આ રીતે ઘરે જ બનાવો કારેલાનો હેલ્ધી મુખવાસ, જાણો તેની રેસિપી.

0
244

મુખવાસ એક એવી વસ્તુ છે જે નાનાથી લઈને મોટા સુધી દરેક ઉંમરના લોકોને ભાવે છે. જમ્યા પછી હંમેશા મુખવાસ ખાવામાં આવે છે. બજારમાં જાત જાતના મુખવાસ મળે છે. તેમાં એટલા બધા ફ્લેવર આવે છે કે, તમે મૂંઝવણમાં મુકાઈ જાવ છો કે કયું લેવું અને કયું ન લેવું?

જો તમે ઘરે બનાવેલો શુદ્ધ મુખવાસ ખાવાના શોખીન છો, તો તે ઘણી સારી આદત કહેવાય છે. જો તમે ઘરે મુખવાસ બનાવો છો, અને અલગ અલગ પ્રકારના હેલ્ધી મુખવાસ બનાવીને ટ્રાય કરો છો, તો આજનો આ આર્ટિકલ તમારા માટે કામનો છે. કારણ કે આજના આ આર્ટિકલમાં અમે હેલ્ધી અને ટેસ્ટી કારેલાનો મુખવાસ બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ.

જરૂરી સામગ્રી :

કારેલા – 1 કિલો,

ધાણાની દાળ – 200 ગ્રામ,

વરિયાળી – 200 ગ્રામ,

મગજતરીના બી – 50 ગ્રામ,

તજ પાવડર – 1 ટીસ્પૂન,

કાશ્મીરી – 1 ટીસ્પૂન,

જેથીમધ – 1 ટીસ્પૂન,

એલચી – 1 ટીસ્પૂન,

સંચળ – 1 ટીસ્પૂન,

લીંબુ – 2.

બનાવવાની રીત :

કારેલાનો મુખવાસ બનાવવા માટે સૌથી પહેલા કરેલાની ઝીણી સ્લાઈસ કરો. પછી તેમાં 1 ટીસ્પૂન મીઠું અને 2 લીંબુનો રસ મિક્સ કરીને તેને 2 દિવસ માટે તડકામાં સુકવો. પછી એક કડાઈમાં 2 ચમચી ઘી નાખી તેમાં કારેલા નાખીને તેને ગુલાબી થાય ત્યાં સુધી ધીમા તાપે શેકો. પછી તેને બીજા વાસણમાં કાઢી, તે જ કડાઈમાં 2 ચમચી ઘી નાખીને તેમાં વરિયાળી નાખીને તેને 5 મિનિટ સુધી શેકો.

પછી તેમાં જ મગજતરીના બી નાખીને તે ફૂલે ત્યાં સુધી તેને શેકો. પછી તેમાં ધાણાની દાળ નાખી તેને 2 મિનિટ સુધી શેકીને ઉતારી દો. પછી તેમાં શેકેલા કરેલા નાખો અને તેને સારી રીતે મિક્સ કરો. પછી તજ પાવડર, સંચળ, જેઠીમધ અને એલચીનો પાવડર નાખો. અંતમાં તેમાં પાનનો મસાલો (કાશ્મીરી) નાખીને સારી રીતે મિક્સ કરી દો. તો તૈયાર છે તમારો હેલ્ધી કરેલાનો મુખવાસ.