નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં સ્વાગત છે. મિત્રો તમે પણ આજના ઘરડા માં બાપની પરિસ્થિતિથી પરિચિત હશો. વર્તમાન સમયમાં સમાજનો કોઈ મોટો અને સંવેદનશીલ પ્રશ્ન હોય, તો તે છે કે ઘરડા માં બાપને સારી રીતે રાખવાનો. આપણે ત્યાં માં બાપ વગરના અનાથ બાળકોના આશ્રય સ્થાન એટલે કે અનાથશ્રમ કરતા વૃધ્ધાશ્રમોની સંખ્યા અનેક ઘણી છે. પણ આજે અમે એવા એક સરસ મજાના ગામ વિષે જણાવીશું, જેનું નામ ચાંદણકી છે.
ગુજરાતના મહેસાણા જિલ્લામાં ચાંદણકી નામનું ગામ આવેલું. અહીં ગામલોકો રોજ એક જ રસોડે જમે છે. આ ગામમાં રહેવા વાળા તમામ લોકો 55-60 વર્ષથી વધુ ઉંમરના છે. જીવનની ઢળતી સંધ્યાએ મમ્મીને ભોજન બનાવવાની કડાકૂટ ના કરવી, તે માટે દેશ-પરદેશમાં રહેતા તેમના સંતાનો દ્વારા આ વ્યવસ્થા ઊભી કરાઇ છે. અને આ વ્યવસ્થાથી માતાઓ અને વડીલો બંને ખુશ છે.
આ ગામમાં એકદમ સાફ સુથરા રસ્તાઓ છે. અને ગામમાં પ્રવેશતા ડાબી બાજુએ ચંદ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ ગામમાં બરાબર 11 વાગે ઘંટનાદ થતાં જ ગામના તમામ વૃદ્ધો મકાનના દરવાજા બંધ કરીને મંદિર તરફ જવા લાગે છે. અને થોડીવારમાં જ આખું ગામ ભેગું થઇ જાય છે.
1000 લોકોની વસતી ધરાવતા આ ગામમાં માંડ 40 થી 50 વૃદ્ધો રહે છે. નક્કી થયેલા સમયે મંદિરના પરિસરમાં ટેબલ-ખુરશી ગોઠવાઇ જાય છે અને ભોજન પિરસવાનું શરુ થઇ જાય છે. જણાવી દઈએ કે અહીં ભોજન લેનાર પણ વૃદ્ધ છે અને પિરસનાર પણ. લોકો પોતાના મોંઢામાં કોળિયો મૂકતા જાય અને એકબીજા સાથે સુખ દુ:ખની વાતો કરતા જાય. એમને જોઈને એવું લાગે છે કે, જાણે તેઓ એક જ પરિવાર સભ્ય છે. અને આ તેમનો નિત્યક્રમ બની ગયો છે.
જણાવી દઈએ કે આ ગામના ચંદ્રેશ્વર મહાદેવ મંદિરના પરીસરમાં, નિયમીત રીતે બંન્ને ટાઇમ ગામનાં લોકો પોતાના સુખ-દુ:ખની વાતો કરતા કરતા સાથે મળીને ભોજન કરે છે. મિત્રો આ ગામનો સાક્ષરતા દર 100 ટકા જેટલો છે. ગામના 900 થી પણ વધુ લોકો બહારગામ રહે છે. તીર્થધામ બહુચરાજીથી પાંચ કિમીના અંતરે આવેલું ચાંદણકી નિર્મળ અને તીર્થગામ સહિતના અનેક એવોર્ડ મેળવી ચૂક્યું છે.
આ ગામ માટે લખાયેલી થોડી પંક્તિઓ આ મુજબ છે.
આજ દીઠો ય જમાનો નવોને નકોર,
આજે અનાથના આશ્રમથી ય ઝાઝા,
દીઠા છે મેં માં બાપના માટે ઘરડાઘર,
નાના ખોરડે બધા તવ ભાઈબેન વેઠ્યા,
તારે બંગલે ય પડી જગાની ય તે તાણ,
ના વેઠ્યા તે માં ને બાપ કે છૂટ છે નાણે,
આજ આ જમાને દીઠી એક છાયડી,
એ છે મારે મન કાશી, વૃંદાવનને મથુરા,
તે છે એક મારે ચુવાળે, બહુચરની સાથ,
ગામ છે ચાદણકી રહે ત્યા વૃધ્ધ ઝાઝા,
મોટેભાગે જુવાન બહારને દેશ વિદેશા,
આખા ગામના ગઢલેરા જમે સૌ સાથ,
બરાબર અગિયારને વાગે તેના ટકોરા,
પટોપટ સહુ ગઢલેરા પાપા પગે આવ્યા,
સહુ જમે છે આજ એક રસોડેને ગામ,
ધન્ય એમના જણતરને જે છે બહારા,
કર્યા છે સુપેરે આયોજનો બહુ રૂપાળા,
નથી આવવા દીધી લાચારી મા બાપને,
શીખો સહૂ કરો આવા જ વૃધ્ધાશ્રમો,
એના જ ઘેર,એનુ જ કરોને તમે ખાતા,
ગામે ગામ થયા છે આજ ખાલીને ખમ,
જવાન કોઈ છે ના બુઢાને ગમે છે ગામ.
– પોપટભાઇ પટેલ, ઘેલડા.