ગુજરાતની પ્રખ્યાત ચકરી બનાવવાની રેસિપી, જાણી લો કેવી રીતે ઘરે જ ચકરી બનાવી શકો એના વિષે

0
5917

નમસ્કાર મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં ફરી સ્વાગત છે. આજે અમે તમારા માટે ઘઉંના લોટની ચકરી બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. જણાવી દઈએ કે, આ રેસિપી જાણી લીધા પછી તમે પણ જાતે જ ઘઉંના લોટની એકદમ ટેસ્ટ અને ક્રિસ્પી ચકરી બનાવી શકશો. આ ચકરી બનાવવી ઘણી સરળ છે. તો ચાલો આજે જોઈએ કે ઘઉંના લોટની ચકરી કેવી રીતે બનાવવી.

આ લેખમાં અમે સૌથી નીચે શ્રીજી ફૂડનો વિડિઓ પણ મુક્યો છે એમાં પણ તમે આ રેસિપી વિષે જોઈ શકો છો.

ચકરી બનાવવા માટે જરૂરી સામગ્રી :

ઘઉંનો લોટ – 2 કપ

છાસ – 3/4 કપ

તલ – 1/2 મોટી ચમચી

હળદળ – 1 નાની ચમચી

લાલ મરચાનું પાઉડર – 1/2 મોટી ચમચી

વાટેલા મરચા – 2 મોટી ચમચી

પાણી જરૂર મુજબ

મીઠું સ્વાદ અનુસાર

ચકરી બનાવવાની રીત :

તો મિત્રો ચકરી બનાવવા માટે સૌથી પહેલા ઘઉંનો લોટ લો. તેને સારી રીતે ચાળી લો. પછી એને એક કોટનના કપડામાં બાંધી દો. હવે ઈડલીનું કુકર લઈને એમાં પાણી ગરમ કરવા મૂકો. હવે જયારે પાણી ગરમ થાય એટલે એ કૂકરની અંદર જે પ્લેટ આવે છે, તેની ઉપર આ લોટને મુકવાનો છે.

ત્યારબાદ તમારે એને 20 મિનિટ સુધી પાકવા દેવાનો છે. તમારે એને ફુલ ગેસે ઉપર જ સ્ટીમ કરવાનો છે. હવે 20 મિનિટ પછી લોટને કુકર માંથી બહાર કાઢીને ઠંડો કરવા મૂકવાનો છે. લોટ ઠંડો થઇ ગયા પછી તે કપડાને ખોલી દો. હવે તમારે લોટ કડક થઇ ગયો હશે, તો તમે એને મીક્ષર વડે અથવા અન્ય કોઈ રીતે પાછો પાઉડર જેવો કરી દો.

હવે તમારે ચકરી માટે મસાલા વાળો લોટ તૈયાર કરવાનો છે. તો એના માટે આ તૈયાર કરેલા લોટમાં બધા મસાલા નાખી દેવાના છે. પછી એને મિક્સ કરી ધીરે ધીરે એમાં છાસ ઉમેરતા જાવ અને લોટ બાંધતા જાવ. મિત્રો આ લોટ બનાવવા માટે તેમાં છાસ નાખીને જ લોટ બાંધવો અને જયારે છાસ પતી જાય, તો જ એમાં પાણીનો ઉપયોગ કરવાનો છે. નહિ તો પાણીનો ઉપયોગ કરવાની જરૂર નથી.

હવે લોટ તૈયાર થઇ ગયા પછી ચકરી વણવાનો સંચો અથવા એના માટેનું વાસણ લેવાનું છે. અને જે ચકરી બનાવવાની જાળી છે એમાં તેલ લગાવી દેવાનું છે. હવે સાથે સાથે ગેસ ઉપર પણ તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. ત્યારબાદ એક પ્લેટ લઇ તેના ઉપર ચકરી બનાવી દેવાની છે, અને ધ્યાન રાખવાનું છે કે ચકરીના પહેલા અને છેલ્લા છેડાને જોઈન્ટ કરી દેવાના છે.

હવે આ રીતે બધી ચકરી બની ગયા પછી એને ધીમા ગેસે તળી લેવાની છે. આ સમયે ધ્યાન રહે કે તે એક બાજુ બ્રાઉન થઇ જાય ત્યાર બાદ તેને પલટાવી દેવાની છે. જયારે ચકરી બંને સાઇડથી બ્રાઉન થઇ ગયા પછી તેને બહાર કાઢી લેવાની છે. હવે તમારી ઘઉંના લોટની ચકરી તૈયાર છે, અને તે ઠંડી થઇ ગયા બાદ તેને એક નાના ડબામાં મૂકી 15 થી 20 દિવસ સુધી એનો ઉપયોગ કરી શકો છો.

વીડિયોમાં શીખવા નીચે જુઓ .

જુઓ વિડિઓ :