ગુજરાતના એક અભણ ખલાસીએ સૌથી પહેલા ટાઇલ્સ બનાવી હતી, જાણો ક્યાંના હતા અને બીજી વિગતો

0
946

સમગ્ર વિશ્વમાં મોરબી સિરામિક ઉદ્યોગનું હબ બની ચુક્યું છે. મોરબીના સિરામિક ઉદ્યોગે દેશ અને દુનિયામાં ડંકો વગાડ્યો છે. પરંતુ દેશમાં કે ગુજરાતમાં સૌપ્રથમ ટાઇલ્સ બનાવનાર મોરબી નહોતું. ઇતિહાસનું પાનુ બોલે છે કે સૌ પ્રથમ ટાઇલ્સ બનાવી હતી દ્વારકાના એક અભણ ખલાસીએ.

ગુજરાતમાં ટાઇલ્સ નિર્માણનો ઇતિહાસ લગભગ પોણા ત્રણસો વર્ષ જૂનો છે. અને તેનાં મૂળ નીકળે છે કચ્છમાં. ભૂજમાં આવેલો આયના મહેલ ટાઇલ્સ નિર્માણનો ઇતિહાસ સાચવીને બેઠો છે. દ્વારકા-ઓખાનો રામશી માલમ નામનો ખલાસી હોલેન્ડથી ટાઇલ્સ બનાવવાની કળા શીખી લાવ્યો અને તેનો સૌ પ્રથમ પ્રયોગ કરાયો કચ્છના આયના મહેલમાં. અહીં લગાવાયેલી ટાઇલ્સ રામશી માલમે બનાવેલી છે.

રામશી માલમ આ વિદ્યા કેવી રીતે શીખી લાવ્યો તે ઇતિહાસ પણ રોચક છે. પોણા ત્રણસો વર્ષ પહેલાં દરિયો ખેડતી વખતે તેમનું વહાણ ડૂબવા લાગ્યું. બરાબર તે જ સમયે હોલેન્ડની એક સ્ટીમર ત્યાંથી પસાર થઇ અને તેણે દરિયામાં ડૂબતા રામશી માલમને બચાવી લીધો. એટલું જ નહીં તેને હોલેન્ડ સાથે લઇ ગયાં. રામશી ત્યાં 17 વર્ષ રહ્યો. એ દરમિયાનમાં તેમણે કાચ અને ટાઇલ્સ બનાવવાની કળા શીખી લીધી. પછી ભારત પરત આવ્યો.

એ અરસામાં કચ્છના રાજા ભૂજમાં દિલ્હીના શિશમહેલ જેવો આયના મહેલ બનાવવાનું વિચારતાં હતા. એ વાતની રામશીને જાણ થઇ અને રામશી કચ્છના રાજા પાસે પહોંચી ગયો. રાજાએ રામશીની કળાને આયના મહેલમાં છૂટી મુકી અને આયના મહેલના નિર્માણનો કાર્ય આરંભ થયો.

– જયેશ રાદડિયા Jayesh Radadiya