈ ખાસ નહિ. અમેરિકા અને યુરોપમાં આ દવાઓ ઓન ધ કાઉન્ટર મેડિકલ સ્ટોર પર ડોકટરના પ્રિસ્ક્રીપશન વગર પણ મળે છે. અને આ વાત આ દવા કેટલી સુરક્ષિત છે એનું પ્રમાણ છે. એને લીધે ક્યારેક સ્નાયુ કે પિંડીનો દુઃખાવો જેવી નાની તકલીફ શિવાય કોઈ આડઅસર નથી થતી.

રોઝુવાસ્ટેટીન નામની દવા લાંબા ગાળે શુગર વધારે છે અને ડાયાબિટીસ કરી શકે છે, તેવા રિપોર્ટ જયુપીટર નામની સ્ટડીમાં આવેલા છે. તેથી આ દવા લેતા હોય તેવા દર્દીઓનું ડોકટર સમયાંતરે શુગર ચેક કરતા રહે છે. તો પણ તેનાથી થતો હૃદયને ફાયદો આ નાનકડા નુકશાન સામે ઘણો મોટો છે.

સવાલ 4 : કયા સંજોગોમાં સ્ટેટીન બંધ કરવા પડે?

જવાબ 4 : સ્નાયુ પરના સોજા (માયોસાઈટીસ) કે કમળો થયો હોય તો સ્ટેટીન એટલો સમય બન્ધ કરવા પડે.

સાથે સાથે એ પણ જણાવી દઈએ કે, કાર્ડિયોલોજીના ભીષ્મ પિતામહ કહેવાતા ડોક્ટર ઓપઇ કહે છે કે, સ્ટેટીન એ માનવજાત અને હૃદયને ફાયદો કરતી સૌથી કારગર દવાઓ છે. અને ભારતીયો નસીબદાર છે કે સમગ્ર વિશ્વમાં સૌથી સસ્તી દવાઓ ભારતમાં મળે છે, અને તેનો ફાયદો ભારતીયોને મળે છે.

– ડો પ્રદીપ જોશી. (એમ.ડી. ભાવનગર)