ગુજરાતના આ શહેરની મહિલાએ બનાવ્યા ખાઈ શકાય તેવા જાતજાતની વેરાયટી ફટાકડા, જાણો કોણ છે તે મહિલા.

0
285

દિવાળીનો તહેવાર હોય અને ફટાકડા અને મીઠાઈની વાત ન થાય એવું તો ના જ બને. બાળકો માટે દિવાળી પર આ બે વસ્તુ સૌથી મહત્વની હોય છે. અને મોટા લોકો પણ એકબીજાનું મોં મીઠું કરાવીને તહેવારની શુભકામના પાઠવે છે. જો અમે તમને કહીએ કે, આ દિવાળી પર તમે ફટાકડા ફોડટા નહિ પણ ફટાકડા ખાજો, તો આ વાત તમને વિચિત્ર લાગશે. પણ હવે એવું શક્ય બન્યું છે. જણાવી દઈએ કે એક ગુજરાતી મહિલાએ ખાઈ શકાય એવા ફટાકડા એટલે કે ફટાકડા ચોકલેટ બનાવી છે. આવો તમને તેના વિષે વિસ્તારથી જણાવીએ.

મિત્રો, રાજકોટને કાંઈ એમ જ રંગીલું રાજકોટ નથી કહેવામાં આવતું. તે પોતાના અવનવા કોન્સેપ્ટ માટે ખુબ જાણીતું છે. એવામાં આ દિવાળી પર રંગીલા રાજકોટીયન્સ માટે ફટાકડા ચોકલેટ આવી ગઈ છે. રાજકોટ શહેરના નવલનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ ચોકલેટના રોકેટ, લાદી બોમ્બ, સૂતળી બોમ્બ, શંભુ, ટેટા અને જમીન ચકરી બનાવી છે અને તેને લોકો માટે બજારમાં મૂકી છે.

અમે જે મહિલાની વાત કરી રહ્યા છીએ તેમનું નામ ખુશીબેન ગોસ્વામી છે. તેમણે મીઠાઈમાં વેરાયટી લાવીને ચોકલેટના ફટાકડા બનાવ્યા છે જેને ખાઈ શકાય છે. ખુશીબેને બાળકો દિવાળીમાં ફટાકડા પણ ખાઈ શકે તેવા વિચાર સાથે ફટાકડા ચોકલેટ બનાવવાનું શરુ કર્યું અને તેમાં તે સફળ રહ્યા. તેમને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમની આ ઘરે બનાવેલી ચોકલેટ શુદ્ધ છે અને હેલ્ધી પણ છે. તેમણે તેની બનાવટમાં ડ્રાયફૂટ, ડાર્ક અને મિલ્ક ચોકલેટનો ઉપયોગ કર્યો છે. તેમની બનાવેલી આ ફટાકડા ચોકલેટ જોઈને કોઈના પણ મોં માં પાણી આવી જાય છે.