એક સર્વેમાં કહેવાયું કે “ગુજરાતી વિષયમાં બાળકો ઢ છે” એની સામે એક શિક્ષકનો આ લેખ દરેક વાલીએ વાંચવો જોઈએ

0
991

ગ્લોબલ એટલે ગુજલિશ એટલે બે ભાષાનો વૈભવ!

હજુ ગયા મહિને જ એક સર્વે આવ્યો હતો કે ગુજરાતમાં ગુજરાતી વિષયમાં જ બાળકો ઢ છે!

અખબારોમાં હેડ લાઈન બનેલા આ સર્વે પછી એક પણ શાળાએ તે બાબતનો લેખિત, મૌખિક, ચર્ચાપત્ર દ્વારા કે સોશિયલ મીડિયા દ્વારા વિરોધ નોંધાવ્યો હોય, તેવું જાણવા મળ્યું નથી..

શું ઉપરોક્ત સર્વેક્ષણનો શિક્ષણ જગત દ્વારા થયેલો આ સામૂહિક સ્વીકાર છે? આપણી નવી પેઢી અંગ્રેજી માધ્યમના તીવ્ર પ્રભાવ હેઠળ ગુજરાતીથી દૂર ભાગતી જાય છે? કે પછી ગુજરાતી ભણાવવાની સિસ્ટમમાં કોઈ શિથિલતા આવી છે? કે પછી આપણી શાળાઓમાં અધિકૃત વ્યક્તિઓ ક્યાંક છૂપી માન્યતા પાળી પોષી રહ્યા છે, કે ગુજરાતીનું મૂલ્ય વળી કેટલું?

એ તો આવડી જશે! બાળક પાસ થઇ જ જશે! તો જત જણાવવાનું કે એસ.એસ.સી. બોર્ડમાં છેલ્લા ત્રણ વર્ષમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓનાં પરિણામોને ચકાસો. સરેરાશ મળી આવશે કે માત્ર ગુજરાતી જેવા ફરજિયાત વિષયમાં જ ૫૦,૦૦૦ થી ૭૦ હજાર વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા, અને તેથી જ બોર્ડના સમગ્ર પરિણામ ઉપર પણ કલંકનો ધબ્બો લાગ્યો હતો.

હા, સંતાનની કેરિયર ઘડવા માટે અંગ્રેજી એકમાત્ર અનિવાર્ય ભાષા છે તેમ માનવા તરફનો ઝુકાવ વધ્યો છે, તે નકારી ન શકાય તેવું સત્ય છે. અંગ્રેજી વિશ્વજ્ઞાનની બારી છે, માહિતી સાથે વૈશ્વિક કમ્યુનિકેશનનું માધ્યમ છે, ભારતીય કોર્પોરેટજગતમાં દબદબાભેર પૂજાતી અને વધાવવામાં આવતી નવોઢા છે, સરકારી રાજપત્રોની એ હિન્દી પછીની બીજી ગણમાન્ય અધિષ્ઠાત્રી છે.

નીટ, જેઇઇ, ક્લેટ અને એ જ પ્રકારની અનેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા માટે જ્યાં સુધી પ્રાદેશિક ભાષાઓ માન્ય નહોતી ગણાઈ, ત્યાં સુધી સૌથી ઊંચા સિંહાસન ઉપર બેસનારી, અને ભારતીય યુવાનોની કારકિર્દીમાં મૂલ્યાંકન પૂર્વક ન્યાય આપનારી દેવી પણ બની રહી હતી.

આજે પણ ક્યાંય તેનું મહત્વ ઓછું થઈ રહ્યું હોય, તેમ જણાતું નથી.ચીન ગયા દસ વર્ષ સુધી ચાઇનીઝ ભાષાને વળગીને વૈશ્વિક કક્ષાએ આગળ વધવા પ્રયાસો કરી રહ્યું હતું, પરંતુ આજે બીજીંગ, શાંઘાઈ, કે ગોન્ઝોવ જેવા શહેરોમાં પાંચ હજારથી વીસ હજાર ક્લાસીસ શરૂ કરી દેવામાં આવ્યા છે, જેમાં ઇંગ્લીશ કોમ્યુનિકેશન ખૂબ જ ખંતપૂર્વક ભણનારો ચાઇનીઝ યુવા વર્ગ શરૂ થઈ ગયો છે.

ગુજરાતમાં તમામ વાલીઓને આજે એ બિલકુલ પોસાય તેમ નથી, કે અંગ્રેજી માધ્યમની નેશનલ, ઇન્ટરનેશનલ સુવિધાઓ અને સ્ટાફ ધરાવતી શાળાઓમાં પોતાના બાળકોને પ્રવેશ અપાવીને આવનારા સમયના ભવિષ્યની ઈમારત અંગ્રેજીના પાકા પાયા ચણાવીને રચી શકે.

અંગ્રેજી માધ્યમની શાળામાં ભણ્યા વિના જ અંગ્રેજી સજ્જતા વધારવાનો ઉપાય શું હોઇ શકે? તેના ઉપર શિક્ષણના અગ્રણીઓએ ગુજરાતમાં અને ખાસ તો તમામ પ્રકારના પ્રભાવક પ્રયોગો કરવામાં અગ્રેસર એવા સુરત શહેરના શિક્ષાવિદોએ ગહન મંથન શરૂ કર્યું હતું. અને તેમાંથી જે નવનીત તરી આવ્યું, તે છે,ગ્લોબલ મીડીયમ.

કર્ણાટક કે મહારાષ્ટ્રમાં પ્રાદેશિક ભાષા સાથે અંગ્રેજીને વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં મુખ્ય પ્રવાહ લાવવામાં આવ્યા છે. અને તે વાતને વર્ષો થઈ ગયા છે. પરંતુ જ્યારે ગુજરાતમાં વિજ્ઞાન અને ગણિત આ બે વિષયોને ધોરણ ત્રીજાથી જ અંગ્રેજી માધ્યમમાં ભણવાની શરૂઆત કરવી જોઈએ, અને ગુજરાતી માધ્યમના બાળકોને આ પ્રકારે શિક્ષણ આપીને ભવિષ્યના ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા માટે સક્ષમ બનાવવા જોઈએ, તે વિચારોને 2015માં અમલી વાઘા પહેરાવવામાં આવ્યા.

સુરત જિલ્લાના પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી યુ.એન રાઠોડના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટને વિધિવત માળખાના દાયરામાં લાવવામાં આવ્યો. આખા સુરતમાંથી માત્ર સાત શાળાઓએ જ આ જબરદસ્ત પડકાર ઝીલ્યો હતો, અને ત્રણેક વર્ષમાં તે સફળતાપૂર્વક આશરે 22 થી 27 શાળાઓ સુધી વિસ્તર્યો.

જરા આ પ્રોજેક્ટની ગુણવત્તા તો તપાસીએ !-ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ સમક્ષ આ પ્રસ્તાવ રજૂ થતાં જ ગ્લોબલ મીડીયમ ગણાતા અને સાદી ભાષામાં વાલીઓ જેને ગુજલીશ કહે છે, તે પ્રોજેક્ટને અસરકારક રીતે સંચાલિત કરનારી શાળાઓમાં તલસ્પર્શી મૂલ્યાંકન માટે સરકારશ્રી દ્વારા એક ખાસ કમિટીનું ગઠન કરવામાં આવ્યું. જેના અધ્યક્ષ પદે છે, ડૉ. રાજેન્દ્રસિંહ જાડેજા. તેઓની સાથે જ ડૉ.રઈશ મણિયાર, ડૉ. દક્ષેશ ઠાકર, ડૉ.વિનોદભાઈ પટેલ, મહાદેવભાઈ દેસાઈ, હર્ષદભાઈ શાહ જેવા અનુભવી શિક્ષાવિદોને આ જવાબદારી સોંપવામાં આવી.

વાલીઓ આ પ્રોજેક્ટને કેટલો આત્મસાત કરી શક્યા છે, શિક્ષકો આ બાબતે કેટલી મહેનત કરીને તેને સાકાર બનાવી રહ્યા છે, વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટથી મોજ પૂર્વક ગણિત અને વિજ્ઞાન બન્ને વિષયો અંગ્રેજીમાં કેટલી હદે પચાવી શક્યા છે, તેમજ ટ્રસ્ટી કે સંચાલકો આ પ્રોજેક્ટમાં માત્ર સંમતિ જ નહીં, પરંતુ કેટલી દિલાવરી દર્શાવીને પોતાની શાળામાં અમલ કરાવી શક્યા છે? તેનો સર્વે કરવા ગયા અઠવાડિયે આ મહાનુભાવો સુરતની મુલાકાતે હતા.

પાંચમા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિનીને સામે જ ઊભી રાખીને પૂછવામાં આવ્યું કે ગ્લોબલ મિડિયમમાં ભણવાનું શરૂ કર્યા પછી તેં શું બદલાવ અનુભવ્યો?

બાળ સહજ સુલભતાથી તે દીકરીએ કહ્યું હતું કે અંગ્રેજી માધ્યમમાં ભણેલ બહેનપણીને જ્યારે તે કહે છે કે મારા 19 પોઇન્ટ આવ્યા છે, તો તેને એ ખબર નથી પડતી કે ઓગણીસ એટલે કયો આંકડો કહેવાય? જ્યારે મને બંને ભાષામાં સમજાય છે!

આ જવાબને પ્રતીકાત્મક રીતે લઈએ, તો એટલું જરૂર સમજાય કે બાળકો બે ભાષામાં જે તે વિષય અને ફંડાને સ્પર્શે છે, તે તેને વધુ સ્પષ્ટ પણ થાય છે અને તેને અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થી સામે આત્મવિશ્વાસપૂર્વક ઊભા રહેવા પણ સક્ષમ બનાવે છે. ગ્લોબલ માધ્યમ પોતાની શાળાઓમાં પૂરો પરિશ્રમ લઈને, પ્રમાણિકતા અને પ્રેમ તેમ જ આનંદના ભાવથી ભણાવવાનું શરૂ કર્યું છે, તે શાળાઓને બાળકોના વર્તન, વ્યવહાર, સ્માર્ટનેસ, શાર્પનેસ, આત્મવિશ્વાસ, અક્ષરોમાં સુધારો અને કન્સેપ્ટ ક્લેરિટીમાં જબરદસ્ત બદલાવ જોવા મળ્યો છે.

જો કે આ પ્રોજેક્ટમાં પડકારો પણ ઓછા નથી અનુભવાયા. શાળાઓ જે પણ સમસ્યા અનુભવે છે, તેમાં મુખ્ય સમસ્યા છે: વાલીઓનો ડર. જે વાલીઓ ઓછું ભણ્યા છે, અથવા પોતાના બાળકોની પાછળ પૂરતો ક્વોલૉટી ટાઈમ આપી શકતા નથી, તે વાલીઓ અનુભવે છે કે અમારા બાળકો ગુજરાતી માધ્યમમાં જે સ્કોર કરતા હતા, તે સ્કોર ગ્લોબલ મીડિયમમાં ભણતા થયા પછી કરતા નથી. અને કુલ પરિણામમાં સાત થી દસ ટકા જેટલો ઘટાડો આવ્યો છે.

આ વાલીઓને ખૂબ જ મહેનત પૂર્વક કાઉન્સિલિંગ કરીને તેમનો ડર દૂર કરવામાં આવે છે, કે માધ્યમ બદલાવાથી માત્ર બે વિષયોમાં તમારો બાળક જે સ્કોર નથી કરી રહ્યો, તે અંગે ચિંતાજનક કોઈ જ બાબત નથી. તે એક ત્રીજા ધોરણમાં સંક્રાંતિકાળમાંથી પસાર થાય છે, સાથે જ અન્ય ભાષામાં તૈયાર થઈ રહ્યો છે. તેથી આખરે તો તમારો બાળક વધુને વધુ શીખી રહ્યો છે…

બીજો પડકાર છે, બંને માધ્યમમાં ન્યાયપૂર્વક વિષય ભણાવી શકે તેવા શિક્ષકોની અછત. આ અભાવને ત્યારે જ દૂર કરી શકાય છે, જ્યારે જે તે શાળાઓએ શિક્ષકોને વિશેષ તાલીમ આપી છે કે અપાવી છે.

ત્રીજો પડકાર છે, ઉચિત મટીરીયલનો. કારણ કે તૈયાર થયેલા યુનિફોર્મ સિલેબસથી શિક્ષકોને જે સરળતાનો અનુભવ થાય છે, અને વાલીઓને રાહત અનુભવાય છે તે પ્રકારનું મટીરીયલ સાર્વત્રિક બની શક્યું નથી. જેને માટે તમામ ગ્લોબલ ચલાવતી શાળાઓ પરસ્પર સહાયક બનીને તથા સંકલન સાધીને પ્રોજેક્ટને સફળતા સુધી પહોંચાડી રહી છે.

આમ સમસ્યાઓથી ઉપર ઊઠવા માટે સફળતાપૂર્વક અને જબરદસ્ત પ્રયાસો થઈ રહ્યા છે. સરકારશ્રી પાસે કમિટી દ્વારા જનારા સકારાત્મક અહેવાલ પછી જો ગ્લોબલ માધ્યમને ગુજરાતની મહત્તમ શાળાઓમાં સાર્વત્રિક રીતે લાગુ કરવામાં આવશે, તો અંગ્રેજી માધ્યમ તરફ ધસી જવાનું વાલીઓનું અનુકરણ જરૂરથી અટકશે, એટલું જ નહીં, પરંતુ શિક્ષકો પણ આજ કરતાં વધારે તીવ્રતાથી અપડેટ રહેવાની તૈયારી કરશે.

સુરતની પ્રતિષ્ઠિત શાળા સંસ્કારભારતીમાં અને અન્ય કેટલીક શાળાઓમાં એવા અનુભવો પણ થયા છે કે વાલીઓએ ગ્લોબલ મીડીયમ તરફના આકર્ષણ અને સંતોષકારક ટીચીંગ-લર્નિંગ પ્રોસેસને કારણે પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાંથી ઉઠાવીને ગુજરાતી માધ્યમમાં પ્રવેશ અપાવ્યો છે!

ગુજરાતી ભાષા માટે ચિંતિત સાક્ષરો અને વિદ્વાનો માટે આ ખૂબ જ સકારાત્મક અને ઉત્સાહ પ્રેરે તેવા સમાચાર છે. આમ જોવા જઈએ, તો ગ્લોબલ મીડીયમ એ માત્ર એક પ્રયોગ નથી, ગુજરાતની નવી પેઢીને જે ભાષાકીય અને ટેકનિકલ પડકારો અનુભવવાના છે, તેની સામે નવી પેઢીને તૈયાર કરવા માટેની કટિબદ્ધતા છે!

જો વાલીઓ આ પ્રોજેક્ટને વહેલાસર સવળો પ્રતિસાદ આપશે, અને શક્ય તેટલી વધુ શાળાઓ વહેલાસર આ પ્રોજેક્ટને અપનાવશે, તો “ગુજરાતીમાં ઢ રહી ગયા” જેવા સર્વેથી, કે અંગ્રેજીમાં “ડમ્બ રહી ગયા” જેવા મહેણાંઓથી નવી પેઢીને જરૂર બચાવી શકીશું. આખરે ભાષા પણ બાળકોના વ્યક્તિત્વને શોભાવતું ઘરેણું જ તો છે!

જણાવી દઈએ કે, હરિકૃષ્ણ શાસ્ત્રીની એક યુટ્યુબ ચેનલ પણ છે જેનું નામ છે ‘Harikrishna Shastri’, જેના પર તમે એમના બીજા વિડીયો જોઈ શકશો.

– હરિકૃષ્ણ શાસ્ત્રી