જાણો ગુજરાતમાં કાતિલ ઠંડી ક્યારથી પડશે, નિષ્ણાતોએ જણાવી હવામાન અંગેની જરૂરી જાણકારી.

0
351

ચોમાસુ પૂરું થયા પછી હવે શિયાળાની શરૂઆત થઇ ગઈ છે. અને ગુજરાતમાં પણ છેલ્લા એક અઠવાડિયાથી શિયાળાની ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં લગભગ દરેક જગ્યાએ મોડી સાંજથી જ ઠંડીનો અનુભવ થવાનું શરુ થઇ ગયું છે. સામાન્ય રીતે ઠંડીની સીઝનમાં રાજ્યમાં નલિયા શહેર સૌથી ઠંડુ શહેર રહેતું હોય છે. પણ આ વખતે હાલના સમયે નલિયા કરતાં વલસાડમાં લઘુત્તમ તાપમાનનો પારો નીચો રહે છે, આથી હાલમાં વલસાડ સૌથી ઠંડું શહેર નોંધાયું છે.

ગુજરાતના પાટનગર ગાંધીનગરનું લધુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદ શહેરમાં રવિવારે લઘુત્તમ તાપમાન 17.4 ડિગ્રી નોંધાયું, તો મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી નોંધાયું હતું.

અન્ય શહેરોની વાત કરીએ તો દ્વારકાનું તાપમાન 22.4 ડિગ્રી, વેરાવળનું તાપમાન 21.9 ડિગ્રી, સુરતનું તાપમાન 20.8 ડિગ્રી, ભુજનું તાપમાન 19.6 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 19.2 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 18.7 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 18.2 ડિગ્રી, કંડલા એરપોર્ટનું તાપમાન 18 ડિગ્રી, રાજકોટનું તાપમાન 17.1 ડિગ્રી, ડિસાનું તાપમાન 17 ડિગ્રી, વડોદરાનું તાપમાન 16.8 ડિગ્રી, કેશોદનું તાપમાન 16.6 ડિગ્રી, અમરેલીનું તાપમાન 16.5, નલિયાનું તાપમાન 14.9 ડિગ્રી અને વલસાડનું લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું હતું.

હવામાન વિભાગ દ્વારા મળતી જાણકારી અનુસાર, નવેમ્બરના અંત સુધીમાં આપણા રાજ્યમાં કાતિલ ઠંડી પડવાનું શરૂ થઈ જશે. અને આ વખતે શિયાળામાં અગાઉ કરતા વધુ ઠંડી પડશે એવું નિષ્ણાતો દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે. અમદાવાદ સહિત આખા રાજ્યના મોટાભાગના દરેક શહેરોમાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે, આથી લોકોએ ગરમ કપડા કાઢવાનું શરૂ કરી દીધું છે.