હાઇકોર્ટે રૂપાણી સરકારને કહ્યું, માત્ર 108 ના દર્દીને જ કેમ દાખલ કરાય છે? આપણે ગુજરાતની ચિંતા કરવાની છે.

0
78

ગુજરાત રાજ્યમાં કો-રો-ના ને કારણે સ્થિતિ સતત બગડતી જઈ રહી છે. રોજ મોટી સંખ્યામાં નવા કેસ નોંધાઈ રહ્યા છે, તો સ્મશાનમાં વેઇટિંગ જોવા મળી રહ્યું છે. એવામાં રાજ્ય સરકાર સંક્રમણને ફેલાતું અટકાવવા માટે જરૂરી નિર્ણય લઇ રહી છે. સ્થિતિ વધુ બગડતા ગુજરાત હાઇકોર્ટે થોડા દિવસો પહેલા જ રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી.

હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો (Suo Moto Pil) પર સુનાવણી થઈ રહી છે. (સુઓમોટોનો અર્થ થાય છે કે, તેમની અથવા પોતાની જાતે જ સહમતિ.) થોડા દિવસો અગાઉ હાઈકોર્ટ તરફથી રૂપાણી સરકારની ઝાટકણી કાઢી રાજ્ય સરકારને વાયરસની કામગીરી અંગે સોગંદનામું રજૂ કરવાના આદેશ આપ્યા હતા. ત્યારબાદ સોમવારે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં પોતાનું સોગંદનામું રજૂ કર્યું હતું. તેના પર આજે (મંગળવારે) હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી. રાજ્ય સરકારે કો-વિ-ડમાં ઉભા કરેલા આરોગ્યના માળખાની સવિસ્તાર માહિતી આપી છે.

હાઈકોર્ટમાં રૂપાણી સરકારે દાવો કર્યો છે કે, અમે સ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છીએ. એટલું જ નહિ સરકાર તરફથી એ પણ દાવો કરવામાં આવ્યો છે કે, ઓક્સિજનની અછતને પહોંચી વળવા માટે પણ અમે સક્ષમ છીએ. અત્યાર સુધીમાં ગુજરાતમાં 4.10 લાખ કેસ નોંધાયા છે. તેની સામે આરોગ્ય ક્ષેત્રે ઉભી કરેલી તમામ મશીનરીનો વાયરસ સામે લડવામાં ઉપયોગ થઈ રહ્યો હોવાની વાત રાજ્ય સરકારે કોર્ટમાં કરી છે.

હાઈકોર્ટના સવાલાનો જવાબ આપતા રાજ્ય સરકારે મેન પાવરની અછત હોવાની વાત કબૂલી છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર લેબમાં હાલ ઓછો સ્ટાફ કામ કરી રહ્યો છે, આથી મેન પાવર ઓછો પડી રહ્યો છે. રાજ્યમાં દર્દીઓને રોજના 20 હજાર વાયલ ઈન્જેક્શન આપવામાં આવી રહ્યા છે. અમે રાજ્યના અનેક વિસ્તારમાં કોર કમિટીની મુલાકાત કરી રહ્યા છીએ.

રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, ભાવનગરમાં 91 ટકા, જૂનાગઢમાં 93 ટકા, વડોદરામાં 86 ટકા, અમદાવાદમાં 76 ટકા અને સુરતમાં 68 ટકા બેડ ભરાયેલા છે. તો કુલ 895 ડેઝિગ્નેટેડ, 304 કોવિડ કેર સેન્ટરો પણ કાર્યરત છે. અમે હાલ રાજ્યના દર્દીઓ માટે 1100 મેટ્રિક ટન ઓક્સિજનની વ્યવસ્થા કરી રહ્યા છીએ. આવતા એક અઠવાડિયામાં 5 પ્લાન્ટ કાર્યરત થશે.

રાજ્ય સરકારે સોંગદનામાં પ્રમાણે પોતાના જવાબ રજૂ કર્યા બાદ હાઈકોર્ટ પણ કડક વલણ દેખાડી રહી છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને જણાવ્યું કે, તમે ભારત સરકારના આંકડા સાથે ગુજરાતની રખામણી ના કરશો. આપણે ગુજરાતની ચિંતા કરવાની છે. પહેલા ઝોન વાઈઝ 108 એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરતી હતી. પરંતુ હાલ 108 સેન્ટ્રલાઈઝ કરવાથી દર્દીઓને ભારે તકલીફ પડી રહી છે.

હાઇકોર્ટે કહ્યું કે, ખાનગી વાહનોના દર્દીઓને કો-વિ-ડમાં દાખલ કેમ નથી કરાતા? આવા દર્દીઓને ખાનગી અને ડેઝિગ્નેટેડ હોસ્પિટલો દાખલ કરતી નથી. હાલની સ્થિતિ જોતા ફર્સ્ટ કમ, ફર્સ્ટ સર્વના આધાર પર દર્દીને દાખલ કરવામાં આવે છે. આથી ગંભીર દર્દી પણ વેઈટિંગમાં રહે છે. આ અંગે રાજ્ય સરકાર શું કરવા માંગે છે? માત્ર 108 ના દર્દીને જ કેમ દાખલ કરાય છે? અન્ય વાહનોના દર્દીઓને કેમ દાખલ નથી કરતા? હાઈકોર્ટે જણાવ્યું કે રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે સુવિધાના અભાવના કારણે પહોંચી શકાતું નથી.