ઘઉંના લોટની ફરસી પુરી બનાવવાની સરળ રીત, આજે જ નોંધી લો એની રેસીપી અને જાતે જ બનાવો ટેસ્ટી વાનગી

0
9086

આ રીતે બનાવો ઘઉંના લોટની સ્વાદિષ્ટ ફરસી પુરી, નોંધી લો તેની રેસિપી

નમસ્કાર વાચક મિત્રો, તમારા બધાનું અમારા લેખમાં ફરી એક વાર સ્વાગત છે. મિત્રો, આપણે ગુજરાતી લોકોને સવાર સાંજ ચા-નાસ્તો, તેમજ બપોરે અને રાત્રે જમવાનું જોઈએ. કારણ કે આપણને ખાવાનો ઘણો શોખ છે. આપણામાંથી ઘણા બધા લોકો તો એ સિવાય પણ મિત્રો અથવા સાથી કર્મચારીઓ સાથે ક્યાંક ને ક્યાંક બીજો નાસ્તો કરવાં જતા હશે. આ કારણે ગૃહિણીઓને રોજ રોજ નાસ્તામાં અને જમવામાં શું બનાવવું એ પ્રશ્ન ઘણો મૂંઝવતો હોય છે.

એટલા માટે અમે થોડા થોડા દિવસે તમારા માટે નવી નવી વાનગીઓ બનાવવાની રેસિપી લઈને આવતા રહીએ છીએ. અને આજે અમે તમારા માટે એક નવી રેસિપી લઈને આવ્યા છીએ. એ રેસિપી છે ઘઉંના લોટની ફરસી પુરી બનાવવાની રેસિપી. તો આવો તમને એની એકદમ સરળ રીત જણાવી દઈએ.

ઘઉંના લોટની ફરસી પુરી બનાવવા માટે જરૂરી સામગ્રી :

500 ગ્રામ ઘઉંનો લોટ,

1 ચમચી મરી પાઉડર,

1 ચમચી જીરું,

સ્વાદ મુજબ મીઠું,

5 થી 6 ચમચી તેલ મોણ માટે (આ તેલ ગરમ કરીને નવશેકું કરવું અને આ તેલ થોડું ગરમ હોય ત્યારે જ લોટમાં નાખવું. આવા તેલથી પુરી ખૂબ ક્રિસ્પી બને છે.)

નોંધ : તમારે સોજી ઉમેરવી હોય તો 2 ચમચી જેટલી સોજી ઉમેરી શકો છો. મેંદાના લોટમાં મોણ નાખો તે કરતા ઘઉંના લોટમાં થોડું વધારે લેવું.

બનાવવાની રીત :

સૌથી પહેલા લોટ અને તેલને સરખું ભેગુ કરીને પાણીથી લોટ બાંધવો. લોટ બાંધવા જે પાણીનો ઉપયોગ કરો એ પાણી પણ ગરમ કરીને લેવું. અને ધીમે ધીમે પાણી ઉમેરી લોટ બાંધવો. પૂરીનો લોટ પરોઠાના લોટ કરતા થોડો કઠણ બાંધવો. જો લોટ ઢીલો થશે તો પુરી ક્રિસ્પી બનશે નહિ.

લોટને ઢાંકીને 5 થી 10 મિનિટ સુધી મૂકી રાખવો. પછી લોટને મસળીને તેના મીડીયમ સાઈઝના લુવા કરી પુરી વણવી. અને એક વાતનું ધ્યાન રાખવું કે, બાંધેલો લોટ કે લુવા ખુલ્લા રાખવા નહીં. જો ખુલ્લા રહેશે તો લોટ સુકાઈ જશે.

પછી પુરી વણવી અને વણેલી પુરી પર ચપ્પાની મદદથી કાપા પાડી લેવા. પછી આ બધી પુરીને ધીમા તાપે તળવી. તે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી પુરીને આમતેમ ફેરવીને તળવી. પછી એને પ્લેટમાં કાઢી લેવી. તો આ રીતે તૈયાર છે ઘઉંના લોટની ક્રિસ્પી ફરસી પુરી.

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.