ગુજરાત વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે આ ખાસ પેન્સિલ, વાપર્યા પછી ફેંકવાની જગ્યાએ કરો આ રીતે ઉપયોગ.

0
434

આખી દુનિયામાં પેન્સિલનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. અને એ વાત તો તમે જાણો જ છો કે પેન્સિલ ઝાડમાંથી બને છે. પેન્સિલ માટે દર વર્ષે ન જાણે કેટલાય ઝાડ કાપવામાં આવે છે. એવામાં પર્યાવરણને પણ મોટું નુકશાન થાય છે. આ વાતને ધ્યાનમાં રાખીને વપરાયેલી પેન્સિલમાંથી ઝાડ ઉગાડી શકાય તેવી ટેક્નિક વિકસાવવામાં આવી છે.

અને ગુજરાતના વન વિભાગે પણ તે ટેક્નિક દ્વારા પેન્સિલમાંથી વૃક્ષો વાવવાનું શરૂ કર્યું છે. તેમના દ્વારા નવી પેઢીના બાળકોના હસ્તે વૃક્ષો વાવવામાં આવે છે. જેથી તેઓ પણ તેનું મહત્વ સમજી શકે. આ પેન્સિલ એવી રીતે બનાવવામાં આવી છે કે, બાળકો સ્કૂલમાં લખવા માટે તેનો ઉપયોગ કરી શકે છે. અને તે પેન્સિલ ઘસાઇ જાય પછી તેના બાકી વધતા ભાગને જમીનમાં દાટી દેવાનો હોય છે. પેન્સિલના તે ભાગમાં વન વિભાગે બિયારણો મૂક્યા હોય છે, જે ઉગીને છોડ અને પછી ઝાડ બને છે. તેને ‘સીડ પેન્સિલ’ તરીકે ઓળખવામાં આવે છે.

હાલમાં આખું વિશ્વ ગ્લોબલ વોર્મિંગથી બચવાના ઉપાયો શોધી રહ્યું છે, અને પર્યાવરણને નુકશાન નહીં કરવાનાં પ્રયત્નો કરી રહ્યું છે. તેના માટે એક વિચાર, ઉપાય કે પ્રયોગ જે કહીએ તે હંમેશા સૌથી આગળ હોય છે, અને તે છે રિસાયકલિંગ એટલે કે, કોઈપણ વસ્તુનો ઉપયોગ એક કરતાં વધુ વખત કરવો. અને ગુજરાત વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘સીડ પેન્સિલ’ એક એવો જ અદ્દભૂત પ્રયોગ છે.

આ સીડ પેન્સિલનો ઉપયોગ જ્યાં સુધી લખી શકાય ત્યાં સુધી લખવા માટે કરવાનો હોય છે. અને પછી જયારે તે એટલી નાની થઈ જાય કે તેનાથી લખી ન શકાય, ત્યારે તેને જમીનમાં દાટી દેવાની હોય છે. આ સીડ પેન્સિલ ખુબ સાવચેતી પૂર્વક બનાવવામાં આવી છે. આ સીડ પેન્સિલમાં એ વાતનું ખાસ ધ્યાન રખાયું છે કે, પેન્સિલ કેટલી નાની થયાં બાદ તેનાથી લખવામાં તકલીફ પડે છે, અને ફેંકી દેવામાં આવે છે. અને ત્યાં જ પેન્સિલના બીજા છેડે જુદા જુદા વૃક્ષ, છોડ, ક્ષુપનાં બીજ ચોક્કસ પદ્ધતિથી મુકવામાં આવ્યાં છે. ઉપરાંત પેન્સિલ પર એ પણ લખવામાં આવ્યું છે કે, તેમાં કયા ઝાડ, છોડ, ક્ષુપનાં બીજ છે.

આ સીડ પેન્સિલનું બોક્સ અત્યંત વ્યાજબી દરે આપવામાં આવે છે, અને દરેક પેન્સિલ પર લખ્યું હોય છે કે આ પેન્સિલ લખવાના કામમાં ન આવે તેટલી નાની થઇ જાય ત્યારે તેને જમીનમાં ખાડો ખોદીને દાટી દેવી. થોડાં સમય પછી તેમાં રહેલા બીજના અંકુર ફૂટશે. આ પેન્સિલ એવી જગ્યાએ વાવવાની હોય છે કે, જ્યાં પાણીની સુવિધા મળી રહે.

જોકે વન વિભાગ દ્વારા આ સીડ પેન્સિલનો પ્રચાર ઘણો ઓછો કરવામાં આવ્યો છે, પરંતુ જેમને તેના વિષે ખબર છે તે પરિવારો પોતાના બાળકો માટે આવી જ પેન્સિલ લાવે છે. વન વિભાગનો આ પ્રયોગ ધીમે ધીમે સરકારી સ્કૂલો અને પ્રાઇવેટ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ શરૂ કરવામાં આવ્યો છે. સ્કૂલોમાં આ પ્રયોગ સમજાવવા માટે વન વિભાગ વોલિયેન્ટર રાખે છે.